Chandrayaan-3 Launch : ચંદ્રયાન-3 લોન્ચનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ બપોરે 2.35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. માત્ર દેશની જ નહી સમગ્ર વિશ્વની નજર આ મિશન પર કેન્દ્રિત છે, ચંદ્રયાન-3ને ISRO ના સૌથી ભરોસાપાત્ર રોકેટ LVM થી લોન્ચ કરવામાં આવશે. આ રોકેટે અત્યાર સુધીના તમામ મિશન સફળતાપૂર્વક હાંસલ કર્યા છે. આ રોકેટથી ચંદ્રયાન-2 પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ચંદ્રયાન-2 મિશન લગભગ ચાર વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ ટેક્નિકલ ખામીના કારણે તે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરવામાં નિષ્ફળ રહ્યું હતું. હવે ચંદ્રયાન-3 મિશન માટે દરેક પાસાઓનો નજીકથી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
શું છે ચંદ્રયાન-3 મિશન?
ચંદ્રયાન-3 મિશન હેઠળ ઇસરો ચંદ્રની દક્ષિણ સપાટી પર ઉતરાણ કરીને તેનો અભ્યાસ કરવા માંગે છે. ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. જો ચંદ્રયાન અહીં સુધી પહોંચવામાં સફળ થાય છે, તો ભારત તે ભાગ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે. કહેવાય છે કે, ચંદ્ર પૃથ્વીથી જ તૂટીને હનેલો છે, પરંતુ માનવીય ગતિવિધિઓને કારણે પ્રારંભિક ઈતિહાસ પૃથ્વી પરથી ભૂંસાઈ ગયો છે.
તમે રોકેટ લોન્ચ ક્યાં, કેવી રીતે જોઈ શકો છો?
દરેક વ્યક્તિ ચંદ્રયાન-3ના લોન્ચીંગનું સાક્ષી બનવા માંગે છે. દરેક વ્યક્તિ આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરવા માંગે છે. ઈસરોએ આ માટે ખાસ તૈયારીઓ પણ કરી છે. ઈસરોની વેબસાઈટ આ ખાસ પળનું સાક્ષી બનવા લોકો પાસે બુકિંગ લઈ રહી છે. તમે ISROની સત્તાવાર વેબસાઇટ http://www.isro.gov.in પર લોન્ચ વ્યૂ ગેલેરીમાં સીટ બુક કરી શકો છો. ઈસરોના વડા એસ સોમનાથે જણાવ્યું કે, ચંદ્રયાન-3નું લોન્ચીંગ જોવા માટે તમે ઈસરોની વેબસાઈટ પર જઈને તમારી સીટ બુક કરી શકો છો. આ સિવાય તમે ઈસરોની વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર લોન્ચનું લાઈવ ટેલિકાસ્ટ પણ જોઈ શકો છો.
ચંદ્રયાન-3 તેની સાથે શું લઈને જશે?
ચંદ્રયાન-3નું વજન 3,900 કિલો છે, જ્યારે પ્રોપલ્શન મોડલનું વજન 2,148 કિલો છે. તેના લેન્ડર અને રોવરની વાત કરીએ તો, તેનું વજન 1752 કિલો છે. તમને જણાવી દઈએ કે, ચંદ્રયાન-3 પોતાની સાથે લેન્ડર લઈને જઈ રહ્યું છે. તે ચંદ્રની દક્ષિણ સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. લેન્ડિંગ પછી, તેમાંથી એક રોવર બહાર આવશે, જે ચંદ્રની સપાટીનો અભ્યાસ કરશે. એચડી કેમેરા સિવાય તેના પર અન્ય ઘણા ઉપકરણો પણ લગાવવામાં આવ્યા છે. આ રોવર 14 દિવસ સુધી કામ કરી શકશે. જો તેને વધુ સૂર્યપ્રકાશ મળશે તો રોવર લાંબા સમય સુધી કામ કરવાની પણ ક્ષમતા ધરાવે છે.
આ પણ વાંચો – ચંદ્રયાન-3 મિશન પર આખી દુનિયાની નજર કેમ છે? શું છે મનુષ્ય અને ચંદ્ર વચ્ચે સંબંધ, જાણો દરેક સવાલનો જવાબ
ચંદ્રયાન-3 મિશનમાં અત્યાર સુધી શું થયું
6 જુલાઈ – ઈસરોના વડા એસ સોમનાથે જણાવ્યું કે, આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે
7 જુલાઈ – વાહનનું ઇલેક્ટ્રિક પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
11 જુલાઈ – ચંદ્રયાન-3નું લોન્ચિંગ રિહર્સલ સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
જોકે હવે ચંદ્રયાન-3 14 જુલાઈ – બપોરે 2.35 વાગ્યે લોન્ચ થશે
ઓગસ્ટ 23-24 – ચંદ્રની સપાટી પર લેન્ડર અને રોવરને લેન્ડ કરવાનો પ્રયાસ કરશે.