Chandrayaan 3 landing site named Shiva-Shakti : ચંદ્રયાન 3 એ ઇતિહાસ રચતા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું. તે સફળતા બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. હવે એ વાતાવરણ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી ગ્રીસથી સીધા બેંગ્લોર પહોંચ્યા અને તેઓ ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા. તે દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, જે જગ્યાએ ભારતનું ચંદ્રયાન ઉતર્યું છે, તે સ્થાન હવેથી શિવ-શક્તિ તરીકે ઓળખાશે.
આ અંગે પીએમ મોદીએ કહ્યું કે, આજે હું એક અલગ જ ખુશી અનુભવી રહ્યો છું, આવી તકો બહુ ઓછી મળે છે. વ્યક્તિના જીવનમાં ઘણી વખત આવી ઘટનાઓ બને છે, જેમાં અધીરાઈ હાવી થઈ જાય છે અને આ વખતે મારી સાથે પણ એવું જ થયું છે. હું સાઉથ આફ્રિકામાં હતો, પણ મારું મન તમારી સાથે સંપૂર્ણ રીતે જોડાયેલું હતું. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સફળતા બાદ ભારત પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ કાયમ બદલાઈ જશે.
આ પછી જ પીએમએ કહ્યું કે, ભારતનું ચંદ્રયાન જે જગ્યાએ લેન્ડ થયું છે, તે જગ્યાનું નામ હવેથી શિવ શક્તિ રહેશે. આ સિવાય જ્યાં સુધી ચંદ્રયાન 2 ગયું, તે જગ્યાનું નામ તિરંગા રાખવામાં આવ્યું છે. એટલે કે પીએમ મોદીએ એક સાથે બે જગ્યાના નામ રાખ્યા છે. બીજી મોટી જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, હવેથી 23 ઓગસ્ટને દર વર્ષે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવામાં આવશે. તે દિવસને યાદ કરીને પીએમ પણ ખૂબ જ ભાવુક દેખાતા હતા.
આ પણ વાંચો – ISRO Next Mission : ચંદ્રયાન 3 પછી શું છે ઈસરો આગામી મિશન? સૂર્યયાન, શુક્રયાન સહિત 10 વર્ષ માટે છે મોટી તૈયારીઓ
તેમણે કહ્યું કે, 23મી ઓગસ્ટનો દિવસ મારી નજર સામે દરેક સેકન્ડે ફરી ફરી રહ્યો છે. જ્યારે ટચ ડાઉન કન્ફર્મ થયું ત્યારે અહીં ઇસરો સેન્ટર અને આખા દેશમાં લોકો જે રીતે કૂદી પડ્યા હતા, તે દ્રશ્ય કોણ ભૂલી શકે છે. કેટલીક યાદો અમર બની જાય છે. એ ક્ષણ અમર બની ગઈ.