ISRO Chandrayaan-3 Landing Live On Moon Update : ઇસરોના ચંદ્રયાન-3એ ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર ભારત પ્રથમ દેશ બન્યો છે. ભારત માટે આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઘટના છે. ચંદ્રયાન-3 હવે ચંદ્ર પર પહોચ્યા બાદ શું કામગીરી કરશે, ત્યાં કેટલા દિવસ રહેશે, ચંદ્ર પરથી ધરતી પર પરત આવશે કે કેમ તે અંગે લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે. અહીંયા તમારા આવા તમામ પ્રશ્નોના જવાબ મળશે,
ચંદ્રયાન-3: ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક અવકાશયાનનું સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. આ ચંદ્ર પર અજાણ્યા સ્થળની ઐતિહાસિક યાત્રા છે. આ વિસ્તાર અંગે વૈજ્ઞાનિકોનું માનવું છે કે અહીં સ્થિર પાણીનો નોંધપાત્ર ભંડાર હોઈ શકે છે. આ મિશન વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ માટે તકનીકી વિજય છે. 2019 માં ચંદ્ર પર ઉતરાણ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા પછી, ભારત હવે યુએસ, સોવિયત સંઘ અને ચીન સાથે આ સીમાચિહ્ન હાંસલ કરનાર ચોથો દેશ બની ગયો છે.
ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગ સાથે ભારત ઇતિહાસ રચ્યો
ભારતની અંતરિક્ષ સંસ્થા ઈસરોએ 14 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3નું લોન્જિંગ કર્યુ હતુ અને તેણે 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગને ઇતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાન સાથે લેન્ડર વિક્રમ સાંજે 6:04 વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરણ કર્યુ. ભારતીયો સહિત દુનિયાભરના લોકો ચંદ્ર પર ભારતના ઉતરણના સાક્ષી બન્યા હતા. નોંધનિય છે કે, 2019માં ભારતે ચંદ્ર પર પહોંચવા ચંદ્રયાન-2 લોન્ચ કર્યુ હતુ જો કે તેમાં નિષ્ફળતા મળી હતી. ચંદ્રયાન-3 મૂન મિશનમાં સફળતા સાથે ભારત હવે યુએસ, રશિયા અને ચીન બાદ ચંદ્ર પર પહોંચનાર દુનિયાનો ચોથો દેશ બની ગયો છે.

ચંદ્રયાન-3 ચંદ્ર પર કેટલા દિવસ રહેશે?
ચંદ્રયાન-3 લગભગ બે અઠવાડિયા સુધી ચંદ્ર પર સક્રિય રહેવાની ધારણા છે, જેમાં ચંદ્રની સપાટીની ખનિજ રચનાના સ્પેક્ટ્રોમીટર એનાલિિસ સહિત ઘણી મોટી શોધો કરવામાં આવશે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે પૃથ્વી પર 14 દિવસ પછી ચંદ્ર મિશન અને તેના ઉપકરણનું શું થશે?
ચંદ્રયાન-3ની મિશન લાઈફ કેટલી છે?
ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સૌર ઉર્જા પર ચાલે છે અને તેની મિશન લાઇફ એક ચંદ્ર દિવસ એટલે કે ચંદ્ર પરના એક દિવસ જેટલી છે. ચંદ્રનો ચંદ્ર દિવસ એટલે પૃથ્વીના 14 દિવસ બરાબર થાય છે. આવી સ્થિતિમાં લેન્ડર અને રોવર માટે સૂર્યપ્રકાશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 23 ઓગસ્ટથી ચંદ્રના આ ભાગ પર સૂર્યપ્રકાશ પડવા લાગ્યો હતો, તેથી જ ઈસરોએ સોફ્ટ લેન્ડિંગ માટે આ દિવસ પસંદ કર્યો હતો.
પૃથ્વીના 14 દિવસ બાદ ચંદ્રના આ ભાગ પર સૂર્યની કિરણો આગામી થોડાક દિવસો સુધી પડવાનું બંધ થઇ જશે. આ સમગ્ર ટાઇમ સાઇકલ દરમિયાન ચંદ્રની સપાટીનું તાપમાન માઇનસ 180 ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટી જાય છે. આવી પરિસ્થિતિમાં કોઇ પણ ટેકનોલોજી કે ડિવાઇસ કામગીરી કરવાનું બંધ કરી દે છે.
ચંદ્ર પર લેન્ડિંગ માટે સૂર્યપ્રકાશ કેમ મહત્વપૂર્ણ છે?
ઈસરો ઈચ્છતુ હતુ કે, ચંદ્રયાન-3નું લેન્ડિંગ ચંદ્ર પર ત્યારે થાય જ્યારે તે ભાગ પર સૂર્યપ્રકાશ પડતો હોય, જેને ચંદ્ર દિવસ કહેવાય છે. એટલા માટે સ્પેસ એજન્સીએ 23 ઓગસ્ટનો દિવસ પસંદ કર્યો. હવે જો બુધવારનું લેન્ડિંગ અસફળ રહ્યું હોત, તો સ્પેસ એજન્સીએ 24 ઓગસ્ટ, ગુરુવારે અન્ય લેન્ડિંગનો પ્રયાસ કર્યો હોત. આનો અર્થ એ થયો કે તે દિવસે પણ ચંદ્ર પર પણ સૂર્યપ્રકાશ હોતો, પરંતુ જો કોઈ કારણોસર બીજો પ્રયાસ પણ નિષ્ફળ જાય, તો બીજા નવા ચંદ્ર દિવસની રાહ જોવી પડતી અને ઉતરાણ 29 દિવસ માટે મુલતવી રાખવું પડતું.

14 દિવસ પછી ચંદ્રયાન-3નું શું થશે?
ચંદ્રયાન-3ની મિશન લાઇફ એક ચંદ્ર દિવસનું છે, પરંતુ ISROના અધિકારીઓએ લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનની લાઇફ વધુ એક ચંદ્ર દિવસ સુધી લંબાવવાની શક્યતાને નકારી કાઢી નથી. ઈસરોના ચીફ એસ સોમનાથના જણાવ્યા અનુસાર જ્યાં સુધી સૂર્યપ્રકાશ રહેશે ત્યાં સુધી અવકાશયાનની તમામ સિસ્ટમ કાર્યરત રહેશે.
તેમણે કહ્યું કે, “જ્યારે સૂર્યાસ્ત થશે ત્યારે ત્યાં ખૂબ જ અંધારું હશે, તાપમાન માઈનસ 180 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. આવી સ્થિતિમાં સિસ્ટમ સક્રિય રહે તે શક્ય નથી, અને જો તે આગળ પણ સક્રિય રહેશે, તો અમને ખૂબ આનંદ થશે, કારણ કે, અમે ફરીથી સિસ્ટમ પર કામ કરી શકીશું, અને અમને આશા છે કે આવું જ થશે.
શું ચંદ્રયાન-3 ચંદ્ર પરથી પૃથ્વી પર પરત આવશે?
શું ચંદ્રયાન-3 ચંદ્ર પરથી પૃથ્વી પર પરત આવશે કે કેમ? લોકોના મનમાં આ પ્રશ્ન સૌથી વધુ ઉદભવી રહ્યો છે. તમને જણાવી દઇયે કે, કોઈ પણ સંજોગોમાં ચંદ્રયાન-3ના કોઈપણ પાર્ટ્સ અથવા ઉપકરણ પૃથ્વી પર પાછા આવશે નહીં, તે ચંદ્ર પર રહેશે. 14 જુલાઈના રોજ 600 કરોડના ખર્ચે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનને લૉન્ચ વ્હીકલ માર્ક-III (LVM-3) રોકેટ પર લૉન્ચ કરવામાં આવ્યું હતું, જે 42 દિવસની મુસાફરી પૂરી કરીને તેના ગંતવ્ય સ્થાન ચંદ્ર પર પહોંચ્યું છે.
રશિયાનું લુના-25 અવકાશયાન ચંદ્ર પર ક્રેશ થયુ
તમને જણાવી દઇયે કે, ભારતની પહેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાનો ઇતિહાસ બનાવવા માટે રશિયાએ પણ 10 ઓગસ્ટે તેનું લુના-25 અવકાશયાન લોન્ચ કર્યુ હતુ. જો કે 20 ઓગસ્ટ, 2023ના રોજ લુના-25માં ટેકનિકલ ખામી સર્જાતા રશિયાનું અવકાશયાન ચંદ્ર પર લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થયું હતુ. રશિયાના લુના-25ની નિષ્ફળતા બાદ સમગ્ર દુનિયાની નજર ભારતના ચંદ્રયાન-3 ઉપર હતી.
ચંદ્રનો દક્ષિણ ધ્રુવ પ્રદેશ કેમ મહત્વપૂર્ણ છે?
ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશ પર સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ કર્યો છે. ચંદ્રનો દક્ષિણ ધ્રુવ પ્રદેશ બહુ જ ખાસ છે અને અહીંયા પહોંચનાર ભારત વિશ્વનો પહેલો દેશ બન્યો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશ વિશે હજુ પણ ઘણી મોટી શોધ ચાલી રહી છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તેની આસપાસનો વિસ્તાર, જ્યાં હંમેશા પડછાયો રહે છે, ત્યાં પાણીની હાજરી હોઈ શકે છે.