ISRO Chandrayaan 3 Moon Mission Landing updates: ચંદ્રયાન 3 લેન્ડિંગ માટે કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. ભારત જ નહીં પરંતું સમગ્ર વિશ્વની નજર ચદ્રયાન 3 પર છે. રશિયાનું લુના 25 મૂન મિશન નિષ્ફળ ગયું છે ત્યારે ઇસરો નું ચંદ્રયાન 3 અંતિમ પડાવ પર છે. બુધવારે સાંજે ચંદ્રયાન 3 ચંદ્ર પર લેન્ડિંગ કરનાર છે. 23 ઓગસ્ટ સાંજે 6 વાગે 4 મિનિટ પર ચંદ્રયાન 3 ચંદ્ર ની ધરતી પર દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ઇસરો આ માટે લાઇવ અપડેટ માટે લાઇવ પ્રસારણ કરવાનું છે. ઇસરો વેબસાઇટ અને યૂટ્યૂટ પર સીધું પ્રસારણ જોઇ શકાશે.
ચંદ્રયાન 3 લેન્ડિંગ માટે આખરી 15 મિનિટ મહત્વની છે. ઇસરો દ્વારા વર્ષ 2019 માં મોકલાયેલ ચંદ્રયાન 2 છેલ્લી 15 મિનિટ માં નિષ્ફળ ગયું હતું. જેનું ધ્યાન રાખતાં ઇસરો વૈજ્ઞાનિકો દ્વારા આ વખતે વધુ તકેદારી રાખવામાં આવી છે. ઇસરોના વડા એસ સોમનાથે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ચંદ્રયાન 3 હાલમાં 90 ડિગ્રી ઝુકેલું છે. પરંતુ લેન્ડિંગ પહેલા એણે પૂર્વવત થવું પડશે અને આખરી 15 મિનિટ પડકારજનક છે. જે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. ચંદ્રયાન 2 ને પણ આ છેલ્લી ઘડીઓમાં જ પડકારનો સામનો કરવો પડ્યો હતો. ચંદ્રયાન 3 લેન્ડિંગ લાઈવ ન્યૂઝ અહીં ક્લિક કરી જાણી શકાશે.
ચંદ્રયાન 3 લેન્ડિંગ થશે 4 ફેઝમાં
ચંદ્રયાન 3 લેન્ડિંગ ચાર તબક્કામાં થશે. 23 ઓગસ્ટે સાંજે 5 કલાક 45 મિનિટ થી એ પ્રકિયા શરુ થઇ જશે અને રફ બ્રેકિંગ ફેઝ, અલ્ટીટ્યૂટ હોલ્ડ ફેઝ, ફાઇન બ્રેકિંગ ફેઝ અને ટર્મિનલ ડિસેન્ટ ફેઝ એમ વિવિધ ચાર તબક્કામાં લેન્ડિંગ થશે. લેન્ડિંગની આખરી 15 મિનિટ સપળ બનાવવા માટે વૈજ્ઞાનિકો મહેનતમાં લાગી ગયા છે તો બીજી બાજુ દેશવાસીઓ ચંદ્રયાન 3 સફળ રીતે ઉતરાણ કરે એ માટે પૂજા અર્ચના કરી રહ્યા છે.
ચંદ્રયાન 3 લેન્ડિંગ કેવી રીતે થશે?
ચંદ્રયાન 3 લેન્ડિંગ પ્રથમ તબક્કામાં રફ બ્રેકિંગ કરી ચંદ્રયાન 3 સ્પીડ ઓછી કરશે. આ તબક્કો અંદાજે 690 સેકન્ડ એટલે કે સાડા અગિયાર મિનિટ નો રહેશે. આ વખતે ચંદ્રયાન 3 ની ગતિ લગભગ 1.68 કિમી પ્રતિ સેકન્ડ હશે જે ઘટાડીને 358 મીટર પ્રતિ સેકન્ડ કરાશે. વિક્રમ લેન્ડર ની સ્પીડ ઓછી કરવા માટે 400 ન્યૂટન ના ચાર એંજિન ચાલુ કરવામાં આવશે. ચંદ્રયાન આ તબક્કામાં અંદાજે 745 કિમી અંતર કાપશે અને આ તબક્કા બાદ ચંદ્રયાન 3 અને ચંદ્ર વચ્ચેનું અંતર માત્ર 7.4 કિમી જ રહેશે.
ચંદ્રયાન 3 લેન્ડિંગ માટે મહત્વનું
ચંદ્રયાન 3 લેન્ડિંગ માટે અલ્ટીટ્યૂટ તબક્કો સૌથી મહત્વનો માનવામાં આવે છે. ચંદ્રયાન 3 લેન્ડિંગ નો આ બીજો તબક્કો છે. આ તબક્કો ચંદ્રયાન અને ચંદ્ર વચ્ચે અંતર માત્ર 7.4 કિમી જ હશે ત્યારે શરૂ થશે. આ તબક્કામાં 10 સેકન્ડમાં વિક્રમ લેન્ડર ચંદ્રથી માત્ર 6.8 કિમી જ ઉંચાઇ પર હશે. આ દરમિયાન ગતિ ઘટાડી પ્રતિ સેકન્ડ 336 મીટર કરાશે. આ તબક્કામાં ફરી 740 ન્યૂટન શક્તિ સાથે ચાર એંજિન શરુ કરાશે.
ફાઇનલ બ્રેકિંગ ત્રીજો તબક્કો
ચંદ્રયાન 3 લેન્ડિંગ માટે બે તબક્કા પૂર્ણ કર્યા બાદ ત્રીજો તબક્કો ફાઇનલ બ્રેકિંગ નો છે. આ તબક્કામાં ચંદ્રયાન 6.8 કિમીથી ચંદ્ર તરફ પોતાની યાત્રા આગળ વધારશે અને ચંદ્રની સપાટીથી માત્ર 800 મીટર ઉંચાઇ સુધી પહોંચશે. આ તબક્કો 175 સેકન્ડ સુધી ચાલશે. આ ઉંચાઇ પર ચંદ્રયાન 3 ની સ્પીડ લગભગ શૂન્ય થઇ જશે અને વિક્રમ લેન્ડર ચંદ્રના વાતાવરણમાં થોડી વાર સુધી રહેશે. આ તબક્કો પણ મહત્વનો છે. આ તબક્કા દરમિયાન ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવા માટે યોગ્ય જગ્યાની પસંદગી કરશે. આ માટે લેસર કિરણોની મદદથી લેન્ડિંગ માટે સ્થળ પસંદ કરશે અને એ સાથે ચંદ્રની સપાટીથી વધુ નજીક એટલે કે 150 મીટર ઉંચાઇ પર આવી જશે.
ચંદ્રયાન 3 લેન્ડિંગ અંતિમ તબક્કો
ચંદ્રયાન 3 ચંદ્રની સપાટીથી માત્ર 150 મીટર સુધીની ઉંચાઇ પર રહી લેન્ડિંગ માટે યોગ્ય સ્થળની પસંદગી કરશે અને એ પછી ચોથો અને અંતિમ તબક્કો શરુ થશે. આખરી પડાવને ટર્મિનલ ડિસેન્ટ તબક્કો કહેવામાં આવે છે. વિક્રમ લેન્ડર આ તબક્કામાં 150 મીટરની ઉંચાઇ ઘટાડી 60 મીટરની ઉંચાઇ પર આવી જશે. ત્યાર બાદ માત્ર 10 મીટર જેટલું અંતર રહેશે અને એ વખતે ચંદ્રયાન 3 ની સ્પીડ 1 થી 2 મીટર પ્રતિ સેકન્ડ રહેશે અને યોગ્ય સ્થળ પર સોફ્ટ લેન્ડિંગ કરશે.