ભારતની પહેલી બુલેટ ટ્રેન (bullet train) ક્યારે દોડતી થશે તે અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી છે. શુક્રવારે અમદાવાદની મુલાકાતે આવેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ કે, ભારતની પહેલી બુલેટ ટ્રેન 2026માં દોડતી જઇ થશે. હાલ બુલેટ ટ્રેનની કામગીરી રોકેટ ગતિએ ચાલી રહી છે.
તેમણે ઉમેર્યુ કે, દેશના 199 રેલવે સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ લેવલના બનાવવા માટે એક માસ્ટર પ્લાન ચાલી રહ્યો છે, જે હેઠળ અમદાવાદના રેલવે સ્ટેશનની કાયાપલટ કરીને તેને વૈશ્વિક સ્તરની સુવિધાઓથી સજ્જ કરાશે.
વંદે માતરમ ટ્રેન (vande mataram train)ના અકસ્માત વિશે વાત કરતા રેલ મંત્રીએ કહ્યુ કે, દેશમાં હાલ તમામ રેલવે ટ્રેક જમીન પર છે, આથી આવી પરિસ્થિતિમાં પશુઓની સમસ્યા રહેશે. અલબત્ત, આ સમસ્યાના સમાધાન માટે ટ્રેનોની ડિઝાઇન તે મુજબ તૈયાર કરવામાં આવી રહી છે. જોકે ગુરુવારે અમદાવાદમાં વંદે માતરમ ટ્રેનને અકસ્માતમાં વધારે નુકસાન થયુ નથી.
નોંધનિય છે કે, અશ્વિની વૈષ્ણવે ગત 6 જૂનના રોજ પણ ભારતની પહેલી બુલેટ ટ્રેન વર્ષ 2026માં દોડતી થવાની વાત કહી હતી. તેમણે ઉમેર્યુ હતુ કે, અમદાવાદ – મુંબઇ વચ્ચે 320 કિમી પ્રતિ કલાકની સ્પીડે બુલેટ ટ્રેન દોડશે.
ગુજરાતમાં 5G લેબ સ્થપાશે
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ કે, ગુજરાતમાં 5G લેબ તૈયાર કરવામાં આવી રહી છે. તેઓ આઇટી અને ટેલિકોમ મંત્રી પણ છે. તાજેતરમાં જ દિલ્હી ખાતે યોજાયેલા ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં તેમણે કહ્યુ હતુ કે, સરકારની દેશમાં 5G ટેકનોલોજીથી સજ્જ 100 લેબ સ્થાપિત કરવાની યોજના છે. તેમાંથી ઓછામાં ઓછા 12 લેબમાં વિદ્યાર્થીઓને ટ્રેનિંગ અપાશે અને અન્ય લેબનો ઉપયોગ નવા પ્રયોગોની માટે કરવામાં આવશે.