Lalmani Verma : ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહે રવિવાર 11 જૂનના રોજ ગોંડામાં ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂરા થવાના પ્રસંગે એક કાર્યક્રમમાં રેલીને સંબોધી હતી. ગોંડા જિલ્લાના કટરા ક્ષેત્રમાં યોજાયેલી રેલીમાં બ્રિજ ભૂષણે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાની યોજનાઓને સ્પષ્ટ કરી છે. રેલીને સંબોધિત કરતા કહ્યું કે તે કેસરગંજ લોકસભાથી ચૂંટણી લડીશ.
આ રેલીમાં બ્રિજ ભૂષણ સિંહે પોતાના ભાષણમાં સીધી રીતે રેસલર્સના વિરોધ કે પછી તેમના પર લાગેલા આરોપોની વાત કરી ન હતી. તેમણે ભાષણની શરૂઆત આ પંક્તિઓથી કરી હતી, “યે મિલા મુઝકો મોહબ્બત કા સિલા, બેવફા કહ કે મેરા નામ લિયા જાતા હૈ. ઇસકો રુસવાઈ કહને કી શોહરત અપની, દબે હોઠો સે મેરા નામ લિયા જાતા હૈ.
ભાષણ દરમિયાન તેમણે મોટાભાગે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારની પ્રશંસા કરી હતી. પત્રકારો દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કે તેઓ 2024ની ચૂંટણી ક્યાંથી લડશે. ત્યારે તેમણે જાહેરાત કરી કે તે કેસરગંજથી ફરીથી ચૂંટણી લડશે.
રવિવારની આ રેલી નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પૂરા થવા નિમિત્તે શરૂ કરવામાં આવેલા ભાજપના આઉટરીચ કાર્યક્રમનો એક ભાગ હતી. ઉત્તર પ્રદેશની તમામ 80 લોકસભા મત વિસ્તારોમાં આવી જ રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેસરગંજમાં રેલી બ્રિજ ભૂષણ દ્વારા સંચાલિત કોલેજમાં યોજાઇ હતી. અગાઉ તે 5 જૂને અયોધ્યામાં જન ચેતના મહા રેલીનો કાર્યક્રમ યોજવાના હતા, પરંતુ બાદમાં તેમની સામે જાતીય સતામણીના આરોપોની પોલીસ તપાસને ટાંકીને તેને મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.
રવિવારે બ્રિજ ભૂષણ સિંહ એસયુવીના કાફલાનો ભાગ બનેલા એક વાહનની ઉપર બેસીને રેલી ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. સ્ટેજ પર “યુપી ટાઇગર બ્રિજ ભૂષણ સિંહ” ના નારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટેજ પર તેમણે આ કાર્યક્રમની જવાબદારી સંભાળી હતી. ધારાસભ્યો અને એમએલસીને ટૂંકા ભાષણો આપવા આમંત્રણ આપ્યું હતું.
આ પણ વાંચો – બ્રિજ ભૂષણ સિંહનું ગોંડા રાજ : 50 થી વધુ કોલેજો અને શાળાઓ, હોસ્પિટલો, હોટલ
પોતાના ભાષણમાં તેમણે અગાઉની કોંગ્રેસની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુના નેતૃત્વવાળી સરકાર હેઠળ ભારતે હજારો ચોરસ કિલોમીટર જમીનનો કબજો ગુમાવી દીધો છે. તેમણે 1975થી 1977 વચ્ચે લાદવામાં આવેલી કટોકટીની સ્થિતિ તેમજ 1984ના શીખ વિરોધી રમખાણો અંગે પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે 2014 અને 2019માં પાર્ટીની મોટી જીતને યાદ કરતા 2024માં ભાજપ ફરીથી સત્તામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બ્રિજ ભૂષણ સિંહે સરકારના કામની પણ પ્રશંસા કરી હતી. ખાસ કરીને કાશ્મીરમાં કરવામાં આવેલા કામ અને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના સંદર્ભમાં ધ્યાન દોર્યું હતું. બ્રિજ ભૂષણે કહ્યું કે તેનો શ્રેય મોદીને જાય છે પરંતુ તે પહેલાં જ તે પક્ષના કાર્યકરો અને જનતાને જાય છે. તેઓએ મોદીજીને સક્ષમ બનાવ્યા છે.
રેલીમાં ભાજપના અન્ય નેતાઓએ તેમના ભાષણોમાં બ્રિજ ભૂષણ સિંહની પ્રશંસા કરી હતી. એમએલસી મંજુ સિંહે બ્રિજ ભૂષણને પૂર્વી ક્ષેત્રનું ગૌરવ અને યુવાનો માટે પ્રેરણા ગણાવ્યા હતા. આ રેલીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા મધ્યપ્રદેશના મંત્રી મોહન યાદવે ઉપસ્થિત લોકોને બ્રિજ ભૂષણ સિંહ માટે તાળીઓ પાડવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે બ્રિજ ભૂષણે 55 કોલેજો અને શાળાઓ બનાવી અને આ વિસ્તારમાં શિક્ષણને પ્રોત્સાહન આપ્યું છે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો