દીપ મુખરજી : રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા કોંગ્રેસ શાસિત રાજસ્તાનમાં પ્રવેશ કરવાના કેટલાક દિવસ પહેલા રાજ્યમાં પ્રભાવશાળી ગુર્જર સમુદાયની અંદર સત્તાનો સંઘર્ષ વધતો જોવા મળી રહ્યો છે. ગુર્જર નેતા વિજય બૈંસલાએ ખુલ્લી ચેતાવણી આપી છે કે જો સચિન પાયલટને મુખ્યમંત્રી ના બનાવ્યા તો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને રાજસ્થાનમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં.
15 વર્ષ પહેલા જ્યારે ગુર્જરોએ રાજસ્થાનમાં રેલવે પાટા પર અનુસૂચિત જનજાતિનો દરજ્જો અને સમુદાય માટે અનામતની માંગણી સાથે ધરણા આપ્યા હતો તો તેમના આંદોલનનો દબદબો એવો હતો કે આ આંદોલને રાજ્યમાં વેપાર અને અવરજવર પર મોટી અસર કરી હતી. તેમના આંદોલને તત્કાલિન વસુંધરા રાજેના નેતૃત્વવાળી ભાજપા સરકારને બેકફૂટ પર ધકેલી દીધી હતી. આ આંદોલન દરમિયાન પોલીસ ફાયરિંગમાં 70થી વધારે પ્રદર્શનકારી માર્યા ગયા હતા.
ગુર્જર સમુદાયમાં છેડાયો સત્તાનો સંઘર્ષ
રાજસ્થાનમાં 2007-2008ના ગુર્જર આંદોલને ગુર્જર સમુદાયની તાકાત અને પ્રદેશમાં તેમના વોટના મહત્વ વધાર્યું હતું. આ દરમિયાન સમુદાયના નેતા કિરોડી સિંહ બૈંસલા રાજ્યભરમાં લોકપ્રિય થઇ ગયા હતા. તે પોતાની ટ્રેડમાર્ક લાલ પાઘડી પહેરતા હતા અને જોરદાર અંગ્રેજી બોલતા હતા. અનામતની માંગણી સાથે ચાલેલા આ આંદોલનને કારણે અશોક ગેહલોતના કાર્યકાળ દરમિયાન સૌથી પછાત જાતિની શ્રેણી (MBC) અંતર્ગત પાંચ ટકા અનામત આપવામાં આવ્યું હતું. જોકે આ વર્ષની શરૂઆતમાં કિરોડી બૈંસલાનું નિધન થયું હતું. જે પછી ગુર્જર નેતાઓ વચ્ચે સમુદાયના નેતૃત્વ પર પોતાનો દાવો કરવા માટે સત્તાનો સંઘર્ષ છેડાયો હતો.
આ પણ વાંચો – મહાત્મા ગાંધીની હત્યા માટે નાથુરામ ગોડ્સેને હથિયાર અપાવવામાં સાવરકરે કરી હતી મદદ- બાપુના પૌત્ર તુષાર ગાંધીનો આરોપ
કિરોડી બૈંસલાના પુત્રએ આપી કોંગ્રેસને ચેતાવણી
ગુર્જર અનામત સંઘર્ષ સમિતિના અધ્યક્ષ અને કિરોડી બૈંસલાના પુત્ર વિજય બૈંસલા કહે છે કે જો સરકાર અમારું નહીં સાંભળે તો અમે ભારત જોડો યાત્રા માટે રાહુલ ગાંધીને રાજસ્થાનમાં પ્રવેશ કરવા દઇશું નહીં. બૈંસલાના નિધન પછી પુત્ર વિજય પોતાના પિતાની જેમ જ લાલ પાઘડી પહેરે છે અને સામાજિક મુદ્દા પર આગળ રહે છે. તેમણે 75 ગુર્જર અને અન્ય એમબીસી સમુદાય-પ્રધાન વિધાનસભા ક્ષેત્રોનો પ્રવાસ કર્યો છે.
પાયલટની છાપ ખરાબ કરવાનો પ્રયત્ન
જોકે ગુર્જર નેતાઓના એક અન્ય સમૂહે તેમના પિતાના જૂના સહયોગીઓના નેતૃત્વમાં વિજય બૈંસલાના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. રાહુલની યાત્રા સામે વિજય બૈંસલાની ટિપ્પણી પછી કેટલાક ગુર્જર કાર્યકર્તાઓએ ગેહલોતના એક નજીકના સહયોગી ધર્મેન્દ્ર રાઠોડ સાથે તેમની તસવીર શેર કરીને તેમના આ નિવેદનને પાયલટની છાપ ખરાબ કરવાનો પ્રયત્ન ગણાવ્યો છે. રાઠોડ ગેહલોતના તે ત્રણ વફાદાર નેતાઓમાંથી એક છે જેને કોંગ્રેસ હાઇકમાન્ડે સપ્ટેમ્બરમાં જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્યોની સમાનાંતર બેઠક આયોજીત કરવાના કારણે કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી.
વિજયના કેટલાક વિરોધીઓએ એ આરોપ લગાવ્યો કે તેમના આ નિવેદનનો ઉદ્દેશ્ય રાજ્યના માધ્યમથી રાહુલની યાત્રા દરમિયાન પાયલટની ખરાબ છાપ રજુ કરવાનું હોઇ શકે છે. જ્યારે પાયલટે હંમેશા એક ગુર્જર નેતાના રુપમાં ઓળખથી દૂર રહ્યા છે. પોતાને બધા સમુદાયના નેતાના રુપમાં રજુ કર્યા છે.
પાયલટને મુખ્યમંત્રીનો ચહેરો બનાવે કોંગ્રેસ
ગત દિવસોમાં દૌસા પહોંચેલા વિજય બૈંસલા સામે ગુર્જર સમુદાયના લાકોએ સચિન પાયલટ જિંદાબાદના નારા લગાવ્યા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ પ્રકરણ પછી યાત્રાનો વિરોધ કરવાના પોતાના નિર્ણય પર અડગ વિજય બૈંસલાએ કહ્યું કે અમે માંગણી કરીએ છીએ કે સચિન પાયલટજી ને રાજસ્થાનના સીએમ બનાવવામાં આવે. જો તેને સીએમ બનાવવામાં આવશે તો અમે રાહુલ ગાંધીનું સ્વાગત કરીશું, નહીંતર અમારો વિરોધ યથાવત્ રહેશે. આખા સમુદાયે તેમને મુખ્યમંત્રીના રુપમાં જોવા માટે કોંગ્રેસેને વોટ આપ્યો હતો.