scorecardresearch
Premium

કર્ણાટકમાં પરાજય પછી ભાજપે દક્ષિણ ભારતમાં રણનિતી બદલી, આવો છે પ્લાન

Election : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા સાથે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા એન ચંદ્રબાબુ નાયડુની શનિવારે મોડી સાંજે થયેલી બેઠક આ બદલાયેલી બ્લુપ્રિન્ટનો ભાગ હતી

Amit Shah and N Chandrababu Naidu
આંધ્રમાં જગન મોહન રેડ્ડીના સત્તાધારી વાયએસઆરસીપી સાથેની લડાઇમાં ટીડીપી પાછળ જોવા મળે છે. જેથી ટીડીપીને ભાજપ સાથે ગઠબંધનમાં લડત આપવાની તક દેખાય છે (ફાઇલ)

લિઝ મૈથ્યુ :કર્ણાટક ચૂંટણીના પરિણામોમાં પ્રારંભિક વલણોમાં તેમની પાર્ટી માટે પરાજયનો સંકેત હતો ત્યારે ભાજપના પ્રવક્તા અપરાજિતા સારંગીએ કહ્યું હતું કે અમે ક્યારેય હાર્યા નથી, કાં તો અમે જીતીએ છીએ અથવા તો અમે શીખીએ છીએ. દક્ષિણમાં ભાજપના શાસન હેઠળના એકમાત્ર રાજ્યમાં થયેલા નુકસાનની હદ સ્પષ્ટ થઈ રહી હતી. ત્યારે ટોચના નેતાઓ પક્ષની દક્ષિણની વ્યુહરચનાને નવેસરથી ઘડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા સાથે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા એન ચંદ્રબાબુ નાયડુની શનિવારે મોડી સાંજે થયેલી બેઠક આ બદલાયેલી બ્લુપ્રિન્ટનો ભાગ હતી. બંને પક્ષો આંધ્રપ્રદેશ અને તેલંગાણાની ચૂંટણી માટે ભાગીદારી બનાવવાની તૈયારીમાં છે. શનિવારે લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠકમાં જે પણ ચર્ચા થઈ હતી તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમર્થન આપે તેવી સંભાવના છે. આ અંગે પીએમ મોદીની ચંદ્રબાબુ નાયડુ સાથે બેઠક થઈ શકે છે.

આંધ્રમાં જગન મોહન રેડ્ડીના સત્તાધારી વાયએસઆરસીપી સાથેની લડાઇમાં ટીડીપી પાછળ જોવા મળે છે. જેથી ટીડીપીને ભાજપ સાથે ગઠબંધનમાં લડત આપવાની તક દેખાય છે. તેલંગાણામાં ભાજપને જે ફાયદો થઈ શકે છે તેમાં વધુ રસ છે, જ્યાં તે આક્રમક રીતે ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)પર પ્રહાર કરી રહી છે અને મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને પણ ભારે પડી રહી છે.

ટીડીપી સાથેનું જોડાણ લોકપ્રિય સ્ટાર પવન કલ્યાણની જનસેના પાર્ટીને પણ પોતાની સાથે લાવી શકે છે. ભાજપ બંને રાજ્યોમાં કોંગ્રેસને આગળ વધતી અટકાવી શકે છે. પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર કર્ણાટક પછી દક્ષિણમાં કોંગ્રેસને વધુ ફાયદો ન થાય તે સુનિશ્ચિત કરવું એ આ નવી વ્યૂહરચનાનું મુખ્ય લક્ષ્ય છે.

ખાસ કરીને તેલંગાણામાં ભાજપનો જનાધાર વધી રહ્યો છે અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં વિજય સાથે બીઆરએસ અને કોંગ્રેસ રાજ્યના બે મુખ્ય પક્ષો માટે ખતરાની ઘંટી વગાડી છે. 2018ની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને 7 ટકાથી ઓછા વોટ શેર સાથે માત્ર 1 બેઠક મળી હતી. જોકે 2020માં ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પાર્ટીને 150 વોર્ડમાંથી નાટકીય રીતે કુલ 48 વોર્ડમાં જીત મેળવી હતી અને 35 ટકા વોટ પણ મેળવ્યા હતા. તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં પણ ભાજપે રાજ્યમાં આગળ વધવાના સંકેત આપ્યા છે. બીઆરએસને હરાવીને બે બેઠકો પર વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચો – અવધેશ રાય હત્યાકાંડમાં મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા, 32 વર્ષ પછી આવ્યો ફેંસલો

2018 સુધી ટીડીપી એનડીએનો ભાગ હતી. આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જાની માંગણી સાથે ચંદ્રબાબુ નાયડુએ 2018માં પોતાનો રસ્તો અલગ કરી લીધો હતો. તેમણે તેલંગાણામાં કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે મળીને મહાગઠબંધનની રચના કરી. જોકે આ ગઠબંધન છતા 2018ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણીમાં ટીડીપીનો કારમો પરાજય થયો હતો. આ કારણે તે ભાજપ સાથે સમાધાન માટે રસ દાખવી રહી છે.

જ્યારે 2014ની તેલંગાણા ચૂંટણીમાં ટીડીપીએ કુલ 118 માંથી 72 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 15 સીટો પર જીત મેળવી હતી. તેને 14.55 ટકા મત મળ્યા હતા. 2018ની ચૂંટણીમાં ટીડીપીએ 13 બેઠકો પર ચૂંટણી લડી હતી અને માત્ર બે બેઠકો પર જ વિજય મેળવ્યો હતો. તેમને ફક્ત 3.5 ટકાના વોટ શેર મળ્યો હતો. ત્યારબાદ રાજ્યમાં તેના મોટા ભાગના નેતાઓ અન્ય પક્ષો તરફ રવાના થયા હતા, જેમાં બીઆરએસમાં પણ સામેલ થયા હતા. 2018ની તેલંગાણા ચૂંટણીમાં ભાજપને માત્ર એક જ બેઠક મળી હતી.

રેવંત રેડ્ડીએ પ્રદેશ અધ્યક્ષ તરીકેનો હોદ્દો સંભાળ્યા બાદ કોંગ્રેસ પોતાની સ્થિતિ સુધારી રહી છે. ત્યારે ચંદ્રાબાબુ નાયડુ પણ તેલંગાણામાં ટીડીપી કેડરને ફરીથી સક્રિય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અનેક બેઠકો અને જનસંપર્ક કાર્યક્રમો યોજ્યા છે.

ભાજપના સૂત્રો સ્વીકારે છે કે તેલંગાણા રાજ્ય એકમ તરફથી ટીડીપી સાથે જોડાણનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને 2019ની ચૂંટણી દરમિયાન પીએમ મોદી સામે નાયડુના નિવેદનોને જોતાં, પરંતુ રાષ્ટ્રીય નેતૃત્વએ તેમને મનાવી લીધા હોવાનું માનવામાં આવે છે. તેઓએ રાજ્યના નેતાઓને પક્ષના મોટા ફાયદા માટે આવી બાબતોથી ઉપર ઉઠવા માટે રાજી કર્યા હતા.

આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ સહયોગીની વધારે જરૂરિયાત છે. પરંતુ બાદમાં પણ ગુમાવવાનું બહુ ઓછું છે. પરિણામો ગમે તે રીતે આવે પરંતુ આંધ્ર પ્રદેશમાં ભાજપ માટે હંમેશા તક રહેશે કારણ કે વાયએસઆરસીપીએ પણ ભાજપ સાથે સતત મૈત્રીપૂર્ણ સંબંધો સુનિશ્ચિત કર્યા છે. બીજેપીના રાષ્ટ્રીય નેતૃત્વના હાવ ભાવ જગનમોહન રેડ્ડી માટે હંમેશા પોઝિટિવ રહ્યા છે.

પવન કલ્યાણ આંધ્રમાં ટીડીપી-ભાજપ ગઠબંધનને પ્રચંડ બનાવે છે. આ બાબત કદાચ ભાજપને આટલી બધી ફળ ન પણ આપે પરંતુ લોકસભાની ચૂંટણીમાં ચોક્કસપણે તેનાથી ફાયદો થશે, જે એક સાથે યોજાવાની શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કર્ણાટકની હાર બાદ આંધ્ર અને તેલંગાણામાં પોતાની હાજરીનો અહેસાસ કરાવવો ભાજપ માટે નિર્ણાયક છે. કારણ કે દક્ષિણના અન્ય રાજ્યો જેવા કે તામિલનાડુમાં ભાજપ પાસે હાલની સ્થિતિએ બહુ ઓછી તક છે.

નોંધપાત્ર વાત એ છે કે આ વર્ષના અંતમાં આવી રહેલી તમામ મહત્વપૂર્ણ રાજ્યોની ચૂંટણીઓમાં ભાજપનો કોંગ્રેસ સાથે સીધો સંઘર્ષ છે. કોંગ્રેસ કર્ણાટકની જીત પછી ખૂબ જ બદલાઇ ગઈ છે. વિપક્ષને એવી આશા છે કે તેઓ એક સમજૂતી પર પહોંચશે જ્યાં તેઓ ભાજપ સાથે દરેક બેઠક પર એક પછી એક લડત સુનિશ્ચિત કરશે.

કર્ણાટકમાં મળેલી હાર બાદ ભાજપમાં સાથી પક્ષો પર પણ પુનર્વિચાર કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં ભાજપને જેડી(એસ) સાથે ચૂંટણી પહેલાના ઔપચારિક જોડાણમાં પ્રવેશવાની તક મળી હતી પરંતુ તેમ ન થયું. ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની આઇડિયા એક્સચેન્જમાં તમિલનાડુ ભાજપના વડા કે.અન્નામલાઇ, જેઓ પાર્ટી માટે કર્ણાટક ચૂંટણીના સહ-પ્રભારી હતા, તેમણે કહ્યું હતું કે જેડી (એસ) ના મત શેરમાં આશ્ચર્યજનક ઘટાડો ભાજપને ઘણી બેઠકો પર મોંઘો પડ્યો છે.

આગામી પગલા તરીકે અમિત શાહ અને નડ્ડા બંને આ મહિનાના અંતમાં આંધ્રની મુલાકાત લે તેવી અપેક્ષા છે. અમિત શાહ 8 મી જૂને વિશાખાપટ્ટનમમાં જાહેર સભાને સંબોધવાના છે જ્યારે નડ્ડા 10મી જૂને તિરુપતિમાં જાહેર સભા સંબોધશે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Web Title: Bjp rejigs south strategy after loss in karnataka election talks with chandrababu naidu first step

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×