Patna protest : બિહાર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના કાર્યકરો પર પટના પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં ભાજપના એક નેતાનું મોત થયું છે. બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે બિહાર પોલીસના લાઠીચાર્જમાં જહાનાબાદ જિલ્લાના જનરલ સેક્રેટરી વિજય કુમાર સિંહનું મોત થયું છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં સુશીલ મોદીએ કહ્યું કે અમારા એક કાર્યકર, વિજય કુમાર સિંહ, જે જહાનાબાદના જિલ્લા મહામંત્રી છે, તેમનું મોત થયું છે. તેમણે કહ્યું કે પોલીસે તેને ખૂબ જ ખરાબ રીતે માર માર્યો હતો. અમે પોલીસ સામે હત્યાનો કેસ દાખલ કરીશું.
સુશીલ મોદીએ કહ્યું – આ બધુ નીતિશ કુમારના કહેવા પર થઈ રહ્યું છે
સુશીલ મોદીએ વધુમાં કહ્યું કે આ બધુ નીતિશ કુમારના કહેવા પર થઈ રહ્યું છે. લગભગ 50 હજાર લોકો શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યાં કોઈ તોડફોડ કે કોઈ હિંસા થઈ ન હતી. તે પછી ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા, લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. અમારા બે ડઝનથી વધુ કાર્યકરો ઇજાગ્રસ્ત થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો – અજિત પવારને મળી શકે છે વિત્ત મંત્રાલય! અમિત શાહ સાથે મુલાકાત પછી મંત્રીમંડળ વિસ્તાર પર ચર્ચા તેજ
સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે પોલીસના લાઠીચાર્જમાં ઇજાગ્રસ્ત થયા બાદ વિજય કુમાર સિંહને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ડાક બંગલા ચાર રસ્તા પાસે થયેલા લાઠીચાર્જમાં વિજય કુમાર સિંહ ઘાયલ થયા હતા. 2023માં વિજય કુમાર સિંહને જહાનાબાદ ભાજપના જિલ્લા મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા તે 2013થી 2016 સુધી જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
જેપી નડ્ડાએ કહ્યું – મુખ્યમંત્રી નૈતિકતા ભૂલી ગયા છે
બિહારમાં ભાજપના નેતાઓ પર થયેલા લાઠીચાર્જ બાદ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે પટનામાં ભાજપના કાર્યકરો પર લાઠીચાર્જ એ રાજ્ય સરકારની નિષ્ફળતા અને હતાશાનું પરિણામ છે. ભ્રષ્ટાચારનો કિલ્લો બચાવવા માટે મહાગઠબંધન સરકાર લોકતંત્ર પર હુમલો કરી રહી છે. જે વ્યક્તિ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેને બચાવવા માટે બિહારના મુખ્યમંત્રી પોતાની નૈતિકતા ભૂલી ગયા છે.
ચિરાગ પાસવાને પણ વ્યક્ત કર્યું દુઃખ
વિજય કુમાર સિંહના મોત પર દુઃખ વ્યક્ત કરતા ચિરાગ પાસવાને કહ્યું કે હું નીતિશ કુમાર અને બિહાર સરકારને પણ પૂછવા માંગુ છું કે તેમના મોત માટે કોણ જવાબદાર છે? કોઈને લાકડીથી પીટાઇ કરીને મારી નાખ્યો. જે લોકો રાજ્ય સરકાર સામે અવાજ ઉઠાવે છે તેમને લાકડીઓથી ચુપ કરી દેવામાં આવે છે. સીએમએ જવાબ આપવો જોઈએ, આ મોત માટે તે જવાબદાર છે.