scorecardresearch
Premium

બિપરજોય ચક્રવાત : ગૃહમંત્રી અમિત શાહે કહ્યું – અમારો ઉદ્દેશ્ય એક પણ જાનહાની ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે

Biparjoy Cyclone : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ચક્રવાત બિપરજોય સામે સરકાર અને વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવા માટે નવી દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી

Biparjoy Cyclone Update, Amit Shah
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ચક્રવાત બિપરજોય સામે સરકાર અને વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે નવી દિલ્હીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી (તસવીર – અમિત શાહ ટ્વિટર)

Biparjoy Cyclone Update: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ચક્રવાત બિપરજોય સામે સરકાર અને વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે નવી દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય ચક્રવાતી તોફાન બિપરજોય દ્વારા થતા સંભવિત નુકસાનને ઘટાડવાનો અને ‘ઝિરો કેઝ્યુઆલીટી’ એટલે કે એક પણ જાનહાની ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. તેમણે કહ્યું કે 12 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્દેશો પર ઝડપથી કાર્ય કરવાની જરૂર છે.અમિત શાહે કહ્યું કે, કેન્દ્રએ રાહત અને બચાવ કામગીરી માટે પૂરતી સંખ્યામાં NDRF ટીમો તૈનાત કરી છે. આ ઉપરાંત આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટ ગાર્ડના ટુકડીઓને જરૂરિયાત મુજબ સહાય પૂરી પાડવા માટે તૈનાત કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારનો કંટ્રોલ રૂમ ચોવીસ કલાક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને ભારત સરકારની તમામ એજન્સીઓ કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છે. ગુજરાત સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. ગૃહમંત્રીએ સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સલામત સ્થળે લઈ જવાની વ્યવસ્થા કરવા, વીજળી, ટેલિકોમ્યુનિકેશન, આરોગ્ય, પીવાનું પાણી વગેરે જેવી તમામ જરૂરી સેવાઓ સુનિશ્ચિત કરવાનું સૂચન કર્યું હતું.તેમણે કહ્યું કે કોઈ પણ નુકસાનના કિસ્સામાં આ સેવાઓ તરત જ પુનઃસ્થાપિત કરી શકાય તેવી તૈયારીઓ કરવી તેમજ તમામ હોસ્પિટલોમાં મોબાઈલ અને લેન્ડલાઈન કનેક્ટિવિટી અને વીજળીની વૈકલ્પિક વ્યવસ્થા કરવી.

ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે વાવાઝોડાને કારણે 8-10 ઇંચ વરસાદ થવાની ધારણા છે, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તેનો સામનો કરવા માટે જરૂરી તૈયારીઓની સમીક્ષા કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. શાહે સોમનાથ અને દ્વારકા મંદિરોની આસપાસ જરૂરી તમામ તૈયારીઓ કરવા પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાનની સૂચના મુજબ ગીરના જંગલમાં પ્રાણીઓ અને વૃક્ષોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી જોઈએ.

આ પણ વાંચો – વાવાઝોડામાં મુશ્કેલીમાં મુકાવ તો આ નંબર પર ફોન કરો, જાણો રાજ્યના 33 જિલ્લાના કંટ્રોલરૂમના નંબરો

અમિત શાહે ગુજરાતના સાંસદો અને ધારાસભ્યોને આ ચક્રવાતના ખતરાથી વાકેફ કરીને પોતપોતાના વિસ્તારના લોકોને દરેક શક્ય રીતે મદદ કરવા અને તમામ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં બિપરજોય વાવાઝોડાની સામે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રોની સજ્જતા અને પૂર્વ તૈયારીઓનો સમગ્ર ચિતાર સૌને આપ્યો હતો. મુખ્યમંત્રીએ બેઠકમાં કહ્યું કે ચક્રવાતથી પ્રભાવિત 8 જિલ્લા છે. જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં કુલ 25 તાલુકા છે જેમાં 0 થી 5 કી.મી માં 260 ગામોનો સમાવેશ થાય છે જેની કુલ જન સંખ્યા 14,60,300 છે. 5 થી 10 કિ.મી. વિસ્તારમાં 182 ગામોનો સમાવેશ થાય છે જેની કુલ વસ્તી અંદાજે 4 લાખ 50 હજાર છે.

તેમણે જણાવ્યું કે, વાવાઝોડાથી અસરગ્રસ્ત 434 નીચાણવાળા વિસ્તારોને પણ ઓળખવામાં આવ્યા છે. આ 25 તાલુકાઓમાં 1521 આશ્રય સ્થાનોની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. 8 જિલ્લાઓમાં 450 હોસ્પિટલોની ઓળખ કરવામાં આવી છે, આ હોસ્પિટલોમાં દવા, ઉપકરણો, મેડિકલ સ્ટાફ અને ડી.જી સેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

હવામાન વિભાગના મહાનિર્દેશકે ગૃહ પ્રધાનને પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોયની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વાવાઝોડું 14મીની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધે, પછી ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધીને, સૌરાષ્ટ્ર અને કચ્છને વટાવીને 15મી જૂનની બપોર સુધીમાં જખૌ બંદર (ગુજરાત) નજીક માંડવી (ગુજરાત) પહોંચે. પછી કરાચી ( પાકિસ્તાન) પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. ગંભીર ચક્રવાત વાવાઝોડું 150 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ઝડપે 125-135 કિમી પ્રતિ કલાકની સતત પવનની ઝડપે પહોંચે તેવી શક્યતા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા, ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, સચિવો અને જિલ્લા મેજીસ્ટ્રેટ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા બેઠકમાં જોડાયા હતા. કેન્દ્રીય ગૃહ સચિવ, હવામાન વિભાગના મહાનિર્દેશક, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ના સભ્ય સચિવ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા.

Web Title: Biparjoy cyclone update amit shah reviews preparedness for cyclone biparjoy

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×