bihar caste survey data report : બિહારમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલી જાતિ આધારિત વસ્તીગણતરીનો અહેવાલ સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. અધિક મુખ્ય સચિવ વિવેક કુમાર સિંહે પટનામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે રાજ્યની કુલ 13 કરોડની વસ્તીમાં પછાત વર્ગોની સંખ્યા 27.13 ટકા છે. તેવી જ રીતે અતિ પછાત વર્ગની કુલ વસ્તી 36.01 ટકા છે. માત્ર 15.52 ટકા લોકો જ જનરલ કેટેગરીના છે.
બિહારમાં 14.26 ટકા યાદવ
અનુસૂચિત જાતિના લોકો 19.65 ટકા અને અનુસૂચિત જનજાતિની વસ્તી 1.68 ટકા છે. રાજ્યમાં 3.6 ટકા બ્રાહ્મણો, 3.45 ટકા રાજપૂત, 2.89 ટકા ભૂમિહાર, 0.60 ટકા કાયસ્થ, 14.26 ટકા યાદવ, 2.87 ટકા કુર્મી, 2.81 ટકા તેલી, 3.08 ટકા મુસહર, 0.68 ટકા સોનાર છે.
બિહારમાં 17.7 ટકા મુસ્લિમ
બિહારની કુલ વસ્તીમાં 81.99 ટકા હિંદુઓ છે. જ્યારે 17.7 ટકા લોકો મુસ્લિમ છે. આ સિવાય ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને અન્ય ધર્મોને અનુસરનારા લોકોની સંખ્યા 1% કરતા પણ ઓછી છે.
સીએમ નીતિશ કુમારે જનગણના ટીમને અભિનંદન પાઠવ્યા
બિહારમાં જાતિ આધારિત વસ્તીગણતરીનો અહેવાલ જાહેર કરવા પર મુખ્યમંત્રી નીતિશ કુમારે આ કાર્ય કરનાર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આજે ગાંધી જયંતિના શુભ અવસર પર બિહારમાં કરવામાં આવેલી જાતિ આધારિત વસ્તીગણતરીનો ડેટા પ્રકાશિત કરવામાં આવ્યો છે. જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના કાર્યમાં રોકાયેલી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન!
મંત્રી પરિષદે 2 જૂને મંજૂરી આપી હતી
નીતિશ કુમારે કહ્યું કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી માટે વિધાનમંડલમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. બિહાર વિધાનસભાના તમામ 9 પક્ષોની સંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્ય સરકાર પોતાના સંસાધનોથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરશે અને તેને 02-06-2022 ના રોજ મંત્રીપરિષદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તેના આધારે રાજ્ય સરકારે પોતાના સંસાધનોથી જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરી હતી. જાતિ આધારિત વસ્તી ગણતરીમાં માત્ર જ્ઞાતિઓ જ નહીં પરંતુ તમામની આર્થિક સ્થિતિની પણ જાણકારી મળી છે. તેના આધારે તમામ વર્ગના વિકાસ અને ઉત્થાન માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવે ખુશી વ્યક્ત કરી
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે એક નિવેદનમાં આ રિપોર્ટ જાહેર થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે ગાંધી જયંતિનાં દિવસે આપણે સૌએ આ ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બન્યાં છીએ. ભાજપના તમામ ષડયંત્રો અને કાયદાકીય અડચણો છતાં આજે બિહાર સરકારે જાતિ આધારિત એક સર્વે જાહેર કર્યો છે. આ આંકડાઓ વંચિત, ઉપેક્ષિત અને ગરીબ લોકોના યોગ્ય વિકાસ અને પ્રગતિ માટે સર્વગ્રાહી યોજનાઓ બનાવવામાં અને વસ્તીના પ્રમાણમાં વંચિત જૂથોને પ્રતિનિધિત્વ આપવા માટે દેશ માટે એક ઉદાહરણ પૂરું પાડશે.
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પણ બિહાર સરકાર દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરીનો રિપોર્ટ જાહેર થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અમે હંમેશાં તેની (જાતિગત વસ્તી ગણતરી) તરફેણમાં રહ્યા છીએ. મધ્ય પ્રદેશમાં સરકાર બનશે ત્યારે અમે પણ કરાવીશું.