અયોધ્યામાં 22 જાન્યુઆરી એટલે કે, સોમવારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેને જોતા સમગ્ર શહેરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેમજ આ કાર્યક્રમ માટે ભારત અને વિદેશમાંથી 7000 વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
અયોધ્યા છાવણીમાં ફેરવાઈ
કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સમગ્ર ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે પરંતુ, અયોધ્યાને સંપૂર્ણ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. બ્લેકકેટ કમાન્ડો, બખ્તરબંધ વાહનો અને ડ્રોનની મદદથી અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સરયૂ નદીમાં NDRF ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. એટલે કે સમગ્ર અયોધ્યાને અભેદ્ય કિલ્લો બનાવી દેવામાં આવ્યો છે.
17 IPS ની તૈનાતી
અયોધ્યાના દરેક ચોક પર પોલીસ અને કમાન્ડો તૈનાત છે અને બહારના લોકોના પ્રવેશ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો અયોધ્યાના લોકોના આઈડી કાર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. યુપી પોલીસના ત્રણ ડીઆઈજીને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે અયોધ્યામાં 17 આઈપીએસ, 100 પીપીએસ, 325 ઈન્સ્પેક્ટર, 800 સબ ઈન્સ્પેક્ટર અને 1000 થી વધુ કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે.
અયોધ્યાને રેડ અને યલો ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. રેડ ઝોનમાં પીએસીની ત્રણ બટાલિયન તૈનાત કરવામાં આવી છે, જ્યારે યલો ઝોનમાં 7 બટાલિયન તૈનાત કરવામાં આવી છે. અયોધ્યાની સુરક્ષાની જવાબદારી માત્ર પોલીસ જ નહીં પરંતુ, ખાનગી સુરક્ષા એજન્સીઓને પણ સોંપવામાં આવી છે.