Ayodhya Ram Mandir Pran Pratishtha : અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ ધાર્મિક નગરીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 22 જાન્યુઆરી સોમવારે આયોજિત રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વડાઓને શંકાસ્પદ ગતિવિધિઓ અથવા સાંપ્રદાયિક સૌહાર્દ અને કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાના પ્રયાસો પર બાજનજર રાખવા જણાવ્યું હતું. નોંધનિય છે કે, તાજેતરમા જ કેન્દ્ર સરકારે લગભગ 100 સોશિયલ મીડિયા એકાઉન્ટને બ્લોક કરી દીધા છે.
સૂત્રોએ જણાવ્યું કે ગૃહ મંત્રાલય (MHA), ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય, CERT-IN અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ના અધિકારીઓનો સમાવેશ કરતી સાયબર નિષ્ણાતોની એક ટીમ સંબંધિત વેબસાઇટ્સનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરવા માટે અયોધ્યા મોકલવામાં આવી છે.

એક સુત્રએ જણાવ્યુ ંકે, “શ્રી રામ મંદિર પરના કોઈપણ નકલી/ડીપફેક વિડીયોને તરત જ હટાવી દેવા જોઈએ અને આવી ઘટનાઓ અંગે ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમને જાણ કરવી જોઈએ. કેટલીક ખોટી સામગ્રી મળ્યા પછી, કેન્દ્રએ Instagram, Facebook , YouTube અને ટ્વિટરના લગભગ 100 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કર્યા છે.” વહીવટીતંત્રને બોગસ સમાચારો વાયરલ ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, તાજેતરની ઘટનાઓ સૂચવે છે કે વૈશ્વિક જેહાદી જૂથો અને પાકિસ્તાન સ્થિત સંગઠનો ભારતમાં આતંકવાદી હુમલાઓ કરવાની યોજના બનાવી રહ્યા છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, આ ઇનપુટ્સની અસર 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનારા અભિષેક સમારોહ પર પડી શકે છે.

19 જાન્યુઆરીના રોજ, ગૃહ મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી રેન્કના અધિકારીએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડીજી અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો. આ પત્રમાં અધિકારીએ જણાવ્યું છે કે – ” સાયબર સ્પેસ/સોશિયલ મીડિયા પર અયોધ્યામાં રામ મંદિર સંબંધિત ગતિવિધિઓ પર સતત દેખરેખ રાખવી જોઈએ જેથી કરીને શંકાસ્પદ ગતિવિધિઓ અથવા સાંપ્રદાયિક અને કાયદો અને વ્યવસ્થા બગાડવાના પ્રયાસો પર નજર રાખવામાં આવે.”
ગૃહ મંત્રાલયે તમામ પોલીસ વડાઓને ઉત્તર પ્રદેશ પોલીસ સત્તાવાળાઓને જો કોઈ ઇનપુટ મળે તો તેની જાણ કરવા નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો | અયોધ્યાવાસીઓ માટે મર્યાદા નક્કી કરાઇ! બહારના વાહનને નો-એન્ટ્રી, રૂટ ડાયવર્ઝન અને ઘરની બહાર ન નીકળવા અપીલ
ગૃહ મંત્રાલયે પોલીસ વડાઓને તેમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મિશ્ર અથવા સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારોમાં સૈન્ય ટુકડી તૈનાત કરવા માટે પણ જણાવ્યું છે. સૂત્રએ ઉમેર્યું હતુ કે, “તમામ પોલીસ વડાઓને મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારોમાંથી સરઘસ/શોભા યાત્રાઓ પસાર કરતી વખતે ખાસ તકેદારી રાખવા અને કાયદો અને વ્યવસ્થાની પૂરતી વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપ્યો છે.”