Ayodhya Ram Mandir : અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા રામલલ્લાના દર્શન કરવા માટે કોંગ્રેસ નેતાઓનું એક જૂથ સોમવારે અયોધ્યા પહોંચ્યું હતું. આ નેતાઓની સાથે કેટલાક કાર્યકર્તાઓ પણ હતા. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયો મુજબ રામ મંદિરની આસપાસ હાજર કેટલાક લોકોએ આમાંથી એક કાર્યકર્તા પાસેથી તેમની પાર્ટીનો ઝંડો છીનવીને પોતાના પગ નીચે કચડી નાખ્યો હતો.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રામ મંદિરની બહાર કોંગ્રેસનો એક કાર્યકર્તા પોતાની પાર્ટીનો ઝંડો ફરકાવી રહ્યો હતો. કેટલાક લોકોને તે પસંદ ન આવ્યું અને તેમણે તેમની પાસેથી ઝંડો છીનવીને પોતાના પગ નીચે કચડવાનું શરૂ કરી દીધું.
આ સમય દરમિયાન કોંગ્રેસ પક્ષના આ કાર્યકર અને તેની પાસેથી ઝંડો ઝૂંટવી લેનારાઓ વચ્ચે મારામારીની સ્થિતિ પણ ઉભી થઇ હતી. પરંતુ સ્થળ પર હાજર પોલીસે તાત્કાલિક દરમિયાનગીરી કરીને મામલો સંભાળી લીધો હતો. આ દરમિયાન બંને યુવકો જય શ્રી રામના નારા લગાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો – રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા લાલકૃષ્ણ અડવાણીનું મોટું નિવેદન, પીએમ નરેન્દ્ર મોદી વિશે કહી આવી વાત
અયોધ્યા જિલ્લા અધ્યક્ષે વ્યક્ત કરી નારાજગી
કોંગ્રેસ પાર્ટીના અયોધ્યાના મહિલા જિલ્લા અધ્યક્ષ રેણુ રાયે કહ્યું કે કેટલાક અરાજક તત્વોએ અમારી પાર્ટીનો ઝંડો અમારી પાર્ટી કાર્યકર્તા પાસેથી છીનવી લીધો હતો. તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને અપશબ્દો કહ્યા હતા. તેમની ઉપર હાથ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ મંદિર બધાનું છે, અમે તેની નિંદા કરીએ છીએ.