Ayodhya Ram Mandir Pran Pratishtha, Ram temple opening, Prasad : અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024એ થનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે તૈયારીઓ અંતિમ ચરણમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેનારા મહેમાનોને ખાસ ભેટ આપવામાં આવશે. દરેક મહેમાનોને રામ જન્યભૂમિની પવિત્ર માટી ભેટમાં આપવામાં આવશે. શિલાન્યાસના ખોદકામ દરમિયાન કાઢવામાં આવેલી રામજન્મભૂમિની માટીને બોક્સમાં પેક કરીને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેનારા મહેમાનોને રજૂ કરવામાં આવશે.
મંદિર ટ્રસ્ટે શુક્રવારે આ માહિતી આપી હતી. ટ્રસ્ટના સભ્યએ જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં 11,000 થી વધુ મહેમાનો અને આમંત્રિતોને યાદગાર ભેટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે રામજન્મભૂમિની માટી ઉપરાંત દેશી ઘીમાંથી બનેલા 100 ગ્રામ મોતીચૂર લાડુ પણ મહેમાનોને પ્રસાદ તરીકે આપવામાં આવશે.
પીએમ મોદીને મળશે આ ખાસ ભેટ
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્યએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શણની થેલીમાં પેક રામ મંદિરનો 15 મીટરનો ફોટો રજૂ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવનારા રામ ભક્તોને દેવરાહ બાબા દ્વારા મોતીચૂર લાડુનો પ્રસાદ વહેંચવામાં આવશે. લાડુનો પ્રસાદ તૈયાર કરીને ટિફિનમાં પેક કરવામાં આવી રહ્યો છે. દેવરાહ બાબાના શિષ્યએ કહ્યું, ‘આ શુદ્ધ દેશી ઘીથી બનેલો લાડુ છે, જેમાં પાણીનું એક ટીપું પણ વાપરવામાં આવ્યું નથી. તે 6 મહિના સુધી બગડે નહીં.
આ પણ વાંચોઃ- Today Weather Updates : ઉત્તર ભારતમાં ધુમ્મસ અને કોલ્ડ વેવનું એલર્ટ, ગુજરાતમાં કેવી છે સ્થિતિ?
44 ક્વિન્ટલ લાડુનો લાગશે ભોગ
રામલલાને ચાંદીની તાળીમાં ભોગ લગાવવામાં આવશે. 44 ક્વિંટલ લાડુનો ભોગ લગાવવામાં આવશે. ભોગ લગાવ્યા બાદ જે પણ વીવીઆઈપી આવશે તેમને પ્રસાદ આપવામાં આવશે. આ ઉપરાંત જે રામ ભક્ત દર્શન કરવામાં આવશે તેમને પણ પ્રસાદી વિતરણ કરાશે.
અયોધ્યામાં શ્રી રામના અભિષેક સમારોહ માટે ઉજ્જૈનથી 5 લાખ લાડુ મોકલવામાં આવશે. મહાકાલેશ્વર મંદિર પ્રશાસને કહ્યું કે તેઓએ મુખ્યમંત્રીની સૂચના બાદ 250 ક્વિન્ટલ લાડુ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. અધિકારીઓએ કહ્યું કે માલ તૈયાર કરવામાં લગભગ પાંચ દિવસ લાગશે અને પ્રસાદને અયોધ્યા પહોંચાડવા માટે લગભગ ત્રણથી પાંચ ટ્રકની વ્યવસ્થા કરવી પડશે.