PM Modi Ayodhya Schedule : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેના મુખ્ય અતિથિ છે. પીએમ મોદીના 22 જાન્યુઆરીના કાર્યક્રમની વાત કરવામાં આવે તો સવારે 10.25 વાગ્યે અયોધ્યા એરપોર્ટ પહોંચશે અને સવારે 10.55 વાગ્યે શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચશે. પીએમ મોદી 12:05 મિનિટે રામલલાનો અભિષેક કરશે અને પૂજા કરશે.
પ્રાણ પ્રતિષ્ઠા પછી પીએમ મોદીનો કાર્યક્રમ ખતમ નહીં થાય. પીએમ મોદી બપોરે 1 વાગ્યે અયોધ્યામાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ 2:15 વાગ્યે કુબેર ટીલાના શિવ મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે.
22 જાન્યુઆરીએ ક્યા સમયે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે
કોઈપણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે કેલેન્ડરમાં વિશેષ શુભ મુહૂર્ત આપવામાં આવે છે. રામલલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી, 2024 પોષ માસની બારસ તિથિના અભિજીત મુહૂર્ત, ઇન્દ્ર યોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન અને વૃશ્ચિક નવાંશની પસંદગી કરવામાં આવી છે, જે 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:29 વાગે 08 સેકન્ડથી 12.30 વાગે 32 સેકન્ડ સુધી રહેશે. એટલે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનું શુભ મુહૂર્ત છે.
આ પણ વાંચો – અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડાયેલા તમારા દરેક સવાલોના જવાબ
આ સમયે અયોધ્યા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. રામલલ્લાની મૂર્તિની સ્થાપના કર્યા બાદ ‘પ્રતિષ્ઠાત્ પરમેશ્વર’ મંત્રનો જાપ કરવામાં આવશે. એનો અર્થ થાય છે ભગવાન, તમે બિરાજમાન થાવો.
મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કેમ કરવામાં આવે છે?
વૈદિક કાળથી આ પરંપરા ચાલી આવે છે કે જ્યારે પણ કોઈ પણ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે. તેને સૌથી પહેલા વિધિ- વિધાન સાથે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. એટલે કે કોઇ પણ મૂર્તિમાં જ્યારે વૈદિક મંત્રોના ઉચ્ચારણ અને ખાસ વિધિઓ દ્વારા તેમાં પ્રાણની પ્રતિષ્ઠા (સ્થાપિત) કરવામાં આવે છે, તો તેને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. આ પ્રક્રિયા મૂર્તિને પ્રાર્થના સ્વીકારવાની અને વરદાન આપવાની ક્ષમતા આપે છે.