Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યાને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં મહેમાનોના આગમનની પ્રક્રિયા ચાલુ છે. આ દરમિયાન બાબરી મસ્જિદના પૂર્વ પક્ષકાર ઇકબાલ અંસારીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે બધાનું સ્વાગત કરતા કહ્યું કે અયોધ્યા ધર્મની નગરી છે અને દરેકે અહીં આવવું જોઈએ. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ ભગવાનના દર્શન કરવા જોઈએ અને ભગવાન શ્રી રામ દ્વારા બતાવેલા માર્ગ પર ચાલવું જોઈએ.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા ઈકબાલ અંસારીએ કહ્યું કે અયોધ્યા ધર્મની નગરી છે. અયોધ્યામાં આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. જે પણ લોકો અયોધ્યા આવ્યા છે તેમનું સ્વાગત છે. અમે ઇચ્છીએ છીએ કે લોકો ભગવાન રામની પૂજા કરે અને તેમણે જે રસ્તો બતાવ્યો છે તેને અનુસરે. દરેક ધર્મ માનવતાનું પ્રતીક છે. દરેક ધર્મ શિખવાડે છે કે અંદરોઅંદર દુશ્મની ન હોવી જોઈએ. પરસ્પર સદભાવના હોવી જોઈએ.
ભાજપ સામે લડો, ભારત સામે ના લડો : પ્રમોદ કૃષ્ણમ
કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહના આમંત્રણને નકારી કાઢવા બદલ વિપક્ષી નેતાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે. રામના નિમંત્રણને તો કોઈ પણ ખ્રિસ્તી, પાદરી અથવા મુસ્લિમ પણ નકારી શકે નહીં. રામ ભારતની આત્મા છે. રામના આમંત્રણનો અસ્વીકાર કરવો એટલે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું અપમાન કરવું. રામના આમંત્રણનો અસ્વીકાર કરવાનો અર્થ એ છે કે ભારતની અસ્મિતાને પડકારવો. રામ વગર ભારત કે ભારતની લોકશાહીની કલ્પના પણ કરી શકાતી નથી. હું તમામ વિરોધ પક્ષોને વિનંતી કરવા માંગુ છું કે તમે ભાજપ સામે લડો, રામ સામે લડો નહીં, ભાજપ સામે લડો, સનાતન સામે લડો નહીં, ભાજપ સામે લડો નહીં, ભારત સામે લડો નહીં.
આ પણ વાંચો – રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં યજમાન બનશે આ કપલ, દેશભરમાં 15 જોડીઓની પસંદગી કરી
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે વધુમાં જણાવ્યું હતું કે એ વાત સાચી છે કે મંદિરનું નિર્માણ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કરવામાં આવ્યું હતું. પરંતુ જો મોદી દેશના વડાપ્રધાન ન હોત, જો અન્ય કોઇ વડાપ્રધાન હોત તો આ નિર્ણય આવ્યો ન હોત અને મંદિર ન બન્યું હોત. તેથી હું નરેન્દ્ર મોદીને શ્રેય આપવા માંગુ છું.
સીએમ પુષ્કર સિંહ ધામીનું મોટું નિવેદન
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે ભગવાન રામ દેશ અને દુનિયાના હીરો છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં ફરી રામ યુગ આવ્યો છે. બધા રામ ભક્તો આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. ઉત્તરાખંડ ‘દેવભૂમિ’ છે. આવતીકાલે દીપોત્સવ ભવ્ય રીતે ઉજવીશું. ઘણા વર્ષોના સંઘર્ષ પછી આપણે આ દિવસ જોઈ રહ્યા છીએ. આવતીકાલે સમગ્ર રાજ્યમાં દીપોત્સવ અને દિવાળીની ઉજવણી કરવામાં આવશે.