ayodhya ram mandir donation money collection : અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. આ માટે આખા દેશમાં એક અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. બધા જ લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ દિવસે અયોધ્યા સાથે દેશ ભરના રામ મંદિરોમાં પણ ઉજવણી થશે. પીએ નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીનો દિવસ દિવાળીની જેમ ઉજવવાની અપીલ કરી છે. આ સમારોહની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. ભગવાન રામલલાનો અભિષેક પીએમ મોદી કરશે. આ દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી ઉપરાંત ચાર લોકો હાજર રહેશે. ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર માટે દેશ-વિદેશના રામભક્તોએ ઉદારતાથી દાન આપ્યું છે. અત્યાર સુધી રામ મંદિરને 5000 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે.
આ દાનની રકમનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે રામ મંદિરનો પહેલો માળ માત્ર વ્યાજના પૈસાથી જ તૈયાર થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધી રામ મંદિરને 5000 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર મંદિરના સમર્પણ ફંડ બેંક ખાતામાં અત્યાર સુધીમાં 3200 કરોડ રૂપિયાથી વધુ રકમ જમા થઈ ચૂકી છે.રામ મંદિર ટ્રસ્ટે દેશના લોકો પાસેથી 900 કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ ડિસેમ્બર સુધી ભગવાન રામના મંદિરના નિર્માણ માટે 5000 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે.
આ પણ વાંચો – પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલાની પ્રતિમાનું નહીં થાય અયોધ્યા ભ્રમણ, જાણો કેમ રદ્દ થયો કાર્યક્રમ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર રામ મંદિરના નિર્માણ માટે લગભગ 18 કરોડ રામ ભક્તોએ ઈન્ડિયન નેશનલ બેંક, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાના ખાતામાં લગભગ 3200 કરોડ રૂપિયા સમર્પણ ફંડ જમા કરાવ્યું છે. ટ્રસ્ટે આ બેંક ખાતાઓમાં દાનના પૈસાની એફડી કરી હતી, જે વ્યાજમાંથી મંદિરનું વર્તમાન સ્વરૂપ બનાવવામાં આવ્યું છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે રામ મંદિર માટે કથાકાર મોરારી બાપુ દ્વારા સૌથી વધુ દાન મળ્યું છે. મોરારી બાપુએ રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ સિવાય અમેરિકા, કેનેડા અને બ્રિટન સ્થિત તેમના અનુયાયીઓએ મળીને 8 કરોડ રૂપિયા અલગ-અલગ દાનમાં આપ્યા છે.