Ayodhya Ram Mandir Pran Pratistha : રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થયો છે. 500 વર્ષના સંઘર્ષ બાદ એ દિવસ આવી ગયો છે જ્યારે ભગવાન રામનું ફરી અયોધ્યામાં ધામધુમથી સ્વાગત કરવામાં આવ્યું છે. તેમને ટેન્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને ગર્ભગૃહમાં સિંહાસન પર બેસાડવામાં આવ્યા છે. હવે કરોડો ભારતીયો માટે તે આસ્થાનો વિષય છે, તેમની ધાર્મિક જીત છે. પરંતુ રાજકીય પક્ષો માટે ધર્મ અને આસ્થાથી પણ વિશેષ એક વસ્તુ છે – મત.
ભાજપ આ સમયે રામ મંદિરના મુદ્દાને રાજનીતિથી અલગ બતાવી રહી છે પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં તેની અસર થવાની જ છે. એક પાર્ટી તરીકે ભાજપની યાત્રામાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. પહેલા તેમણે માત્ર હિન્દુઓની રાજનીતિ કરી, પછી તેમની રાજનીતિમાં સવર્ણ આવ્યા, ત્યારબાદ ધીરે ધીરે દલિત સમાજને સાધવાની રણનીતિ બની અને હવે પીએમ નરેન્દ્ર મોદી હાલ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને ધાર આપવાનું કામ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોમાં પીએમ મોદીના કાર્યક્રમ પર નજર કરીએ તો તેમણે ચાર રાજ્યોના 6 મંદિરોને કવર કરવાનું કામ કર્યું છે. આ બધુ માત્ર 10 દિવસમાં જ થયું છે. 12 જાન્યુઆરીના રોજ તેમણે સૌથી પહેલા મહારાષ્ટ્રના પંચવટી સ્થિત કાલારામ મંદિરમાં દર્શન કર્યા હતા. 16 જાન્યુઆરીએ તેમણે આંધ્ર પ્રદેશના લેપાક્ષીમાં વીરભદ્ર મંદિરની મુલાકાત લીધી હતી, ત્યારબાદ 17મીએ તેમણે કેરળના શ્રી રામાસ્વામી મંદિરમાં દર્શન કર્યા હતા. 20 જાન્યુઆરી પહેલા તેમણે તમિલનાડુના રંગનાથ સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ રામેશ્વરમમાં રામનાથસ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ પહેલા જ એટલે કે ગઈકાલે રવિવારે તેમણે કોદંડરામસ્વામી મંદિરમાં દર્શન કર્યા હતા.
હવે પીએમ મોદી દેશના વડાપ્રધાન છે, તેમનું ક્યાંય પણ જવું મહત્વનું છે. તેમના જવાથી તે સ્થાનની લોકપ્રિયતા વધવી એક ગેરંટી રહે છે. હાલમાં જ જ્યારે પીએમ લક્ષદ્વીપ પહોંચ્યા તો ત્યાંના પર્યટનમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. દરેક જગ્યાએ માત્ર લક્ષદ્વીપની જ ચર્ચા થતી હતી. એ જ રીતે જ્યારે વડા પ્રધાન જુદા જુદા રાજ્યોમાં મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે તેની અસર હિન્દુઓના એક વર્ગ પર પડી રહી છે. જાણકારોનું માનવું છે કે ધીરે ધીરે તે ભાજપની અલગ વોટબેંક બની જશે અને શુદ્ધ ધાર્મિક આધાર પર દેશની સૌથી મોટી પાર્ટીને મત આપશે.
આ પણ વાંચો – રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી પીએમ નરેન્દ્ર મોદીને મંચ પરથી ચરણામૃત કેમ પીવડાવ્યું?
હવે જો આ વાત કહેવામાં આવી રહી છે તો તેને સાબિત કરવા માટે કેટલાક આંકડા છે. વાસ્તવમાં સર્વે એજન્સી સીએસડીએસે સમયાંતરે ઘણા રિસર્ચ કર્યા છે. આવું જ એક સંશોધન હિન્દુઓની મતદાનની રીત વિશે પણ કરવામાં આવ્યું છે. સીએસડીએસનો રિપોર્ટ દર્શાવે છે કે હિન્દુઓને પણ બે ભાગમાં વહેંચી શકાય છે, એક જે ઓછા ધાર્મિક છે અને બીજું વધુ ધાર્મિક છે. હવે ભાજપની નજર વધુ ધાર્મિક અને મંદિરમાં જતા હિન્દુઓની છે. પાર્ટીનું માનવું છે કે આ મતદાતા ભવિષ્યમાં ગેમચેન્જર સાબિત થવાના છે.
સીએસડીએસના આંકડા મુજબ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપને મંદિરમાં ગયેલા હિન્દુઓના માત્ર 28 ટકા વોટ મળ્યા હતા. આ એ સમય હતો જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના રાજકારણ સુધી જ સીમિત હતા, ભાજપનો અસલી ચહેરો લાલકૃષ્ણ અડવાણી હતા. પરંતુ 2014 પછી પરિસ્થિતિ બદલાવા લાગી મંદિરમાં દર્શન કરવા જતા હિન્દુઓમાં ભાજપનો રસ ઝડપથી વધ્યો. 2014ની લોકસભા ચૂંટણીમાં જ્યારે મોદી લહેર તમામ પરિબળો પર હાવી થઈ રહી હતી ત્યારે મંદિરોમાં જતા હિન્દુઓના 45 ટકા એટલે કે 2009ની સરખામણીએ 17 ટકા વધારે મત ભાજપને મળ્યા હતા.
સરકાર બન્યા બાદથી જ પીએમ મોદીનું મંદિર નિર્માણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, તેનો ફાયદો 2019ની લોકસભા ચૂંટણીમાં પણ બીજેપીમાં જોવા મળ્યો હતો. ગત ચૂંટણીમાં પાર્ટીએ પહેલી વખત 50 ટકાથી વધુ હિન્દુ મતો મેળવ્યા હતા. આ વલણ સ્પષ્ટ પણે દર્શાવે છે કે દેશનો મિજાજ બદલાઈ રહ્યો છે, જો ધર્મના રાજકારણને ટાળનારા લોકો છે તો પછી તેને દૃઢપણે માનનારાઓની કમી નથી. ભાજપે આ લોકોની નાડી પકડી લીધી હતી, જેના કારણે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ભાજપ અને આરએસએસ માટે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની એક અલગ વ્યાખ્યા છે. આ દેશમાં એક દંતકથા છે કે ભગવાન રામ ઉત્તરના છે, પરંતુ ભાજપ તેને દરેક અર્થમાં તોડવા માંગે છે. તેઓ રામને દેશની એકતાનો આધાર બતાવવા માંગે છે, એટલે જ ક્યારેક કાશી-તમિલ સંગમનું આયોજન થાય છે તો ક્યારેક સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પીએમ મોદીએ આગળ વધીને ઘણા મંદિરો, ઘણા અન્ય ધાર્મિક વિકાસને પ્રોત્સાહન આપ્યું છે.
ઉદાહરણ તરીકે મોદી સરકારે કેદારનાથ મંદિરનું રિનોવેશન કરાવ્યું હતું. 2013માં જ્યારે કેદાદરનાથ એક કુદરતી આફતથી તબાહ થઈ ગયું હતું ત્યારે નરેન્દ્ર મોદીએ પીએમ બન્યા બાદ તેને રિનોવેટ કરવાની જવાબદારી ઉપાડી હતી. તેમની સરકાર દ્વારા મંદિર સંકુલનું કામ ઝડપથી કરવામાં આવ્યું હતું, આ સાથે બ્યુટીફીકેશનનું કામ પણ વેગવંતુ બન્યું હતું. આ પછી વર્ષ 2016માં પીએમ મોદીએ ચાર ધામ માર્ગ બનાવવાની જાહેરાત કરી હતી, જે એક એવો રસ્તો છે જે દરેક ઋતુમાં જવા માટે યોગ્ય છે. આ ઉપરાંત આ સરકારે અનેક ધાર્મિક વિકાસ કાર્યો કર્યા, એક જ ધર્મના માધ્યમથી મોટી વોટબેંક જીતવાની રણનીતિ હતી.
આ સમયે ભાજપ સામે પડકાર એ છે કે તેની મંદિર રાજનીતિ તેને દક્ષિણમાં વધારે ફાયદો નથી આપી રહી. ધર્મમાં માનનારા અને હિંદુ ધર્મને સમજતા લોકો ત્યાં પણ મોટી સંખ્યામાં છે. પરંતુ ભાજપ હિન્દી ભાષી પક્ષ તરીકે વધુ ઓળખાય છે એટલે દક્ષિણમાં પણ તેની સ્વીકાર્યતા ઘટી જાય છે. લિંગાયત રાજકારણ દ્વારા તેણે કર્ણાટકમાં ચોક્કસપણે પોતાનો આધાર બનાવ્યો છે, પરંતુ બાકીના રાજ્યોમાં તેનો વિકલ્પ બનવું હજી પણ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે.