વિશ્વ હિંદુ પરિષદે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા ભક્તોને વિવિધ કૌભાંડોથી સાવચેત રહેવા જણાવ્યું છે. VHP એ રવિવારે ભક્તોને અયોધ્યા મંદિર માટે દાનની માંગ કરતા નકલી સોશિયલ મીડિયા સંદેશાઓથી સાવધ રહેવા ચેતવણી આપી છે, જે લોકોને સતત લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે.
VHP એ કહ્યું છે કે, દરેક વ્યક્તિએ આવા અનધિકૃત જૂથો અથવા વ્યક્તિઓને ફંડ આપવું જોઈએ નહીં. VHP પ્રવક્તા વિનોદ બંસલે પણ ગૃહ મંત્રાલય અને દિલ્હી અને ઉત્તર પ્રદેશના પોલીસ વડાઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ છેતરપિંડી કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.
શું છેતરપિંડી થઈ રહી છે?
VHP પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે, છેતરપિંડી સાથે સંકળાયેલા આવા લોકો અનધિકૃત રીતે QR કોડના સ્ક્રીનશોટ મોકલીને રામ મંદિરના નામે દાન માંગે છે.
આ મામલાને લગતો એક વિડિયો સંદેશ જાહેર કરતા, VHP પ્રવક્તા બંસલે કહ્યું કે, તેમને તાજેતરમાં ભગવાન રામના નામ પર ભક્તો પાસેથી પૈસા વસૂલવાના આવા પ્રયાસો વિશે જાણ કરવામાં આવી છે.
તેમણે કહ્યું, “શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કોઈને પૈસા વસૂલવા માટે અધિકૃત કર્યા નથી. મેં ગૃહ મંત્રાલય, ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક અને દિલ્હીના પોલીસ કમિશનરને પત્ર લખીને કડક કાર્યવાહીની માગણી કરી છે, જેથી કરીને લોકો આનાથી બચી શકે. આ છેતરપિંડીનો શિકાર ન બનો.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે VHPએ ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક અને આઈજી રેન્જ લખનૌને આ મામલે તાત્કાલિક પગલાં લેવા માટે ઔપચારિક ફરિયાદ પણ મોકલી છે.
આ પણ વાંચો – Ayodhya Airport: અયોધ્યા એરપોર્ટનું નામકરણ કરાયું તે મહર્ષિ વાલ્મિકી કોણ છે? જાણો તેમના વિશેની 5 રસપ્રદ વાતો
VHPના મહાસચિવ મિલિંદ પરાંડેએ પણ માહિતી આપી હતી કે, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના અભિષેક સમારોહ માટે ભંડોળ એકત્ર કરવા માટે કોઈને અલગ સમિતિ બનાવવા અને રસીદો છાપવાની મંજૂરી આપવામાં આવી નથી.