scorecardresearch
Premium

Exit Polls 2023 : એક્ઝિટ પોલ : રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં ભાજપને લીડ, છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ, તેલંગાણામાં કાંટાની ટક્કર, મિઝોરમમાં ત્રિશંકુ

Assembly Elections 2023 Exit Polls Updates : મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023ના એક્ઝિટ પોલના પરિણામ સામે આવ્યા. જોકે સાચા પરિણામ 3 ડિસેમ્બરે મતગણતરી પછી જ જાણી શકાશે

Exit Polls 2023 | Exit Polls | Assembly Elections 2023 Exit Polls
Assembly Elections 2023 Exit Polls : એક્ઝિટ પોલ્સ અપડેટ

Assembly Elections 2023 Exit Polls Updates : મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023ના એક્ઝિટ પોલના પરિણામ સામે આવી ગયા છે. લગભગ એક મહિના સુધી પાંચ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ કયા રાજ્યમાં કોની સરકાર બની રહી છે તેને લઈને પણ અટકળો લગાવવામાં આવી છે. જોકે 3 ડિસેમ્બરે મતગણતરી પછી જ સાચા પરિણામો જાણી શકાશે.

તેલંગાણામાં સત્તાધારી પાર્ટી BRS અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર

તેલંગાણામાં એક્ઝિટ પોલ્સે સત્તાધારી પાર્ટી BRS અને કોંગ્રેસ વચ્ચે નજીકની લડાઈનો અંદાજ વ્યક્ત કર્યો છે. India TV-CNX એ BRSને 31-47 બેઠકો અને કોંગ્રેસને 63-79 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કર્યો છે, ભાજપને 2-4 બેઠકો જ્યારે AIMIMને 5-7 બેઠકો આપવામાં આવી છે. જન કી બાતમાં BRSને 40-55 બેઠકો અને કોંગ્રેસને 48-64 બેઠકો, બીજેપીને 7-13 અને AIMIM ને 4-7 સીટો જીતવાની આગાહી કરવામાં આવી છે. રિપબ્લિક ટીવીએ BRSને 46-56 બેઠકો, કોંગ્રેસને 58-68 બેઠકો, ભાજપને 4-9 બેઠકો અને AIMIM માટે 5-7 બેઠકો જીતવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. TV9 ભારતવર્ષ પોલસ્ટાર્ટે BRS ને 48-58 બેઠકો, કોંગ્રેસને 49-59 બેઠકો, ભાજપને 5-10 બેઠકો અને AIMIM ને 6-8 બેઠકો મળશે તેવી સંભાવના જણાવી છે.

Telangana Exit Polls
તેલંગાણા એક્ઝિટ પોલ

રાજસ્થાનમાં ભાજપને લીડ

રાજસ્થાનના એક્ઝિટ પોલ્સમાં બીજેપીને લીડ મળી રહી છે. જન કી બાત એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 100-122 બેઠકો અને કોંગ્રેસ 62-85 બેઠકો મળવાનો અંદાજ છે. TV9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટે ભાજપને 100-110 બેઠકો અને કોંગ્રેસને 90-100 બેઠકોની આગાહી કરી છે. ટાઇમ્સ નાઉ-ઇટીજીએ ભાજપને 108-128 બેઠકો અને કોંગ્રેસને 56-72 બેઠકોની આગાહી કરી છે.

Exit Poll Results 2023
રાજસ્થાન એક્ઝિટ પોલ

મધ્ય પ્રદેશમાં રસપ્રદ મુકાબલો

એક્ઝિટ પોલ્સ મધ્ય પ્રદેશમાં કાંટાની ટક્કર બતાવી રહ્યા છે. જન કી બાત ના પોલ્સ પ્રમાણે ભાજપને 100-123 બેઠકો અને કોંગ્રેસને 102-125 બેઠકો મળશે. TV9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટે ભાજપને 106-116 બેઠકો અને કોંગ્રેસને 111-121 બેઠકોની આગાહી કરી છે. રિપબ્લિક ટીવી-મેટ્રિઝે ભાજપને 118-130 બેઠકો અને કોંગ્રેસને 97-107 બેઠકોની આગાહી કરી છે.

Exit Polls 2023
મધ્ય પ્રદેશ એક્ઝિટ પોલ

છત્તીસગઢમાં કાંટાની ટક્કર

આજતક-એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે છત્તીસગઢમાં બીજેપીને 41 ટકા વોટ મળવાની સંભાવના છે. જ્યારે કોંગ્રેસને 42 ટકા વોટ મળવાનો અંદાજ છે. આજતક-એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે છત્તીસગઢમાં બીજેપીને 36-46 સીટ અને કોંગ્રેસને 40-50 સીટ મળવાનો અંદાજ છે. છત્તીસગઢના એક્ઝિટ પોલમાં પણ રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ્સમાં 90 સીટોમાંથી ભાજપને 36-46 બેઠકો અને કોંગ્રેસને 40-50 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. એબીપી ન્યૂઝ સી-વોટરે ભાજપને 36-48 અને કોંગ્રેસને 41-53 બેઠકો આપી છે. ઈન્ડિયા ટીવીએ ભાજપને 30-40 અને કોંગ્રેસને 46-56 બેઠકોની આગાહી કરી છે. જન કી બાતમાં ભાજપને 34-45 અને કોંગ્રેસને 42-53 બેઠકો આપી છે.

Exit Poll Results 2023
છત્તીસગઢ એક્ઝિટ પોલ

મિઝોરમમાં ત્રિશુંકુ વિધાનસભાના આસાર

મિઝોરમમાં અત્યાર સુધીમાં 2 એક્ઝિટ પોલ સામે આવ્યા છે. 40 સીટો વાળી વિધાનસભામાં જન કી બાતના એક્ઝિટ પોલમાં એમએનએફને 10-14 સીટો, જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ને 15-25 સીટો, કોંગ્રેસને 5-9 સીટો અને ભાજપને 0-2 સીટો મળવાનો અંદાજ છે. સી વોટરના એક્ઝિટ પોલમાં એમએનએફને 15-21 સીટો, જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ને 12-18 સીટો, કોંગ્રેસને 2-8 સીટો અને ભાજપને 0 સીટો મળવાની ધારણા છે.

 mizoram Exit Polls
મિઝોરમ એક્ઝિટ પોલ

પાંચ રાજ્યમાં ક્યારે થયું હતું મતદાન

મિઝોરમમાં 40 બેઠકો માટે 7 નવેમ્બરે, મધ્યપ્રદેશમાં 230 બેઠકો માટે 17 નવેમ્બરે, રાજસ્થાનમાં 199 બેઠકો માટે 25 નવેમ્બરે, છત્તીસગઢમાં 90 બેઠકો માટે 7 અને 17 નવેમ્બરે અને તેલંગાણામાં 119 બેઠકો માટે 30 નવેમ્બરે મતદાન થયું હતું. આ ચૂંટણી પરિણામોની અસર આગામી કેટલાક મહિનામાં યોજાનારી લોકસભા ચૂંટણી પર પણ પડશે. આથી આ ચૂંટણીઓ ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષો માટે ખૂબ જ મહત્વની સાબિત થશે.

મતદાનની પ્રક્રિયા 7 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ચાલી

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં ચૂંટણી જંગ 7 નવેમ્બરથી શરૂ થયો હતો, જ્યારે છેલ્લા તબક્કાનું મતદાન 30 નવેમ્બરે સમાપ્ત થયું છે. છત્તીસગઢને બાદ કરતા બધા રાજ્યમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી. 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ છેલ્લી ચૂંટણી છે.

કયા રાજ્યમાં કોની સરકાર હતી?

રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર છે. તેલંગાણામાં કે.ચંદ્રશેખર રાવના નેતૃત્વવાળી ભારત રાષ્ટ્ર સમિતિની સરકાર છે. મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટની સરકાર છે.

શું છે એક્ઝિટ પોલ?

એક્ઝિટ પોલ એ મતદારોનો સર્વે છે જે એજન્સીઓ દ્વારા ચૂંટણીના પરિણામની આગાહી કરવા માટે હાથ ધરવામાં આવે છે. તેનો ઉદ્દેશ વિજેતાની આગાહી કરવાનો અને મતદારના પેટર્નને સમજવાનો છે. જોકે તેઓ હંમેશા સચોટ હોતા નથી, તેમ છતાં તેઓ ચૂંટણી વિશે વાજબી સંકેત આપે છે. ભારતના ચૂંટણી પંચના નિયમ મુજબ અંતિમ તબક્કાનું મતદાન સત્તાવાર રીતે જાહેર થયા બાદ જ એક્ઝિટ પોલની જાણકારી આપી શકાય છે.

Web Title: Assembly elections 2023 exit poll live updates mp rajasthan telangana chhattisgarh mizoram results prediction ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×