મનોજ દત્તાત્રેય મોરે : મહારાષ્ટ્રમાં અજિત પવારને લઇને રાજનીતિક ચર્ચા ગરમ છે. હવે અજિત પવારના નિવેદનને લઇને ઉદ્ધવ ઠાકરે જૂથે સીએમ એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો છે. અજિત પવારે કહ્યું હતું કે 2024ની ચૂંટણીની રાહ જોયા વગર તે મુખ્યમંત્રી પદ માટે દાવો કરવા માટે તૈયાર છે. હવે ઉદ્ધવ ઠાકરે જૂથે કહ્યું કે એનસીપી નેતા અજીત પવારની આ ટિપ્પણીથી એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને ભાજપાએ બેગ પેક કરી દેવા કહી દીધું છે.
અજિત પવારના નિવેદન પર શિવસેના (યુબીટી)ના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે શનિવારે ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે અજિત પવારે જે કહ્યું તે એકનાથ શિંદે અને તેમના જૂથ માટે એક જોરદાર અને સ્પષ્ટ સંદેશ છે. બીજેપીએ શિંદેને તેમની બેગ પેક કરવાનું કહેવામાં આવ્યું છે અને આ જ કારણ છે કે શિંદે અચાનક લો પ્રોફાઈલ નેતાની જ જેમ રહી રહ્યા છે.
શુક્રવારે સકલ ગ્રૂપ દ્વારા આયોજિત એક ઇન્ટરવ્યુ દરમિયાન અજિત પવારે કહ્યું હતું કે માત્ર 2024માં જ નહીં, હું અત્યારે પણ મુખ્યમંત્રી પદ પર દાવો રજુ કરવા તૈયાર છું. આ નિવેદન પર સંજય રાઉતે કહ્યું કે જો અજિત પવાર મુખ્યમંત્રી પદ માટે દાવો કરવા તૈયાર છે તો શિવસેના (UBT) તેમને શુભેચ્છાઓ આપશે. તેમણે કહ્યું કે જો તેઓ મુખ્યમંત્રી પદ પર દાવો કરવા માંગતા હોય તો અમારી શુભેચ્છાઓ તેમની સાથે છે. અમે કોઈને તેમની મહત્વાકાંક્ષાઓને તાર્કિક નિષ્કર્ષ પર લઈ જવાથી રોકી શકતા નથી. તેમને તેનું નસીબ અજમાવવા દો, અમારી શુભેચ્છાઓ તેમની સાથે છે.
આ પણ વાંચો – BKU નેતાનો દાવો – સત્યપાલ મલિક અને તેમના સમર્થકોની ધરપકડ કરવામાં આવી
શનિવારે જલગાંવમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાઉતે કહ્યું હતું કે કેટલાક લોકો મુખ્યમંત્રી બની ગયા, જોકે તેઓ પદ માટે યોગ્ય ન હતા. જો નસીબ તેમની તરફેણ કરશે તો અજિત પવાર ચોક્કસ મુખ્યમંત્રી બનશે. અજિત પવારમાં મુખ્યમંત્રી બનવાની ક્ષમતા છે. તેમની પાસે લાંબા સમય સુધી નાયબ મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ છે.
રાઉતે તાજેતરમાં ધ ઈન્ડિયન એક્સપ્રેસને જે કહ્યું હતું તેનો પુનરોચ્ચાર કર્યો હતો. પૂછવામાં આવ્યું કે શું અજિત પવારની ટિપ્પણીનો અર્થ એ છે કે તેઓ ભાજપ તરફ જઈ રહ્યા છે, રાઉતે કહ્યું કે તેમાં કંઈક છે. અજિત પવાર બેચેન અને ચિંતિત દેખાઈ રહ્યા છે. ભાજપે તેમની સામે કેસ ચલાવવાની ધમકી આપીને તેમના પર દબાણ કર્યું હોય તેવું લાગે છે.
આ મહિનાની શરૂઆતમાં રાઉતે કહ્યું હતું કે અજિત પવાર બીજેપી દ્વારા તેમના પર બનાવી રહેલા દબાણની ફરિયાદ કરી શરદ પવારને કરતા રહ્યા છે. અજિત પવારે આ પછી રાઉતની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું કે તેઓ આવા દાવા કરવા માટે એનસીપીના પ્રવક્તા નથી. ભાજપ સાથે હાથ મિલાવશે તેવી અફવાઓને પગલે અજિત પવારે સ્પષ્ટતા કરી હતી કે તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી NCP છોડશે નહીં. પરંતુ તેઓ ભાજપ સાથે હાથ મિલાવશે કે કેમ તે મુદ્દે તેઓ અસ્પષ્ટ રહ્યા હતા.