Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેમને ભાજપ તરફથી પાર્ટીમાં સામેલ થવાની ઓફર કરવામાં આવી રહી છે. આ પહેલા આજે સવારે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની એક ટીમ ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ સ્ટેટમેન્ટ પર નોટિસ આપવા માટે દિલ્હીના મંત્રી અને આપ નેતા આતિશીના આવાસ પર પહોંચી હતી. આપ નેતા આતિશીને 5 ફેબ્રુઆરીએ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
હું ભાજપમાં જોડાવાનો નથી – કેજરીવાલ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કિરાડી, સેક્ટર-41 રોહિણીમાં નવી સ્કૂલની ઈમારતોનો શિલાન્યાસ કરતી વખતે લોકોને સંબોધિત કરતા કહ્યું કે ગરીબોમાં આશાનું એક નવું કિરણ ઉભું થયું છે કે તેમના બાળકો સરકારી સ્તરે સારું શિક્ષણ મેળવી શકશે અને આ અમારા માટે મોટી વાત છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દરમિયાન સીએમ કેજરીવાલે ફરી એકવાર ભાજપ પર મોટો આરોપ લગાવ્યો અને કહ્યું કે મને ભાજપમાં જોડાવા માટે કહેવામાં આવી રહ્યું છે, મારી વિરુદ્ધ ષડયંત્ર થઇ રહ્યું છે પરંતુ હું ઝુકવાનો નથી.
આ પણ વાંચો – કેજરીવાલના જેલમાં જવાથી AAPને ફાયદો? ED ના સમન્સને સતત કેમ ફગાવવામાં આવી રહ્યું?
ભાજપ પર લગાવ્યો આરોપ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમને ભાજપ તરફથી ઓફર મળી રહી છે. તેઓ (ભાજપ) અમને એમ કહીને ભાજપમાં જોડાવાનું કહે છે કે તેઓ અમને છોડી દેશે. મેં કહ્યું કે હું ભાજપમાં નહીં જોડાઉં, અમે કશું પણ ખોટું કરી રહ્યા નથી.
કેજરીવાલે આગળ કહ્યું કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય બજેટનો માત્ર 4 ટકા હિસ્સો શાળાઓ અને હોસ્પિટલો પાછળ ખર્ચે છે. જ્યારે દિલ્હી સરકાર દર વર્ષે પોતાના બજેટનો 40 ટકા હિસ્સો શાળાઓ અને હોસ્પિટલો પાછળ ખર્ચ કરે છે. આજે બધી એજન્સીઓ અમારી પાછળ પડી ગઈ છે. મનીષ સિસોદિયાનો વાંક એ છે કે તેઓ સારી શાળાઓ બનાવી રહ્યા હતા. સત્યેન્દ્ર જૈનનો વાંક એ છે કે તેઓ સારી હોસ્પિટલો અને મહોલ્લા ક્લિનિક્સ બનાવતા હતા. જો મનીષ સિસોદિયા સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુધારણા માટે કામ ન કરતા હોત તો તેમની ધરપકડ કરવામાં આવી ન હોત.