અમૃતા દત્તા : ભારતને અમેરિકા પાસેથી 11 મહત્વપૂર્ણ જેટ એન્જિન ટેકનોલોજી મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન આ ઐતિહાસિક ડીલની જાહેરાત થઇ શકે છે. અનુમાન લગાવાઇ રહ્યું છે કે, પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની હાજરીમાં ભારતીય કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને અમેરિકી મલ્ટિનેશનલ કંપની જનરલ ઇલેક્ટ્રિક (GE) વચ્ચે ભારતમાં F414 એન્જિન નિર્માણ ડીલની જાહેરાત થઇ શકે છે. આ એન્જિન ભારતના સ્વદેશી યુધ્ધ વિમાન તેજસ MK2 માટે ઉપયોગ કરાશે.
તમને જણાવીએ કે આ મહિનાના પ્રારંભે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકી રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન વચ્ચે આ ટેકનોલોજી ટ્રાન્સફર માટે સમજૂતીને લઇને ચર્ચા થઇ હતી. આ પહેલા ફેબ્રુઆરીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલ અને એમના અમેરિકી સમક્ષણ જેક સુલિવન વચ્ચેની બેઠકમાં પણ આ મુદ્દે લાંબી ચર્ચા થઇ હતી.
શું છે GE-44 એન્જિન
આ ટર્બોફેન એન્જિન જનરલ ઇલેકટ્રિકના મિલિટ્રી એરક્રાફ્ટ એન્જિનનો હિસ્સો છે અને અમેરિકન નેવી છેલ્લા 30 વર્ષો કરતાં વધુ સમયથી એનો ઉપયોગ કરી રહી છે. જનરલ ઇલેકટ્રિક એરસ્પેસની વેબસાઇટ પર જણાવ્યા અનુસાર કંપની અત્યાર સુધી 1600 F414 એન્જિન વેચાણ કરી ચૂકી છે. જે અલગ અલગ મિશનમાં અંદાજે 5 મિલિયન એટલે કે 50 લાખ કલાકનું ઉડ્યન કરી ચૂક્યા છે.

GE-414 એન્જિન શા માટે ખાસ છે?
આ ટર્બોફન એન્જિન સૌથી એડવાન્સ ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ છે. ઉદાહરણ તરીકે, તેની પાસે ફુલ ઓથોરિટી ડિજિટલ ઈલેક્ટ્રોનિક કંટ્રોલ (FADEC) સિસ્ટમ છે. આ સાથે જ લેટેસ્ટ એરક્રાફ્ટ ઇગ્નીશન સિસ્ટમ અને એન્જિન કંટ્રોલ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એન્જિનના પરફોર્મન્સને ડિજિટલી નિયંત્રિત કરી શકાય છે. આ ઉપરાંત, આ એન્જિનમાં જે પ્રકારનું કૂલિંગ મટિરિયલ અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેનાથી એન્જિનનું પ્રદર્શન અને જીવન પણ અનેકગણું વધી જાય છે.
આ ટેક્નોલોજી કોની પાસે છે?
હાલમાં, કુલ 8 દેશો પાસે F414 એન્જિનથી સજ્જ એરક્રાફ્ટ કાર્યરત છે અથવા લાવવાની પ્રક્રિયામાં છે. અમેરિકા વિશે વાત કરીએ તો, યુએસ નેવીના બોઇંગ F/A-18E/F સુપર હોર્નેટ અને EA18G ગ્રોલર ઇલેક્ટ્રીક એટેક એરક્રાફ્ટ F414-GE-400 એન્જિનથી સજ્જ છે. ભારતમાં, DRDOની એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) એ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ mk2 માટે F414-INS6 એન્જિન પસંદ કર્યું છે. હાલમાં તેજસ પાસે સિંગલ GE-404-IN20 એન્જિન છે
ભારત માટે આ ડીલ કેમ મહત્વની છે?
અત્યારે માત્ર અમુક પસંદગીના દેશો પાસે ફાઈટર પ્લેન માટે આવા એન્જિન બનાવવાની ટેક્નોલોજી છે. જેમાં અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. ભારતે ક્રાયોજેનિક રોકેટ એન્જિન જેવી ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા હાંસલ કરી છે, પરંતુ તે આ યાદીમાંથી બહાર છે. જે દેશો પાસે આ ટેક્નોલોજી છે, તેઓ તેને અન્ય દેશો સાથે શેર કરવાનો ઇનકાર કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં, ભારત અને અમેરિકા વચ્ચે F414 ડીલ માત્ર વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ ઐતિહાસિક પણ છે.

DRDO સફળ થઈ શક્યું નથી
તમને જણાવી દઈએ કે, DRDOના ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (GTRE)એ પહેલીવાર હળવા કોમ્બેટ એરક્રાફ્ટ માટે GTX-37 એન્જિન તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે. બાદમાં 1989ના અંતમાં મહત્વાકાંક્ષી ‘કાવેરી એન્જિન પ્રોજેક્ટ’ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ, 9 પ્રોટોટાઇપ એન્જિન અને 4 કોર એન્જિન તૈયાર કરવામાં આવ્યા હતા અને 3217 કલાકનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ એન્જિન ફાઇટર એરક્રાફ્ટ માટે યોગ્ય જણાયા ન હતા.
આ પણ વાંચો – ચીન-પાકનો પર્દાફાશ: ભારતે UNમાં આતંકવાદી સાજિદ મીરનો AUDIO સંભળાવ્યો
CAG એ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે
2011 માં, CAG એ તેના ઓડિટમાં GTRE પર ભારે ખર્ચ કરવા છતાં, હળવા કોમ્બેટ એરક્રાફ્ટ માટે એન્જિન બનાવવાની નિષ્ફળતા માટે તીવ્ર પ્રશ્નો ઉઠાવ્યા હતા. વર્ષ 2021માં સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, કાવેરી પ્રોજેક્ટ હેઠળ વિકસિત એન્જિન અથવા ટેક્નોલોજીનો ઉપયોગ ડ્રોનમાં થઈ શકે છે.