scorecardresearch
Premium

Manipur Violence : મણિપુરમાં ફરી ભડકી હિંસા, 9 લોકોના મોત, 10 ઇજાગ્રસ્ત

Manipur Violence : તાજેતરની ઘટનાને પગલે ઇમ્ફાલ પૂર્વ જિલ્લા વહીવટીતંત્રે વહેલી સવારે જિલ્લામાં કર્ફ્યુમાં છૂટછાટનો સમયગાળો ઘટાડીને માત્ર ચાર કલાકનો કરી નાખ્યો

Manipur violence
Manipur Violence : મણિપુરમાં ફરી ભડકી હિંસા (Express File Photo by Jimmy Leivon)

Manipur Violence : મણિપુરના કાંગપોકપી જિલ્લાના ઐગીજાંગ ગામમાં મંગળવારે રાત્રે ફાયરિંગ અને આગચંપીની ઘટનાઓ વચ્ચે નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં. છેલ્લા કેટલાક અઠવાડિયામાં રાજ્યમાં હિંસાની ઘટનાઓમાં એક જ ઘટનામાં આ સૌથી મોટી જાનહાનિ છે.

ઇમ્ફાલના પૂર્વના એસપી શિવકાંત સિંહે જણાવ્યું હતું કે આજે સવારે પૂર્વ ઇમ્ફાલના ખમેનલોક વિસ્તારમાં તાજી હિંસામાં નવ લોકો માર્યા ગયા છે અને 10 ઇજાગ્રસ્ત થયા છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે. આસામ રાઇફલ્સ હાલ આ વિસ્તારની સુરક્ષા કરી રહી છે. કોઈ પણ હિંસા ન થાય તે માટે સુરક્ષા દળની હાજરી વધારવામાં આવી છે. તેમણે કહ્યું કે હિંસા બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

પોલીસે જણાવ્યું હતું કે અત્યાધુનિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ ઇમ્ફાલ પૂર્વ જિલ્લા અને કાંગપોકી જિલ્લાની સરહદે આવેલા ખમેનલોક વિસ્તારમાં ગ્રામજનોને ઘેરી લીધા હતા અને હુમલો કર્યો હતો. આ વિસ્તાર મૈતેઇ-પ્રભુત્વ ધરાવતો ઇમ્ફાલ પૂર્વ જિલ્લો અને આદિવાસી બહુમતી ધરાવતો કાંગપોકપી જિલ્લાની સરહદે આવેલ છે. પોલીસે જણાવ્યું હતું કે કુકી આતંકવાદીઓ મૈતેઇ વિસ્તારો નજીક બંકર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે સુરક્ષા દળોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. ઇમ્ફાલ પૂર્વના પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર આ ઘટના મંગળવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે બની હતી.

ઐગીજાંગ એક કુકી ગામ છે. જ્યારે જે નવ મૃતદેહો મળી આવ્યા હતા તે મૈતેઇ પુરુષોના હતા. જેઓ ગામના રહેવાસી ન હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ સ્થાનિક સ્વયંસેવકો હતા. સોમવારથી આ સરહદી વિસ્તારમાં ગોળીબાર અને હિંસા થઈ રહી છે. આ સરહદી વિસ્તારના મૈતેઇ-પ્રભુત્વવાળા ભાગોને બચાવવા માટે નજીકના વિસ્તારોમાંથી મૈતેઇ સૈનિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો – મણિપુરમાં નવો હિંસાનો ભડકોઃ કુકી ગામમાં 3ની ગોળી મારીને હત્યા

પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં સ્થિતિ સતત તણાવપૂર્ણ છે. જેમાં સુરક્ષા કર્મચારીઓ ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. તાજેતરની ઘટનાને પગલે ઇમ્ફાલ પૂર્વ જિલ્લા વહીવટીતંત્રે વહેલી સવારે જિલ્લામાં કર્ફ્યુમાં છૂટછાટનો સમયગાળો ઘટાડીને માત્ર ચાર કલાકનો કરી નાખ્યો હતો. આ પહેલા કર્ફ્યુમાં છૂટછાટનો સમયગાળો સવારે 5 થી સાંજના 6 વાગ્યા સુધીનો હતો, જે હવે સવારના 5 થી 9 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. કર્ફ્યુનો સમય ઇમ્ફાલ અને ઇમ્ફાલ પશ્ચિમ બંને જિલ્લાઓ માટે લાગુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉયુમપોક અને નુનશાંગના બદમાશોએ શાંતિપુર, ખોપીબાંગ અને ખમેનલોક જેવા વિસ્તારોમાં આગચંપીના પ્રયાસો ચાલુ રાખ્યા છે.

પોલીસનું કહેવું છે કે બળવાખોરોના કેટલાક કામચલાઉ બંકરો અને વોચ ટાવરોને ગ્રામજનોએ આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને ભીષણ ગોળીબાર થયો હતો. જે સ્થળે હિંસા થઈ તે સ્થળ મૈતેઈ પ્રભુત્વ ધરાવતા ઈમ્ફાલ પૂર્વ જિલ્લા અને આદિવાસી બહુમતી ધરાવતા કાંગપોકપી જિલ્લાની સરહદ પર આવેલું છે. સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે અહીં અનેક હિંસક ઘટનાઓ બની છે. ખમેનલોકમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Web Title: 9 killed several injured in fresh violence in manipur

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×