Tea Making Mistake: ચા ભાારતમાં એક લોકપ્રિય પીણું છે. ભારતમાં મોટાભાગના લોકો સવારે ચા પીવે છે. ઘણા લોકો ચાની ચુસ્કી લેવાના દિવાના હોય છે. કેટલાક લોકોનો દિવસ તેના વિના શરૂ પણ થતો નથી. સાથે જ કેટલાક લોકો રાત્રે સુવા સુધી ચા પીવામાં પણ પાછળ નથી રહેતા. ઓફિસમાં વારંવાર ચા પીવાની અનેક લોકોની આદત હોય છે. ભારતમાં દરેક સોસાયટીની બહાર કે ચાર રસ્તા પર ચાની કિટલી જોવા મળે છે.
પરંતુ શું તમે જાણો છો કે તમારી ચા તમને બીમાર કરી શકે છે? જો તમે ચા સાથે ભૂલ કરો છો, તો તેની સ્વાસ્થ્ય પર ઝેર જેવી અસર થઇ શકે છે. ન્યૂટ્રિશનિસ્ટ લીમા મહાજને આ વીડિયોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરીને આ અંગે ચેતવણી આપી હતી. આ સાથે જ સાચી રીતે ચા બનાવવાની રેસિપી પણ જણાવી દેવામાં આવી છે. આવો જાણીએ તેના વિશે.
કઇ ભૂલથી ચા ઝેર બની જાય છે?
ન્યુટ્રિશનિસ્ટ લિમા મહાજને જણાવ્યું હતું કે ઘણા લોકો ચા બનાવ્યા પછી વારંવાર ઉકાળે છે. આ ભૂલ તમારી ચાને ઝેર જેવી બનાવી શકે છે. કારણ કે જ્યારે ચાને વારંવાર ઉકાળવામાં આવે છે, ત્યારે આવું કરવાથી ચામાં ઘણી બધી ટેનીન છૂટે છે. આમ તો ટેનિનથી અમુક સ્વાસ્થ્ય લાભ મળે છે. પરંતુ જ્યારે તેનું પ્રમાણ વધારે હોય છે, ત્યારે તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે.
આ સ્વાસ્થ્ય સમસ્યા થવા સંભવ
ચા વારંવાર ઉકાળીને પીવાથી સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી લીવરની સાથે સાથે કિડની અને હૃદય પર પણ ખરાબ અસર પડી શકે છે. એટલું જ નહીં, તમને પેટનું ફૂલવું કે ગેસની સમસ્યા થઈ શકે છે.
ન્યુટ્રિશનિસ્ટ પાસેથ જાણો ચા બનાવવાની સાચી રીત
ન્યુટ્રિશનિસ્ટે કહ્યું કે જો તમે ચા પીવાના શોખીન છો, તો ચાને યોગ્ય રીતે બનાવો. સૌ પ્રથમ એક વાસણમાં પાણી ઉકાળી લો. પછી તેમાં લવિંગ, તજ, વરિયાળી જેવી તમારી મનપસંદ ઔષધિયો ઉમેરો. તેને લગભગ 5 મિનિટ સુધી ઉકળવા દો. ત્યારબાદ એક કપમાં ચા પત્તી નાખો. આ મસાલાવાળું પાણી તેમા રેડો, પછી તેને ઢાંકીને બાજુ પર રાખો. પછી એ જ વાસણમાં થોડું દૂધ અલગથી ઉકાળી લો. ત્યારબાદ તેને ચામાં તમારી પસંદના પ્રમાણમાં મિક્સ કરી લો. જ્યારે તેમાં ફ્લેવર ઉમેરવામાં આવે ત્યારે તેને ગાળીને પીવો.