PM Modi Mukhba Temple Visit: ઉત્તરાખંડનું નાનું પણ ઘણું ખાસ ગામ મુખવા આજકાલ ચર્ચામાં છે. મુખવા ગામને ઋષિ મતંગની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. 6 માર્ચના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ગામની મુલાકાત લીધી હતી. આ જગ્યાને ઘણી રીતે ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
તેને મા ગંગાના શિયાળાના નિવાસસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગંગોત્રી ધામ બરફથી ઢંકાયેલું હોય છે ત્યારે ગંગા માતાની મૂર્તિને મુખવા મંદિરમાં લાવવામાં આવે છે. આ જ કારણ છે કે તેને ગંગા માતાનું પિયર પણ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં મુખવા મંદિર ક્યાં આવેલું છે અને મંદિરનું ધાર્મિક મહત્વ વિશે જાણીએ.
મુખવા ગામ ક્યાં છે?
મુખવા ગામ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં હર્સિલ ખીણ નજીક આવેલું એક સુંદર પહાડી ગામ છે. ગંગા નદીના કિનારે વસેલું આ ગામ પોતાના ધાર્મિક મહત્વને કારણે એક ખાસ ઓળખ ધરાવે છે. તેને મુખીમઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઋષિ મતંગએ અહીં કઠોર તપસ્યા કરી હતી, તેથી તેને તેમની ભૂમિ પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તે સમુદ્રની સપાટીથી લગભગ 8000 ફૂટ ઉપર છે.
મુખવા મંદિર શા માટે પ્રખ્યાત છે?
મુખવા મંદિરને માતા ગંગાનું શિયાળાનું નિવાસસ્થાન કહેવામાં આવે છે. દર વર્ષે શિયાળાની શરૂઆતમાં ગંગોત્રી ધામના દ્વાર બંધ થયા બાદ ગંગા માતાની મૂર્તિને મુખવા લાવવામાં આવે છે. આ દરમિયાન ગામમાં ભક્તોનો જમાવડો જામતો હોય છે અને સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે. અહીં ફરવા માટે દૂર દૂરથી લોકો આવે છે.
આ પણ વાંચો – હવે સોનપ્રયાગથી કેદારનાથ ફક્ત 36 મિનિટમાં પહોંચશે શ્રદ્ધાળુ, મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય
ધાર્મિક માન્યતાઓ
ધાર્મિક માન્યતાઓ અનુસાર મુખવામાં ગંગા માતાની પૂજા કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ મંદિરમાં આવે છે અને શ્રદ્ધા સાથે પ્રાર્થના કરે છે તેમને પારિવારિક સુખ અને સમૃદ્ધિથી આશીર્વાદ મળે છે. ગંગોત્રીના કપાટ બંધ થયા બાદ પણ લોકો અહીં ગંગા આરતી અને વિશેષ પૂજા-અર્ચના કરવા માટે આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે.
મુખવા મંદિર કેવી રીતે પહોંચવું?
સડક માર્ગ દ્વારા – દિલ્હીથી ઋષિકેશ – ઉત્તરકાશી -હર્સિલ થઈને મુખવા પહોંચી શકાય છે. કુલ અંતર લગભગ 480 કિમી છે, જે તમે 12 કલાકમાં કાપી શકો છો.
રેલ અને હવાઈ માર્ગ – સૌથી નજીકનું રેલવે સ્ટેશન અને એરપોર્ટ દહેરાદૂન છે. ત્યાંથી ઋષિકેશ અને પછી સડક માર્ગે મુખવા જઇ શકાય છે.