Monsoon Fever vs Dengue Difference : ચોમાસાનો વરસાદ ગરમીથી રાહત આપવાની સાથે બીમારી પણ લાવે છે. વરસાદન સીઝનમાં બીમારીનો ખતરો પણ વધી જાય છે. વરસાદી પાણી અને ભેજને કારણે પર્યાવરણમાં બેક્ટેરિયા વધવા લાગે છે, જ્યારે સંપર્કમાં આવે છે ત્યારે વ્યક્તિ ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શન અથવા ફ્લૂનો ભોગ બને છે. ઉપરાંત આ સીઝનમાં ડેન્ગ્યૂના કેસ વધે છે. જો કે મોટાભાગે લોકો વરસાદની સીઝનમાં આવતા આવતા સીઝનલ ફિવર છે કે ડેન્ગ્યૂનો તાવ તે વિશે મૂંઝવણમાં હોય છે. ઘણી વખત લોકો ડેન્ગ્યુને વાયરલ ફ્લૂ સમજવાની ભૂલ કરે છે અને ડેન્ગ્યૂ પછી પણ તાવની સામાન્ય દવા લેતા રહે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે.
આ લેખમાં આપણે આવા જ કેટલાક લક્ષણો વિશે જણાવી રહ્યાં છીએ, જેના પર ધ્યાન આપીને તમે સામાન્ય તાવ અને ડેન્ગ્યૂ વચ્ચેનો તફાવત ઓળખી શકો છો, સાથે જ સમયસર યોગ્ય સારવારથી સ્થિતિને ગંભીર થતી અટકાવી શકો છો. ચાલો જાણીએ વિગતવાર
શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ?
ગુરુગ્રામની ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કન્સલ્ટન્ટ-ચેપી રોગો ડો.નેહા રસ્તોગી પાંડાએ આ મામલે ફાઇનાન્સિયલ એક્સપ્રેસ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે, ચોમાસાના સીઝનલ તાવ અને ડેન્ગ્યૂ બંનેના સંપર્કમાં આવવાથી વ્યક્તિ શરીરમાં દુખાવો, થાક અથવા નબળાઇ અનુભવે છે. જો કે આ ઉપરાંત કેટલાક લક્ષણો પર ધ્યાન આપીને તમે બંને તાવ વચ્ચેનો તફાવત ઓળખી શકો છો.

સામાન્ય તાવના લક્ષણ
ડો.પાંડા જણાવે છે, ચોમાસાનો સીઝનલ તાવ સામાન્ય રીતે 5થી 7 દિવસ સુધી રહે છે. ખાસ કરીને નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો ઝડપથી તાવનો ભોગ બને છે. વળી, આ સ્થિતિમાં તેમને શરદી, ખાંસી, ગળામાં દુખાવો કે થાક જેવી સમસ્યાઓ પણ થાય છે. જો કે, યોગ્ય દવા અને આરામ પછી આ લક્ષણો એક અઠવાડિયામાં તેમની જાતે જ દૂર થઇ જાય છે.
ડેન્ગ્યૂ તાવના લક્ષણ
ડેન્ગ્યૂના લક્ષણો વિશે વાત કરતા ડો.પાંડા સમજાવે છે, ડેન્ગ્યૂ થાય ત્યારે તીવ્ર તાવ આવે છે, સામાન્ય રીતે 104 ડિગ્રી સુધી તાવ પહોંચી જાય છે. ડેન્ગ્યૂમાં સામાન્ય રીતે ખાંસી, નાક વહેવી અને પાતળા મળ જોવા મળતા નથી, આ સિવાય માથા અને સાંધામાં તીવ્ર દુખાવો, ઉલટી, ગ્રંથિઓમાં સોજો અથવા શૌચ અને ઉલ્ટી સાથે લોહી જેવી સમસ્ય જોવા મળે છે. ઉપરાંત જ્યારે પીડિતાને ડેન્ગ્યૂની અસર થાય છે ત્યારે તેના લોહીમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં 2 થી 3 દિવસ બાદ સ્થિતિ વધુ ગંભીર બને છે.
આ પણ વાંચો | શું તમારા ખાદ્ય તેલમાં ઝેર છે? અમેરિકામાં ભારતીયોના મનપસંદ તેલ પર પ્રતિબંધ, જાણો કારણ
આ રીતે કેટલાક સામાન્ય લક્ષણો પર ધ્યાન આપીને તમે ડેન્ગ્યૂ અને સામાન્ય તાવ વચ્ચેનો તફાવત ઓળખી શકો છો.
(Disclaimer: આ લેખમાં આપેલી સલાહ અને સૂચન સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.)