ભારતીય રેલ્વે (Indian Railways) એ લોકોની મુસાફરીને અનુકૂળ અને આરામદાયક બનાવવા માટે ઘણી સેવાઓ લાગુ કરી છે. ટિકિટ બુકિંગ (Train Ticket booking) થી લઈને ટિકિટ ટ્રાન્સફર (Train ticket transfer rules) સુધીના નિયમો રેલવે દ્વારા બનાવવામાં આવ્યા છે. જો તમારી પાસે કન્ફર્મ ટ્રેન ટિકિટ છે, પરંતુ તમે કોઈ કારણસર મુસાફરી કરી શકતા નથી, તો તમે તમારી ટિકિટ તમારા પરિવારના કોઈ અન્ય સભ્યને આપી શકો છો. ભારતીય રેલ્વેની વેબસાઈટ (irctc) અનુસાર, પરિવારના સભ્યો સાથે ટિકિટ ટ્રાન્સફર કરી શકાય છે.
જો તમારી પાસે કન્ફર્મ ટિકિટ છે, તો તમે મુસાફરીના 24 કલાક પહેલા ટિકિટ ટ્રાન્સફરની વિનંતી કરી શકો છો. આ પછી, ટિકિટ પર પેસેન્જરનું નામ કાપી નાખવામાં આવે છે અને જે સભ્યના નામે ટિકિટ ટ્રાન્સફર કરવામાં આવી છે તેનું નામ મૂકવામાં આવે છે. રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર અનુસાર, ટિકિટ માત્ર એક જ વાર ટ્રાન્સફર કરી શકાય છે. એટલે કે એક વખત ટિકિટ અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર થઈ ગયા પછી તેને ફરીથી ટ્રાન્સફર કરી શકાશે નહીં.
ટિકિટ કેવી રીતે ટ્રાન્સફર કરવી?
સૌથી પહેલા ટિકિટની પ્રિન્ટ આઉટ લો.
હવે ટ્રાન્સફર કરાવવા માટે નજીકના રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પર જાઓ.
જે વ્યક્તિના નામે ટિકિટ ટ્રાન્સફર કરવાની હોય તેનો આઈડી પ્રૂફ જેમ કે આધાર અથવા વોટિંગ આઈડી કાર્ડ સાથે રાખવાનું રહેશે.
હવે કાઉન્ટર પર ટિકિટ ટ્રાન્સફર માટે અરજી કરો.
આ પછી તમારી ટિકિટ ટ્રાન્સફર થઈ જશે.
ટિકિટનું ટ્રાન્સફર ઓનલાઈન અને ઓફલાઈન બંને શક્ય છે
રેલ્વે અનુસાર, ટ્રેન ટિકિટનું ઓનલાઈન અને ઓફલાઈન ટ્રાન્સફર શક્ય છે. કોઈપણ જે ટ્રેનની ટિકિટ ટ્રાન્સફર કરવા માંગે છે તેણે સ્ટેશન મેનેજર/ચીફ રિઝર્વેશન સુપરવાઈઝરનો સંપર્ક કરવો પડશે અને અરજી સબમિટ કરવી પડશે. આ સાથે દસ્તાવેજોની ફોટોકોપી પણ આપવાની રહેશે.
પરિવારમાં કોની સાથે ટિકિટ શેર કરી શકાય છે
ટ્રેન મુસાફરો કોઈપણ ટિકિટ ટ્રાન્સફર માટે રેલવે સ્ટેશનની મુલાકાત લઈને વિનંતી કરી શકે છે. ટ્રેન ટિકિટ ટ્રાન્સફર પરિવારના કોઈપણ સભ્ય જેમ કે પિતા, માતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પતિ અને પત્નીના નામે કરી શકાય છે. જો કે, આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, મુસાફરોએ 24 કલાક અગાઉ વિનંતી કરવી પડશે. પ્રસ્થાન પછી અથવા ટ્રેન ઉપડ્યાના 24 કલાકની અંદર વિનંતીઓ સ્વીકારી શકાતી નથી.