Happy New Year 2025 : નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં બધાએ નવા વર્ષ 2025 ની ઉજવણીની તૈયારી શરૂ કરી દીધી છે. લોકો પોતાની રીતે અલગ અલગ રીતે નવા વર્ષને આવકારે છે. આ માટે જ્યાં કેટલાક લોકો ટ્રિપ પ્લાન કરે છે, પહાડો અને સુંદર જગ્યાઓ પર ફરવા નીકળે છે. કેટલાક પરિવાર સાથે હાઉસ પાર્ટી કરે છે, ક્લબ કે ડિસ્કોમાં પણ ઘણા લોકો જાય છે.
હવે તમે આ બધી રીતથી વાકેફ હશો, તમે નવા વર્ષની ઉજવણી માટે આમાંથી કોઈ એક પદ્ધતિ પણ અપનાવી શકો છો. જો કે આ સિવાય પણ કેટલાક દેશ એવા પણ છે જ્યાં નવા વર્ષ પર ઘણી વિચિત્ર પરંપરાઓ જોવા મળે છે. અહીં અમે તમને આવી જ કેટલીક પરંપરાઓ વિશે જણાવી રહ્યા છીએ.
અડધી રાત્રે ખાય છે 12 દ્રાક્ષ
સ્પેનમાં આ પરંપરાનું પાલન થાય છે. અહીંના લોકો 31 ડિસેમ્બરની રાત્રે 12 વાગ્યે 12 દ્રાક્ષ ખાય છે. અડધી રાત્રે ઘંટડીઓ વગાડવામાં આવે છે અને ઘંટડીના દરેક અવાજ પર દ્રાક્ષ ખાવામાં આવે છે. સ્પેનના લોકો માને છે કે નવા વર્ષે આ પરંપરાને અનુસરીને તમારું વર્ષ સારું રહે છે.
બારીમાંથી ફેંકે છે ફર્નિચર
ઇટાલીમાં નવા વર્ષના દિવસે એક અનોખી પરંપરા જોવા મળે છે. અહીંના લોકો નવા વર્ષના દિવસે તેમના ઘરની બારીઓ અને બાલ્કનીમાંથી જૂનું ફર્નિચર ફેંકી દે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તેઓ પોતાના ઘર અને જીવનમાંથી જૂની અને ખરાબ વસ્તુઓને દૂર કરી રહ્યા છે અને નવી રીતે સારી વસ્તુઓની શરૂઆત કરી રહ્યા છે.
આ પણ વાંચો – વજન ઘટાડવા માંગતા લોકો પણ ખાઇ શકે છે ખીર, જાણી લો તેને બનાવવાવી રીત
મિત્રોના દરવાજા પર પ્લેટો તોડે છે
ડેન્માર્કના લોકો નવા વર્ષની પૂર્વસંધ્યાએ પ્લેટો અને ચમચી ફેંકીને તેમના મિત્રો અને પડોશીઓના દરવાજા તોડી નાખે છે. આ પરંપરાનું પાલન કરનારા લોકોનું માનવું છે કે બીજા દિવસે સવારે દરવાજા પર જેટલા વધુ તૂટેલા વાસણ જોવા મળે છે, તેટલું જ વર્ષ વધુ ખાસ અને સારું રહેવાનું છે.
ફર્સ્ટ ફુટિંગ
સ્કોટલેન્ડના લોકો નવા વર્ષ પર કોઈના આવવાની રાહ જુએ છે. આ પરંપરાને ફર્સ્ટ ફૂટિંગ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે 31 ડિસેમ્બરની રાત્રે 12 વાગ્યા પછી તમારા ઘરે આવનાર પ્રથમ વ્યક્તિ તમારા માટે સૌભાગ્ય લઈને આવે છે.
સમુદ્રના ઊંચા મોજાઓ પર કૂદવું
બ્રાઝીલમાં 31 ડિસેમ્બરની રાત્રે લોકો સફેદ કપડાં પહેરીને બીચ પર એકઠા થાય છે અને સમુદ્રના ઉંચા-ઉંચા મોજા પર કૂદે છે. અહીં આમ કરવું સારા સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.
સૂટકેસ લઇને દોડવું
આ બધા ઉપરાંત કોલંબિયાના લોકો પણ ખૂબ જ રસપ્રદ રીતે નવા વર્ષની ઉજવણી કરે છે. અહીંના લોકો નવા વર્ષ પહેલા સૂટકેસ સાથે રસ્તા પર દોડે છે. કોલંબિયાના લોકોને ફરવાનો ખૂબ શોખ છે. સાથે જ માનવામાં આવી રહ્યું છે કે સૂટકેસ સાથે દોડવાથી તેમને નવા વર્ષે ફરવાની અને સારી જગ્યા પર યાત્રા કરવાની વધુ તક મળશે.