Eggs are Eaten in Summer : મે મહિનો છે અને ગરમી હવે પૂરજોશમાં છે. આ સિઝનમાં ખૂબ જ ગરમી હોય છે અને આપણને પરસેવો પણ ખુબ થાય છે, આવી સ્થિતિમાં આપણે પ્રવાહી અને ઠંડી તાસીરના ખોરાકનું સેવન કરવાનું પસંદ કરીએ છીએ. ઉનાળામાં લોકોને તેમના આહારમાં અમુક ખોરાક લેવા વિશે વારંવાર પ્રશ્નો થતા હોય છે. એગ એ એક સુપરફૂડ છે, જેને વેજ અને નોન-વેજ લોકો બંને ખાય છે.
મોટાભાગના લોકો શિયાળામાં ઈંડાનું સેવન કરે છે. એવું માનવામાં આવે છે કે, ઈંડામાં ગરમીની તાસીર હોય છે અને શિયાળામાં તેનું સેવન શરીરને ગરમ રાખે છે. મોટાભાગના લોકો ઉનાળામાં ઈંડાનું સેવન કરવાનું ટાળે છે. લોકોનું માનવું છે કે, ઈંડાની ગરમ તાસીર ઉનાળામાં શરીરની ગરમી વધારે છે. ઈંડાના સેવનથી ઉનાળામાં શરીરનું તાપમાન તો વધે જ છે પરંતુ, પેટ સંબંધિત સમસ્યાઓ પણ વધે છે.
ઇંડા એક સુપરફૂડ છે, જે શરીર માટે જરૂરી પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વોથી ભરપૂર છે. પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં લોકો ઉનાળામાં તેનું સેવન કરવાનું ટાળે છે.
ન્યુટ્રિશનિસ્ટ અને કન્ટેન્ટ ક્રિએટર અમિતા ગદ્રે માને છે કે, ઉનાળામાં ઈંડા ખાવા જોઈએ. પરંતુ તમારે ફક્ત એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે, ઈંડા ખાધા પછી તમને કેવું લાગે છે. નિષ્ણાતોના મતે ઉનાળામાં લોકો જે સૌથી મોટી ભૂલ કરે છે તે છે ઓછું પાણી પીવું અને ફાઈબરથી ભરપૂર ખોરાક ઓછો લેવો. તો ચાલો જાણીએ કે, શું ખરેખર ઉનાળામાં ઈંડાનું સેવન ન કરવું જોઈએ?
ઉનાળામાં ઈંડાનું સેવન કરવું જોઈએ કે નહીં?
કન્સલ્ટન્ટ ડાયેટિશિયન અને સર્ટિફાઇડ ડાયાબિટીસ એજ્યુકેટર કનિકા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ઇંડામાં પોષક શક્તિ છે અને ઉનાળામાં પણ શરીરને તેનો ફાયદો થાય છે. નિષ્ણાતોએ જણાવ્યું કે, ઉનાળામાં પણ ઈંડાનું સેવન કરવાથી તમારા શરીરને ઘણા ફાયદા થાય છે. પાલક, મરચાં અને ડુંગળી જેવાં સમારેલાં શાકભાજી વડે તૈયાર કરાયેલું ઈંડા એ એક ઝડપી ભોજન છે જેનાથી આપણે ઘણી વાર દિવસની શરૂઆત કરીએ છીએ. નાસ્તામાં ઈંડાનું સેવન કરવાથી શરીરને પ્રોટીન અને વિટામિન મળે છે.
નિષ્ણાંતોના મતે એ ખોટી માન્યતા છે કે, ઈંડા ઉનાળામાં શરીરને ગરમ કરે છે. ઈંડામાં પ્રોટીન હોય છે, જે શરીર ઉર્જા માટે બર્ન કરે છે. તેનું સેવન કરવાથી શરીરનું તાપમાન વધતું નથી. ઈંડાનો સ્વભાવ ગરમ કે ઠંડો નથી હોતો, પરંતુ તેનું તાપમાન તેના પર નિર્ભર કરે છે, કે તમે તેને કેવી રીતે સ્ટોર કરો છો.
શા માટે આહારમાં ઇંડાનો સમાવેશ કરવો જોઈએ?
ઇંડા શરીરને હાઇડ્રેટ કરે છે અને ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરે છે. લોક માન્યતાથી વિપરીત, ઇંડા શરીરમાં ગરમી પેદા કરતું નથી. તે સોડિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સનો સારો સ્ત્રોત છે, જે પ્રવાહી સંતુલન જાળવવા માટે જરૂરી છે, ખાસ કરીને ત્યારે જ્યારે ગરમ હવામાનમાં વધુ પડતો પરસેવો થતો હોય છે.
ઉનાળામાં ખૂબ જ થાક લાગે છે, તેથી ઈંડાનું સેવન કરવાથી એનર્જી લેવલ વધે છે. ઇંડા પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, જેમાં તમામ આવશ્યક એમિનો એસિડ હોય છે. આ પ્રોટીન પેશીઓના નિર્માણ અને સમારકામમાં મદદ કરે છે, ભૂખને દબાવી દે છે અને સમગ્ર દિવસ દરમિયાન ઊર્જા સ્તરમાં સુધારો કરે છે.
ઇંડામાં વિટામિન એ, વિટામિન ડી, વિટામિન બી12 અને આયર્ન જેવા આવશ્યક વિટામિન્સ અને ખનિજો હોય છે. આ તમામ પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ઉનાળામાં સામાન્ય ચેપ સામે લડવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ મહત્વપૂર્ણ છે.
ઇંડામાં લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા એન્ટીઓક્સીડેન્ટ ગુણો ભરપૂર હોય છે, જે તમારી આંખોને સૂર્યના હાનિકારક કિરણોથી થતા નુકસાનથી બચાવે છે. આ એન્ટીઑકિસડન્ટ વય સંબંધિત આંખની સમસ્યાઓને અટકાવે છે.