આદુના લાડુની રેસીપી (Healthy and Delicious Ginger Ladoo Recipe) | ચોમાસા (monsoon) ની ઋતુ તેના આગમન સાથે ઠંડો પવન, ઝરમર વરસાદ અને પ્રકૃતિની હરિયાળી લઈને આવે છે. આ વાતાવરણમાં ગરમાગરમ ચા અને કોઈ પૌષ્ટિક નાસ્તો મળી જાય તો મજા પડી જાય. આવા સમયે, આદુના લાડુ એક ઉત્તમ વિકલ્પ છે. આદુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, ખાસ કરીને ચોમાસામાં થતી શરદી, ખાંસી અને ગળાના દુખાવામાં તે રાહત આપે છે. તો ચાલો, આજે આપણે આદુના લાડુની રેસીપી (Ginger Ladoo Recipe In gujarati) સરળ રીત અને તેના ફાયદા જાણો
આદુના લાડુ રેસીપી (Ginger Laddu Recipe In Gujarati)
આદુના લાડુ બનાવવા માટે જરૂરી સામગ્રી
- 250 ગ્રામ તાજુ આદુ (છાલ કાઢી, ધોઈને છીણી લો)
- 200 ગ્રામ ગોળ (છીણેલો અથવા નાના ટુકડા કરેલો)
- 4-5 ચમચી ઘી
- 1 ચમચી સૂંઠ પાવડર (વૈકલ્પિક, જો વધુ તીખો સ્વાદ જોઈતો હોય તો)
- 1/2 ચમચી ગંઠોડા પાવડર (વૈકલ્પિક, પૌષ્ટિકતા વધારવા માટે)
- 2 ચમચી ખસખસ (સજાવટ માટે)
- 2-3 ચમચી ડ્રાયફ્રુટ્સ: (કાજુ, બદામ, પિસ્તાના ટુકડા)
આદુના લાડુ રેસીપી (Ginger Laddu Recipe In Gujarati)
- સૌ પ્રથમ, છીણેલા આદુને એક કડાઈમાં ધીમા તાપે 4-5 મિનિટ સુધી શેકી લો. આદુમાં રહેલું પાણી સુકાઈ જાય અને તે થોડું સોનેરી થાય ત્યાં સુધી શેકવું. આનાથી લાડુ લાંબા સમય સુધી સારા રહેશે અને તેનો સ્વાદ પણ વધુ સારો આવશે.
- હવે એ જ કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલો ગોળ ઉમેરો. ગોળને ધીમા તાપે હલાવતા રહો જેથી તે પીગળી જાય અને કોઈ ગઠ્ઠા ન રહે. ગોળને વધુ પડતો ન પકાવો, નહીંતર લાડુ કડક બનશે.
- ગોળ પીગળી જાય અને એકરસ થઈ જાય એટલે તેમાં શેકેલું આદુ ઉમેરો. જો તમે સૂંઠ અને ગંઠોડા પાવડર ઉમેરવાના હો તો આ સમયે ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. ડ્રાયફ્રુટ્સ ઉમેરવાના હોય તો તે પણ આ સમયે ઉમેરી શકો છો.
- બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો. મિશ્રણને થોડું ઠંડુ થવા દો, જેથી હાથથી પકડી શકાય તેવું ગરમ રહે.
- જ્યારે મિશ્રણ હૂંફાળું હોય, ત્યારે હાથને ઘી કે પાણીથી સહેજ ભીના કરી, નાના-નાના લાડુ વાળી લો. લાડુ વાળ્યા પછી તેને ખસખસમાં રગદોળી શકો છો જેથી તે દેખાવમાં સુંદર લાગે.
- લાડુને એક પ્લેટમાં કાઢી ઠંડા થવા દો. ઠંડા થયા પછી હવાબંધ ડબ્બામાં ભરી લો. આ લાડુ 10 દિવસ સુધી સારા રહે છે.
સવારે ખાલી પેટ ફણગાવેલા મગ કેમ ખાવા? ફાયદાની યાદી
ચોમાસામાં આદુના લાડુના ફાયદા (Benefits of Ginger Laddu in Monsoon)
- શરદી-ખાંસીમાં રાહત: આદુમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે જે શરદી, ખાંસી અને ગળાના દુખાવામાં રાહત આપે છે.
- પાચન સુધારે: આદુ પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે અને અપચા જેવી સમસ્યાઓ દૂર કરે છે.
- રોગપ્રતિકારક શક્તિ વધારે: આદુ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જે ચોમાસામાં થતા ચેપથી બચાવે છે.
- શરીરને ગરમ રાખે: આદુની તાસીર ગરમ હોવાથી તે ચોમાસાની ઠંડીમાં શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.
- એનર્જી પ્રદાન કરે: ગોળ અને આદુનું મિશ્રણ શરીરને તત્કાળ ઊર્જા પ્રદાન કરે છે.