Caffeine Harmful Effects: શું તમને પણ સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ ચા કે કોફી પીવાની આદત છે? જો હા, તો આજે જ તમારી આ આદત બદલો. સવારે ખાલી પેટ ચા કે કોફીનું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. નિષ્ણાતોના મતે, સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે ચા કે કોફી પીવાની આદત તમારા શરીરને ફાયદા કરતાં વધુ નુકસાન કરી શકે છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં ન્યુટ્રિશનિસ્ટ અને ન્યુટ્રાસી લાઈફસ્ટાઈલના સીઈઓ ડો. રોહિણી પાટીલ કહે છે કે, સવારે ખાલી પેટ ચા પીવી ખૂબ જ સુખદ હોઈ શકે છે, પરંતુ દરરોજ સવારે ખાલી પેટ તેને પીવાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે. તેનું સેવન કરવાથી પેટમાં એસિડ ટ્રિગર થઈ શકે છે અને પાચનક્રિયા ખરાબ થઈ શકે છે. ચાલો જાણીએ કે, આયુર્વેદ મુજબ સવારે ખાલી પેટે ચા કે કોફીનું સેવન કેમ ન કરવું જોઈએ.
સવારે ખાલી પેટે ચા કે કોફી સ્વાસ્થ્યને કેવી રીતે બગાડે છે
નિષ્ણાતોના મતે, સવારે ખાલી પેટ ચા પીવાથી તમારા મોંમાંથી આંતરડા સુધીના બેક્ટેરિયાને અસર થઈ શકે છે. ખાલી પેટ ચા/કોફીનું સેવન તમારા મેટાબોલિઝ્મને પણ અસર કરે છે. તેનાથી અપચો અને હાર્ટબર્ન થાય છે. ન્યુટ્રિશનિસ્ટ ડો. કરિશ્મા શાહે જણાવ્યું કે, કેફીનની પ્રકૃતિ મૂત્રવર્ધક છે, જેના કારણે શરીરમાં ડીહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. નિષ્ણાતોના મતે સવારે ચા કે કોફી પીતા પહેલા એક ગ્લાસ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
હાર્ટબર્ન અને અલ્સર અગવડતા લાવી શકે છે
ડૉ. ગરિમા ગોયલે, ડાયેટિશિયન ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું છે કે, ચા અને કોફીમાં અનુક્રમે 4 અને 5 નું pH મૂલ્ય હોય છે, જેના કારણે તે એસિડિટીનું કારણ બની શકે છે. આ પીણું લેતા પહેલા સામાન્ય તાપમાનનું પાણી પીવો. સવારે ખાલી પેટે સામાન્ય પાણી પીવાથી એસિડ કંટ્રોલ જળવાઈ રહે છે. લાંબા સમય સુધી સવારે ખાલી પેટ ચા કે કોફીનું સેવન કરવાથી હાર્ટબર્ન અને અલ્સરની પરેશાની થઈ શકે છે.
ડિહાઈડ્રેશન જોખમ ઓછું થાય છે
ફોર્ટિસ હોસ્પિટલ વસંત કુંજના ચીફ ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. રૂચિકા જૈને જણાવ્યું કે, સવારે સૌથી પહેલા પાણી પીવું સૌથી જરૂરી છે. રાત્રે પછી સવારે ખાલી પેટ પાણી પીવાથી ડિહાઇડ્રેશનનું જોખમ ઓછું થાય છે.
એસિડિટી અને માથાનો દુખાવોની સમસ્યાથી મેળવો છુટકારો
સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને એસિડિટીથી પણ છુટકારો મળે છે. માથાનો દુખાવોની સમસ્યા પણ દૂર થાય છે. ખાલી પેટ પાણી પીવાથી આંતરડા સાફ થાય છે અને મળ પસાર થવામાં મદદ મળે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે સવારે ખાલી પેટ પાણી પીવું જોઈએ.