Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાત સહિત દેશની રાજધાની દિલ્હીમાં શિયાળાની અસર દેખાવા લાગી છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે પહાડોમાં ચાલી રહેલી કોલ્ડવેવને કારણે ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે. જમ્મુ કાશ્મીર સહિતના પહાડી વિસ્તારોમાં બરફ પડવાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી રહી છે. જેના પગલે ગુજરાતમાં પણ ઠંડી વધવા લાગી છે. રવિવારે ઠંડીનો ચમકારો રહ્યો હતો. ગુજરાતમાં 10.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે અદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
નલિયા બન્યું ઠંડુગાર
હવામાન વિભાગ દ્વારા આપેલા આંકડા પ્રમાણે રવિવારે ગુજરાતમાં 10.6 ડિગ્રીથી 21.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન સુધી નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 17.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયા 10.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 21.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
રવિવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 29.3 | 17.4 |
| ડીસા | 30.4 | 12.6 |
| ગાંધીનગર | 29.0 | 16.0 |
| વલ્લભ વિદ્યાનગર | 28.9 | 15.8 |
| વડોદરા | 31.8 | 14.8 |
| સુરત | 32.6 | 17.6 |
| વલસાડ | 34.0 | 18.8 |
| દમણ | 31.4 | 16.8 |
| ભુજ | 31.4 | 13.9 |
| નલિયા | 30.2 | 10.6 |
| કંડલા પોર્ટ | 29.0 | 17.0 |
| કંડલા એરપોર્ટ | 30.5 | 13.8 |
| ભાવનગર | 29.7 | 16.8 |
| દ્વારકા | 30.2 | 18.4 |
| ઓખા | 28.0 | 21.7 |
| પોરબંદર | 34.2 | 16.5 |
| રાજકોટ | 31.7 | 14.4 |
| વેરાવળ | 35.0 | 19.5 |
| દીવ | 32.5 | 18.5 |
| સુરેન્દ્રનગર | 31.8 | 16.0 |
| મહુવા | 32.4 | 16.5 |
ઉત્તર ભારતમાં કેવું છે હવામાન?
આ દિવસોમાં દિલ્હી-એનસીઆર, યુપી-બિહારથી જમ્મુ અને કાશ્મીર સુધી ઠંડીનું વાતાવરણ ચાલુ છે. પહાડો પર હિમવર્ષાથી ઠંડીમાં વધુ વધારો થયો છે. સવારે ગાઢ ધુમ્મસ છે. IMDએ 25 થી 28 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. IMDએ જણાવ્યું કે 29 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી હળવું ધુમ્મસ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે. દરમિયાન, હવામાન વિભાગે પંજાબ અને હરિયાણામાં ધુમ્મસને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ બે રાજ્યો ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ છવાયેલો રહી શકે છે.
કેવું રહેશે ઉત્તર પ્રદેશનું હવામાન?
હવે ઉત્તર પ્રદેશમાં શિયાળાની સાથે સાથે ધુમ્મસ પણ તબાહી મચાવી રહ્યું છે. 25 ડિસેમ્બરે રાજધાની લખનૌ, મેરઠ, કાનપુર, ગાઝીપુર, બલિયા સહિત ઘણા વિસ્તારોમાં ધુમ્મસ છે, જ્યારે બારાબંકી અને અયોધ્યામાં ગાઢ ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, યુપીમાં આજે હવામાન શુષ્ક રહેવાની ધારણા છે, પરંતુ ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ ધુમ્મસની અપેક્ષા છે.
આ ઉપરાંત, પશ્ચિમ યુપીમાં એક અથવા બે સ્થળોએ ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે, જ્યારે પૂર્વ યુપીના ભાગોમાં કેટલાક સ્થળોએ ગાઢ ધુમ્મસની ચેતવણી છે. હવામાન વિભાગે 26, 27 અને 28 ડિસેમ્બરે કેટલાક વિસ્તારોમાં ઠંડીની સાથે ધુમ્મસની સંભાવના પણ વ્યક્ત કરી છે. આવું જ હવામાન 30 ડિસેમ્બર સુધી ચાલુ રહેવાની ધારણા છે.