Gujarat Weather updates, IMD winter forecast : ડિસેમ્બર મહિનો ઝડપથી પસાર થઈ રહ્યો છે અને ગુજરાત સહિત દેશની રાજધાની દિલ્હીમાં શિયાળાની અસર દેખાવા લાગી છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે પહાડોમાં ચાલી રહેલી કોલ્ડવેવને કારણે ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે. જમ્મુ કાશ્મીર સહિતના પહાડી વિસ્તારોમાં બરફ પડવાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી રહી છે. જેના પગલે ગુજરાતમાં પણ ઠંડી વધવા લાગી છે. મંગળવારે ઠંડીનો ચમકારો રહ્યો હતો. ગુજરાતમાં 11.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે અદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આ ઉપરાંત માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી નીચે ગગડતા બરફની ચાદર છવાઈ હતી.
મંગળવારે ગુજરાતમાં ક્યાં કેવી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 26.2 | 15.5 |
| ડીસા | 27.5 | 12.8 |
| ગાંધીનગર | 26.0 | 14.0 |
| વલ્લભ વિદ્યાનગર | 27.5 | 15.0 |
| વડોદરા | 27.0 | 14.6 |
| સુરત | 28.2 | 20.8 |
| વલસાડ | 32.6 | 19.8 |
| દમણ | 31.2 | 19.2 |
| ભુજ | 27.0 | 14.6 |
| નલિયા | 27.4 | 11.8 |
| કંડલા પોર્ટ | 29.4 | 16.6 |
| કંડલા એરપોર્ટ | 28.2 | 12.4 |
| ભાવનગર | 28.3 | 16.0 |
| દ્વારકા | 27.0 | 19.5 |
| ઓખા | 25.7 | 21.8 |
| પોરબંદર | 29.0 | 19.5 |
| રાજકોટ | 28.7 | 15.4 |
| વેરાવળ | 30.6 | 20.3 |
| દીવ | 29.0 | 20.6 |
| સુરેન્દ્રનગર | 27.7 | 14.8 |
| મહુવા | 27.8 | 18.3 |
માઉન્ટ આબુમાં જામ્યો બરફ
હાલમાં હવામાન વિભાગે માહિતી શેર કરી છે કે દિલ્હીમાં ઠંડીનું પ્રમાણ વધુ વધી શકે છે. દિલ્હીના પડોશી રાજ્યો યુપી, હરિયાણા અને રાજસ્થાનમાં પણ ઠંડીની અસર વધી રહી છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં મંગળવારે સતત ત્રીજા દિવસે લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. મળતી માહિતી મુજબ, માઉન્ટ આબુમાં ઘાસ, ફૂલો, પાંદડા અને વાહનોના વિન્ડશિલ્ડ પર બરફના થર જોવા મળ્યા હતા.
રાજસ્થાનના અન્ય વિસ્તારોની શું સ્થિતિ છે?
જો રાજસ્થાનના અન્ય કેટલાક વિસ્તારોમાં હવામાનની સ્થિતિ વિશે વાત કરીએ તો તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. મંગળવારે સવારે સીકરના ફતેહપુરમાં તાપમાન 1.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ચુરુમાં 4.8 ડિગ્રી સેલ્સિયસ, સીકરમાં 5.5 ડિગ્રી સેલ્સિયસ, પિલાની અને ભીલવાડામાં 6.4 ડિગ્રી સેલ્સિયસ, વનસ્થલીમાં 7.7 ડિગ્રી સેલ્સિયસ, ડાબોક (ઉદયપુર)માં 7.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જયપુર હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન, બારાનના આંટામાં 8.2 ડિગ્રી સેલ્સિયસ, ચિત્તોડગઢમાં 8.4 ડિગ્રી સેલ્સિયસ, અલવરમાં 9.2 ડિગ્રી સેલ્સિયસ અને રાજધાની જયપુરમાં 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
કેવી છે દિલ્હીની સ્થિતિ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી અને એનસીઆરના કેટલાક ભાગોમાં શીત લહેર ચાલી રહી છે કારણ કે સોમવારે સવારે દિલ્હીના લોધી રોડ પર લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં તાપમાન સતત ઘટી રહ્યું છે અને શિયાળાની અસર વધી રહી છે. IMD એ દિલ્હીના સફદરજંગ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 7.1 ડિગ્રી નોંધ્યું હતું, જે વર્ષના આ સમય માટે સામાન્ય કરતા 1 ડિગ્રી ઓછું છે. આ અઠવાડિયે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી 8 ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા છે, શુક્રવારે 22મી ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી રહેવાની ધારણા છે.