Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં બે દિવસ ભારે વરસાદી માહોલ જામ્યો હતો. જોકે હવે તે ધીમો પડી ગયો છે. મંગળવારને 29 જુલાઇના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડના કપરાડામાં 1.34 ઇંચ વરસાદ વરસ્યો છે.
5 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં મંગળવારને 29 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડામાં 1.34 ઇંચ, વઘઇમાં 1.22 ઇંચ, ખેરગામમાં 1.18 ઇંચ, ડાંગ-આહવા અને શુબીરમાં 1.06 ઇંચ વરસાદ વરસ્યો છે. ફક્ત પાંચ તાલુકામાં જ એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 90 તાલુકામાં 1 થી લઇને 24 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 અને 31મી જુલાઇએ રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ હળવા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. આગામી ચાર દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે 40થી 45 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાવાની આગાહી છે.
આ પણ વાંચો – 103 દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’: સાયબર ગુનેગારોએ ગાંધીનગરના ડૉક્ટરના ₹.19.24 કરોડ લૂટી લીધા
રાજ્યમાં સિઝનનો કુલ 62.44 ટકા વરસાદ
29 જુલાઇ સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 62.44 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.17 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.60 ટકા, સૌરાષ્ટ્રમાં 55.01 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 65.70 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી નો હાલનો પાણીનો સંગ્રહ 220408 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 65.97% જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 361778 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 64.82% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 30 છે. 51 ડેમ હાઇએલર્ટ પર અને 23 ડેમ એલર્ટ પર છે.