Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં આજે બુધવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી હતી. આ સાથે જ રાજ્યભરમાં કડકડતી ઠંડીનો ચમકારો પણ અનુભવાયો હતો. ધીમે ધીમે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે ત્યારે મંગળવારે રાજ્યભરમાં તાપમાન ગગડ્યું હતું. નલિયામાં તાપમાન 10 ડિગ્રીની નીચે આવીને લઘુત્તમ તાપમાન 9 ડિગ્રીએ પહોંચ્યું હતું.આમ નલિયા મંગળવારે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.
નલિયામાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે ગગડ્યો
હવામાન વિભાગ દ્વારા આપેલા આંકડા પ્રમાણે રવિવારે ગુજરાતમાં 9 ડિગ્રીથી 19.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન સુધી નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 15.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયા9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે બુધવારે વહેલી સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેના પગલે ઝીરો વિઝિબિલિટી હોવાના કારણ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી હતી.
મંગળવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 30.3 | 15.5 |
| ડીસા | 30.5 | 13.6 |
| ગાંધીનગર | 29.4 | 14.2 |
| વલ્લભ વિદ્યાનગર | 29.1 | 16.0 |
| વડોદરા | 32.0 | 15.6 |
| સુરત | 32.4 | 17.8 |
| વલસાડ | 33.4 | 17.8 |
| દમણ | 31.0 | 16.4 |
| ભુજ | 32.1 | 14.6 |
| નલિયા | 29.6 | 09.0 |
| કંડલા પોર્ટ | 31.6 | 16.3 |
| કંડલા એરપોર્ટ | 29.8 | 13.4 |
| ભાવનગર | 29.6 | 17.8 |
| દ્વારકા | 27.0 | 17.6 |
| ઓખા | 29.0 | 19.7 |
| પોરબંદર | 32.4 | 15.5 |
| રાજકોટ | 32.2 | 14.0 |
| વેરાવળ | 31.6 | 18.9 |
| દીવ | 30.0 | 15.7 |
| સુરેન્દ્રનગર | 30.4 | 14.4 |
| મહુવા | 33.4 | 14.9 |
દેશમાં હવામાનની કેવી છે સ્થિતિ?
દેશના ઘણા ભાગોમાં ઠંડીની સાથે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાન સહિત દેશના 15 રાજ્યોમાં 31 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગાઢ ધુમ્મસની ચેતવણી આપતાં કહ્યું છે કે ઘણા ભાગોમાં સવારમાં ગાઢ ધુમ્મસની શક્યતા છે.
27થી 31 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ રહેશે
પંજાબમાં 27 થી 31 ડિસેમ્બર દરમિયાન ગાઢ ધુમ્મસ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં 27-31 દરમિયાન અને ઉત્તર રાજસ્થાન અને ઉત્તર મધ્ય પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં 27 ડિસેમ્બરે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. વિભાગના અધિકારી આરકે જેનામાનીએ જણાવ્યું હતું કે ઓડિશાના વિવિધ ભાગોમાં સવારે ગાઢ ધુમ્મસની સંભાવના છે.
મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ
ઉત્તરાખંડ અને આસામમાં 27 અને 28 અને મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 27-31 ડિસેમ્બર દરમિયાન ગાઢ ધુમ્મસ પણ જોવા મળી શકે છે. ગંગાના મેદાનોમાં ગાઢથી ગાઢ ધુમ્મસની અપેક્ષા છે. પશ્ચિમ હિમાલયમાં 29મી ડિસેમ્બરની રાતથી વરસાદ અને હિમવર્ષા શરૂ થઈ શકે છે.
હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે 29 ડિસેમ્બરે પશ્ચિમ હિમાલય સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી શકે છે. આ કારણે 30 ડિસેમ્બરથી હિમાલયના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા સાથે ઉત્તર પશ્ચિમના મેદાની વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 30 ડિસેમ્બરથી પશ્ચિમી ભારત પર તાજી પશ્ચિમી ખલેલ પડી શકે છે. તેના પ્રભાવ હેઠળ અને પૂર્વીય પવનો સાથે તેના સંયોજનને કારણે, 30 ડિસેમ્બર અને 2 જાન્યુઆરી, 2024 ની વચ્ચે ઉત્તર પશ્ચિમ ભારત અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
ઘણા ભાગોમાં વિઝિબિલિટી શૂન્ય રહી
બુધવારે સવારે વિવિધ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું જેના કારણે વિઝિબિલિટી 0 થી 50 મીટરની વચ્ચે રહી હતી. જે વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ હતું તેમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો અને ઉત્તર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઓડિશાના અલગ-અલગ વિસ્તારોમાં વિઝિબિલિટી 50-200 મીટર રહી.