scorecardresearch
Premium

વાવ વિધાનસભા પેટા ચૂંટણી દંગલમાં ત્રિપાંખિયો જંગ, આજે મતદાન

Vav Vidhan Sabha By Election 2024 : ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે બુધવારને 13 નવેમ્બરે મતદાન. ગુલાબસિંહ રાજપૂત, સ્વરૂપજી ઠાકોર અને માવજી પટેલ વચ્ચે ખરાખરીનો જંગ

Vav Election | vav vidhan sabha peta chutani | mavji patel | gulab singh rajput | swaroop ji thakor
Gujarat Vav Vidhan Sabha Peta Chutani: વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના બળવાખોર નેતા અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.

Vav Assembly By Elections 2024 : ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે બુધવારને 13 નવેમ્બરે મતદાન થવાનું છે. આ વખતે વાવ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયા જંગ છે. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત અને ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે પૂર્વ ભાજપ નેતા માવજી પટેલે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

ગુલાબસિંહ રાજપૂત પરિચય

કોંગ્રેસે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી છે. ગુલાબસિંહ સુઈ ગામના અસારવા ગામના વતની છે. ગુલાબ સિંહને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઈ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય છે. તેઓ પ્રથમ વખત વર્ષ 2019માં થરાદમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ભારતીય યુવા કોંગ્રેસ યુવા પાંખના ભાગ એવા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા. ગુલાબ સિંહ ગેનીબેન ઠાકોરના ખાસ છે.

2019માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ થરાદ બેઠકથી વિજેતા બન્યા હતા. આ પછી 2022માં પણ તેમને થરાદથી ટિકિટ મળી હતી. જોકે ભાજપના શંકર ચૌધરી સામે પરાજય થયો હતો.

સ્વરૂપજી ઠાકોર પરિચય

સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સ્વરૂપજી ઠાકોર વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 48,634 મત મળ્યા હતા. 2022માં ભાજપની ટિકિટ પર વાવ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે પરાજય થયો હતો.

માવજીભાઈ પટેલ પરિચય

માવજીભાઈ પટેલ થરાદ વાવ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. તે 1990માં જનતાદળથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તેમનું ચૌધરી સમાજમાં ઘણું વર્ચસ્વ છે. માવજી પટેલ અત્યાર સુધીમાં પાંચ વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે, જેમાં એકવાર તેઓ જીતી ચૂક્યા છે, જ્યારે ચાર વખત હારનો સામનો કર્યો છે. જોકે તેઓ તમામ પાંચ ચૂંટણીમાં 19 ટકા કે તેથી વધુ મત મેળવવામાં સફળ રહ્યા હતા.

આ પણ વાંચો – ઠાકોર-ચૌધરી સમાજ કોની બાજુ? ગેનીબેનની ભૂમિકા કેટલી મહત્ત્વની?

શંકર ચૌધરી અને માવજી ચૌધરી વચ્ચે વાકયુદ્ધ

વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઇને બે ચૌધરી આગેવાન શંકર ચૌધરી અને માવજી ચૌધરી વચ્ચે વાકયુદ્ધ જોવા મળી રહ્યું છે. વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરીએ માવજી પટેલ પર આક્ષેપ કર્યો કે તેઓ ચૌધરી સમાજના મતો તોડવા માંગે છે. માત્ર મીટીંગો કરી ચૌધરી સમાજના મતો વેચવા નીકળ્યાં છે. માવજી પટેલે કોંગ્રેસ સાથે લેતીદેતી કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

બીજી તરફ અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પડકાર ફેંક્યો છે કે જો મેં પૈસા લીધાં હોય તો શામળીયા ધામમાં સોગંદ ખાવા આવી જાઓ. તેમણે કહ્યું કે મને હરાવવા માટે આખી ભાજપ સરકાર વાવમાં ઉતરી પડી છે. હુ ભાજપની મહેરબાનીથી જીવતો નથી. તમે વિકાસના કામો કર્યો હોત તો વાવ છોડીને થરાદ કેમ ગયાં? એ નો જવાબ આ વિસ્તારની જનતાને આપો.

વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો દબદબો

વાવ વિધાનસભા બેઠકની વાત કરીએ તો કોંગ્રેસનો દબદબો જોવા મળે છે. 1985 થી 2022 દરમિયાન યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 5 વખત કોંગ્રેસ અને 2 વખત ભાજપે જીત મેળવી છે. એક વખત અપક્ષે બાજી મારી છે અને એક વખત જનતાદળે જીતી છે. કોંગ્રેસ 1985, 1998, 2002, 2017 અને 2022માં વાવ વિધાનસભા બેઠક જીતી હતી. જ્યારે ભાજપે 2007 અને 2012માં વાવ વિધાનસભા બેઠક જીતી હતી. 1990માં જનતા દળ અને 1995માં અપક્ષે બાજી મારી હતી.

છેલ્લી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના સ્વરુપજી ઠાકોર સામે જીત મેળવી હતી. ગેનીબેન ઠાકોરને 45.26 ટકા વોટ શેર સાથે 1,02,513 વોટ મળ્યા હતા. જ્યારે સ્વરુપજી ઠાકોરને 38.37 વોટ શેર સાથે 86,912 વોટ મળ્યા હતા.

વાવ વિધાનસભા બેઠક પર મતોનું સમીકરણ

વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયા રાજકીય જંગ છે. કોંગ્રેસનું વર્ચસ્વ ધરાવતી વાવ બેઠક પર કૂલ 310681 મતદાર છે. જેમા ઠાકોર સમાજના મતદારો સૌથી વધારે છે. વાવ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલના 16.3 ટકા, બ્રાહ્મણ સમાજના 9.1 ટકા, રબારી સમાજના 9.1 ટકા મતદારો છે.

Web Title: Vav assembly by elections 2024 gulabsinh rajput swarupji thakor and mavjibhai patel candidate ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×