અદિતી રાજા| Vadodara zoo hippo attack : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા સંચાલિત સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયમાં બે કર્મચારી પર હિપ્પોપોટેમસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. લગભગ ત્રણ મહિના પહેલા, કર્મચારીઓ માટે તે સામાન્ય દિવસની જેમ સામાન્ય વ્યવસાય જેવું લાગતું હતું. ગુરુવારનો અર્થ એ થયો કે તે અઠવાડિયાનો એક દિવસ હતો, જ્યારે પ્રાણી સંગ્રહાલય મુલાકાતીઓ માટે બંધ હતું. કેરટેકર સામાન્ય જાળવણીની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતા.
હિપ્પોના હુમલામાં બચેલા ડો. પાટણકરની આપવીતી
પરંતુ પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટર ડૉ. પ્રત્યુષ પાટણકરને 9 માર્ચની એ ઘટના સારી રીતે યાદ છે. તેઓ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સાથેની બેઠકમાં કાગળની કામગીરીમાં વ્યસ્ત હતા. લગભગ 4.30 વાગ્યે, એક કેરટેકરે તેમને વોટ્સએપ પર એક ફોટો મોકલ્યો – એક હિપ્પોપોટેમસ ઘાયલ છે. વધુ જાણકારી મેળવવા માટે, પાટણકરે પ્રાણિસંગ્રહાલયના હિપ્પોના વાડાની મુલાકાત લેવાનું નક્કી કર્યું. તે એક અણધાર્યા જીવલેણ હુમલામાં બચી ગયા હતા, જ્યારે એક સુરક્ષા ગાર્ડ – જે તેમને “વિશ્વના સૌથી ભયંકર ભૂમિ સસ્તન પ્રાણી” ના જડબામાંથી બચાવવા માટે કૂદી પડ્યો હતો, જે મૃત્યુ પામ્યો.
હુમલાના ત્રણ મહિના પછી, 41 વર્ષીય પાટણકર હજુ પણ તેમની જમણી જાંઘમાં ફ્રેક્ચરમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે, જ્યારે તેમના હાથ પરના દાંતથી પડેલા ઈજાના નિશાન ધીમે ધીમે સાજા થઈ રહ્યા છે.
હું વાડામાંથી નીકળવા ગયો અને કમનસીબે પાછો વાડામાં પડ્યો
તેમના સત્તાવાર નિવાસસ્થાન પર, હિપ્પોપોટેમસ એન્ક્લોઝરથી થોડા મીટર દૂર, પાટણકર ભયાનક ઘટનાને યાદ કરી કહ્યું કે, “તે સાંજે હું વાડામાં પ્રવેશ્યો… શાકાહારી પ્રાણીઓના કિસ્સામાં આવું કરવું મારા માટે અસામાન્ય નહોતું. હું ચિંતિત હતો કારણ કે હિપ્પોપોટેમસનું લોહી આટલી સરળતાથી બહાર આવતું નથી. હું તપાસવા માંગતો હતો કે, વાડામાં કોઈ ધાતુની ધારદાર વસ્તુ છે કે જે હિપ્પોને વધુ નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે હિપ્પોપોટેમસ અને તેનું બાળક પાણીના પૂલમાં હતા, ત્યારે હું લોખંડની રેલિંગનું નિરીક્ષણ કરી રહ્યો હતો. પરંતુ જ્યારે મેં ડિમ્પીને (હિપોપોટેમસની માતા) પાણીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી જોઈ, ત્યારે મને પૂર્વાનુમાનની લાગણી અનુભવાઈ. હું તરત જ વાડાની બહાર નીકળી ગયો. કમનસીબે મારું સેન્ડલ રેલિંગમાં ફસાઈ ગયું. મેં મારું સંતુલન ગુમાવ્યું અને સાત ફૂટની ઊંચાઈએથી પાછો અંદર પડ્યો.’
મને હતું હું નહીં બચુ, ભગવાનને છેલ્લી પ્રાર્થના કરી દીધી હતી
તેમણે કહ્યું, ‘હું નિઃસહાય થયો, જાંઘનું હાડકામાં ફ્રેક્ચર સાથે જમીન પર પડ્યો. “હું જાણતો હતો કે પડવાથી મારું હાડકું તૂટી ગયું છે અને હું હવે હલી શકીશ નહીં. મારું દિમાગ હિપ્પોના હુમલા માટે તૈયાર હતું, કારણ કે હું જોઈ શકતો હતો કે ડિમ્પી મારી તરફ આગળ વધી રહી છે. સાચું કહું તો, મેં છેલ્લી ભગવાનને પ્રાર્થના કરી લીધી હતી, પરંતુ હું જાણતો હતો કે ક્રૂર હુમલામાંથી બચવા માટે મારે શાંત રહેવું પડશે.”

ડીમ્પીએ હાડકામાં એક માણસની આંગળી જાય તેટલો દાંત બેસાડી દીધો
હિપ્પો ડિમ્પીએ પાટણકરને તેના ડાબા હાથ અને ખભા પર તેના મોટા જડબાથી હુમલો કર્યો. ડો. પાટણકર કહે છે કે, “કોઈ પણ આવા હુમલા માટે ક્યારેય તૈયાર ન થઈ શકે. પરંતુ તે ક્ષણે, અતિશય પીડા હોવા છતાં, હું જાણતો હતો કે મારે જીવતું રહેવાનું છે. કોઈપણ હિલચાલ અથવા આક્રમકતા ગંભીર પરિણામ લાવી શકે છે. જ્યારે તેણે મારો હાથ જડબામાં લીધો ત્યારે મેં કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. મારા સ્કેપ્યુલાના હાડકા પર તેના દાંતનો ડંખ ઘાતકી હતો, તેને હાથ તોડી નાખ્યો અને હાડકામાં અણીદાર દાંત વડે ઊંડુ કાણું પાડ્યું. ડૉક્ટરે મને કહ્યું કે, હાડકામાં એવું કાણુ કર્યું હતું કે, માણસની સંપૂર્ણ આંગળી દાખલ કરી શકાય છે, ઘાવ ખૂબ ઊંડો હતો.”
બચવાના છેલ્લા પ્રયાસ માટે, પાટણકરે મૃત્યુનો ઢોંગ કર્યો
તેમણે કહ્યું, “મેં મારા શ્વાસને શક્ય થાય તેટલું શ્રેષ્ઠ રીતે રોકી રાખ્યું, જો કે હું મારા શરીર પર પડતા મારા ગરમ લોહી તેમજ હિપ્પોના મોંમાંથી બહાર આવતી લાળને અનુભવી શકતો હતો. મારો સ્ટાફ ગભરાઈને ચીસો પાડવા લાગ્યો, મને અહેસાસ થયો કે ત્રણ વખત હુમલો કરી ડિમ્પી શાંત થઈ ગઈ છે. તે મને સૂંઘવાનો પ્રયાસ કરી રહી હતી… તેના મોઢા વડે મને ધક્કો મારી રહી હતી. તેણીએ અમુક પ્રકારની લાગણી અનુભવી હશે, કારણ કે મેં તેને ઘણી વખત મારા હાથે ખવડાવ્યું છે.” તે યાદ કરતી હશે.
મે વિચાર્યું હવે ઠીક છે, અને બાળ હિપ્પોએ હુમલો કર્યો
તેણે શેર કર્યું કે, “જ્યારે પાટણકરે વિચાર્યું કે, સૌથી ખરાબ સમય પસાર થઈ ગયો છે, ત્યારે ત્રણ વર્ષના બાળક હિપ્પો – મંગલ – એ બીજો હુમલો કર્યો. “તે બાળ હિપ્પો હતું, જે અચાનક મારા માથા પાસે આવ્યું અને તેના જડબાં ખોલીને મારું માથું તેના મોઢામાં લીધું. ત્યારે હું તરત હલ્યો, મારા હાથ મે તેના મોંમા નાખ્યા અને મારું માથું બહાર કાઢ્યું. તેણે મારી ડાબી નાની આંગળી તેના દાંત નીચે કચડી નાખી, પરંતુ હું જાણતો હતો કે, આવી ઇજાઓથી બચ શકાશે, કોઈ પણ તક હોય તો મારે મારા માથા અને છાતીના ભાગને સુરક્ષિત રાખવો પડશે..,” આ સમયે, સિક્યુરિટી ગાર્ડ રોહિત ઇથાપેએ પાટણકરને બચાવવા દરમિયાનગીરી કરી અને વાંસની લાકડી વડે હિપ્પોપોટેમસને ફટકાર્યો.

મારા ચશ્મા પડી ગયા, મારો ચહેરો લોહી અને લાળથી ભરેલો હતો
પાટણકર આગળ શું થયું તે સમજી શકે તે પહેલાં, તેમણે બે હિપ્પોપોટેમસને વાડામાં બીજા ખૂણે ભાગતા જોયા, જ્યારે અન્ય એક સુરક્ષા ગાર્ડ પાટણકરને વાડામાંથી બહાર લઈ જવાનો પ્રયત્ન કરે છે. “મારા ચશ્મા ગુમ થઈ ગયા અને મારો ચહેરો હિપ્પોની લાળ અને મારા લોહીથી ખદબદ થયો હતો. હું એટલું જોઈ શક્યો કે, વાડાના બીજા છેડે કઈંક થઈ રહ્યું. પાછળથી મને ખબર પડી કે, રોહિત મને બચાવવા કૂદી પડ્યો હતો અને તે હિપ્પોના ઘાતકી હુમલાનો શિકાર બન્યો હતો. મને માથામાં ઉપરછલ્લી ઇજાઓ થઇ હતી, પરંતુ સીટી સ્કેન પછી જ ડોકટરોને આંતરિક ઇજાઓ અંગે રાહત મળી હતી.
રોહીત ઈથાપેનું બે મહિનાની સારવાર બાદ મોત
42 વર્ષીય ઇથાપે અને પાટણકર બંનેને પ્રાણી સંગ્રહાલય પાસેની નરહરિ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પાટણકરની મલ્ટિપલ ફ્રેક્ચર માટે સર્જરી કરાવવામાં આવી હતી અને ડિસ્ચાર્જ થતા પહેલા નવ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવ્યા હતા, જ્યારે ઇથાપેને ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હુમલાના એક સપ્તાહ બાદ તેમના ઈજાગ્રસ્ત પગને કાપી નાખવો પડ્યો હતો. બે મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ 15 મેના રોજ બ્રેઇન હેમરેજને કારણે ઇથાપેનું અવસાન થયું હતું.
મને બચાવવા વાડામાં કૂદેલા રોહિતને હું વ્યક્તિગત ક્યારેય મળ્યો ન હતો તો પણ…
જ્યારે પાટણકર ક્યારેય રોહિત ઈથાપેને રૂબરૂ મળી શક્યા નહોતા, પાટણકર કહે છે કે, ઇથાપેએ મારા માટે જે કર્યું, તે કોઈ ન કરી શકે, તેણે મારૂ મોત લઈ લીધુ”. “હું આ બીજા જીવન માટે ભગવાનનો આભાર માનું છું… મને નથી લાગતું કે કોઈ તેને બચાવવા માટે ન આવ્યું હોત તો, હું બચી શક્યો હોત, કારણ કે હું હલી પણ શકતો ન હતો… તેણે (ઇથાપે) એ મારો હુમલો તેના પર લઈ લીધો. તે એક બહાદુર પૂર્વ સૈનિક હતા, જેમની પાસે મારી મદદ માટે આવી હિંમત હતી. મારી ઇજાઓને કારણે અને તે ICUમાં હોવાને કારણે હું તેને મળી શક્યો ન હતો, પરંતુ અમે ઘણી વખત વીડિયો કૉલ પર વાત કરી હતી. મને લાગ્યું હતું કે, તે બચી જશે, પણ તેવું ન થયું.”
પ્રાણીસંગ્રહાલયોમાં સુરક્ષા સાધનો ખરીદવા જોઈએ
પાટણકર, જે સ્વસ્થ થઈ રહ્યા છે, તેઓ “સેફ્ટી પ્રેક્ટિસ” ને ધ્યાનમાં રાખીને આવતા અઠવાડિયે ફરી ફરજ શરૂ કરે તેવી અપેક્ષા છે. પાટણકર કહે છે, “તેમનું માનવું છે કે, આ હુમલાએ કેટલાક પાઠ શીખવ્યા છે. “એકવાર હું ફરીથી કામ શરૂ કરીશ, હું ચોક્કસપણે પ્રાણી સંગ્રહાલયના સ્ટાફ માટે આવી પરિસ્થિતિઓમાં પ્રતિક્રિયા આપવા માટે ઇન-હાઉસ તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરીશ. અમારી પાસે ભૂતકાળમાં પણ કેટલીક ઘટનાઓ બની છે, જેમાં મેં કેરટેકરને હરણ અને નીલગાયના હુમલાથી બચાવ્યા છે. જ્યારે આપણે પ્રાણીઓ સાથે વ્યવહાર કરતા હોઈએ છીએ, ત્યારે તે સમયે સંઘર્ષ થાય તે સ્વાભાવિક છે, પરંતુ આપણે તેને કેવી રીતે હેન્ડલ કરવું તે જાણવું જોઈએ. અમે પ્રાણી સંગ્રહાલય માટે સ્ટન ગન અને પ્રાણીઓને વિચલિત કરવા માટે હળવી વીજળી ઉત્પન્ન કરતી ઈલેક્ટ્રિક છડી જેવા સલામતી સાધનો ખરીદવાનું પણ વિચારીશું. કમનસીબે, ભારતમાં મોટાભાગના પ્રાણીસંગ્રહાલયોમાં હાલમાં આવા કોઈ સુરક્ષા સાધનો નથી.”
હિપ્પોપોટેમસે કેમ હુમલો કર્યો? સંભવીત કારણ
હિપ્પોપોટેમસે શા માટે તેમના પર અણધારી રીતે હુમલો કર્યો હશે, તેના સંભવિત કારણો વિશે વિગતવાર જણાવતા, તે કહે છે, “તે દિવસે તેમના પાણીના પૂલને સાફ કરાયો હતો, જેથી મોટા ભાગનો સમયે તે પાણીની બહાર હતા. મારા સ્ટાફે પાછળથી પુષ્ટિ કરી કે, માદા હિપ્પો પણ ગરમીમાં હતી (એસ્ટ્રસ) જે પણ આક્રમકતાનું કારણ બની શકે છે. આ ઉપરાંત વાડાના નિયમિત મુખ્ય કેરટેકર પણ રજા પર હતા. જો તે આસપાસ હોત, તો તેઓ માત્ર વૉઇસ કમાન્ડથી હિપ્પોને પાછા ધકેલી શક્યા હોત.
શહેરના કેટલાક પ્રાણી કાર્યકર્તાઓ દ્વારા તેમના વાડામાં પ્રવેશવાના નિર્ણય પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોથી પાટણકર અસ્વસ્થ છે.
આ પણ વાંચો – વડોદરા : સયાજીબાગ ઝૂમાં હિપ્પોપોટેમસનો હુમલો, બે કર્મચારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, કેમ બની સમગ્ર ઘટના?
“પ્રાણીસંગ્રહાલય-ઝૂ આ રીતે કાર્ય કરે છે. જો કોઈ પ્રાણીને ઈજા થાય છે, તો અમે વાડામાં (શાકાહારી) દાખલ થઈએ છીએ અથવા સારવારની યોજના બનાવવા અને પશુચિકિત્સકોને બોલાવી તેમની તપાસ કરવા માટે પ્રાણીના પૂરતા નજીક જઈએ છીએ… જો કે, હુમલો એ એક રીમાઇન્ડર છે કે, દરેક વ્યક્તિએ કોઈ પણ પ્રાણીથી સજાગ અને તૈયાર રહેવું પડશે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી કિરણ મહેતા દ્વારા અનુવાદીત, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો