Vadodara Clash : વડોદરામાં તોફાન અને અથડામણ મામલો : વડોદરા પોલીસે ગુરુવારે શહેરના એકતા નગર વિસ્તારમાં બુધવારના રોજ કથિત રીતે તોફાનો કરવા બદલ સાત લોકોને ઓળખી લીધેલા અને 25 અજાણ્યા લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો હતો. અહેવાલો અનુસાર, લાઉડસ્પીકરના ઉપયોગને લઈને બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ મામલે પોલીસે ઓળખી લેવામાં આવેલા સાત આરોપીઓમાંથી ચારની ધરપકડ કરી છે અને વિધિવત ધરપકડની પ્રક્રિયા શરૂ કરી છે.
બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સંગાડા, જ્યાં એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દ્વારા એફઆઇઆર દાખલ કરવામાં આવી છે, તેમણે જણાવ્યું હતું કે, “આ વિસ્તારમાં લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાને લઈને બે (ઓળખવામાં આવેલા સાતમાંથી) આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી” એવા સમયે જ્યારે મુસ્લિમ સમુદાયના લોકો પણ તેમના રમઝાન ઉપવાસ ખોલી રહ્યા હતા. અન્ય આરોપીઓ, જેઓ લઘુમતી સમુદાયના છે, તેઓએ વાંધો ઉઠાવ્યો કારણ કે, તેઓ નજીકની મસ્જિદમાં નમાજ સાંભળવામાં અસમર્થ હતા. આ ઘટના બાદ બે લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે બંને સમુદાયના વધુ લોકો તેમાં જોડાયા ત્યારે તે તોપામાં ફેરવાઈ ગયું. અમે બંને સમુદાયના સભ્યો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.”
બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે, લઘુમતી સમુદાયના એક આરોપીએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને મદદ માંગી હતી અને કહ્યું હતું કે, “તેનો પાડોશી (કેસમાં સહ-આરોપી) તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો અને ઝઘડો થયો હતો”. એફઆઈઆરમાં વધુમાં જણાવાયું છે કે, પોલીસ કોલ એટેન્ડ કર્યા બાદ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થતાં આ ઘટના તોફાનમાં ફેરવાઈ ગઈ હતી.
PSI, જેઓ ફરિયાદી પણ છે, તેમણે જણાવ્યું હતું કે, “નમાઝનો સમય હોવાથી, બંને બાજુથી મોટી ભીડ એકઠી થઈ હતી અને ભીડને કાબૂમાં લાવવા અમારી પાસે પૂરતું પોલીસ બળ નહોતું. તેથી, અમે ભીડને વિખેરવા માટે બાપોદ, વારસિયા અને પાણીગેટ પોલીસ સ્ટેશનો તેમજ ડિટેક્શન ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (ઝોન 4) માંથી વધુ મદદ અને માનવબળ બોલાવ્યું હતુ.
આ તોફાનમાં એક ઘાયલ વ્યક્તિને પોલીસ વાનમાં એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યારે અન્યને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
બાપોદ પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 143 (ગેરકાયદેસર સભા), 147 (હુલ્લડો), 149 (ગેરકાયદેસર સભાના દરેક સભ્ય દ્વારા સામાન્ય હેતુ માટે કરેલ ગુનો) અને 294B (અશ્લીલ શબ્દો અથવા કૃત્યો) હેઠળ ગુનો નોંધ્યો છે.