Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાત સહિત દેશમાં ઠંડી વધી રહી છે. ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી જામતી જાય છે. ત્યારે આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી છે. ઉત્તર ભારતની વાત કરીએ તો હજી વધારે ઠંડી પડશે. ગુજરાતમાં શુક્રવારે ઠંડીમાં સામાન્ય વધઘટ જોવા મળી હતી. શુક્રવારે 11.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે 21.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા સૌથી ગરમ શહેર નોંધાયું હતું.
રાજ્યમાં ઠંડીમાં સામાન્ય ફેરફાર, નલિયામાં સૌથી વધુ ઠંડી પડી
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે બુધવારની તુલનાએ ગુરુવારે અમદાવાદમાં બે ડિગ્રી લઘુત્તમ તાપમાન વધ્યું હતું. ગુરુવારે અમદાવાદમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જે બુધવારે 18.1 ડિગ્રી રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 11.8 ડિગ્રી નોંધાતા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે 21.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ગુજરાતમાં 11.8 ડિગ્રીથી લઈને 21.3 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
શુક્રવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 28.9 | 18.0 |
| ડીસા | 29.5 | 15.1 |
| ગાંધીનગર | 27.0 | 15.0 |
| વલ્લભ વિદ્યાનગર | 29.5 | 17.2 |
| વડોદરા | 32.4 | 16.6 |
| સુરત | 33.6 | 19.5 |
| વલસાડ | 33.8 | 20.0 |
| દમણ | 32.0 | 17.6 |
| ભુજ | 30.2 | 15.4 |
| નલિયા | 30.2 | 11.8 |
| કંડલા પોર્ટ | 30.2 | 17.4 |
| કંડલા એરપોર્ટ | 29.6 | 14.2 |
| ભાવનગર | 29.9 | 17.2 |
| દ્વારકા | 30.1 | 18.4 |
| ઓખા | 27.8 | 21.3 |
| પોરબંદર | 32.1 | 15.0 |
| રાજકોટ | 32.6 | 15.0 |
| વેરાવળ | 30.6 | 18.1 |
| દીવ | 29.0 | 14.5 |
| સુરેન્દ્રનગર | 30.5 | 16.2 |
| મહુવા | 32.6 | 15.6 |
બે દિવસ ધુમ્મસ અંગે યલો એલર્ટ
શુક્રવારે પંજાબના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની અપેક્ષા છે. શનિવાર, રવિવાર અને નવા વર્ષના પ્રથમ દિવસે ધુમ્મસને લઈને ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. IMDએ આગામી ચારથી પાંચ દિવસ સુધી હરિયાણા અને ચંદીગઢના વિવિધ વિસ્તારોમાં ગાઢથી ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. પંજાબ અને હરિયાણા છેલ્લા ઘણા દિવસોથી ગાઢ ધુમ્મસના પ્રકોપનો સામનો કરી રહ્યા છે.
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા આઈએમડી ચંદીગઢના વૈજ્ઞાનિક શવિન્દર સિંહે કહ્યું કે પંજાબ અને હરિયાણામાં આગામી ચારથી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં, પરંતુ મહત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે ગાઢ ધુમ્મસ સિવાય લોકોને દિવસના સમયે ઠંડીનો સામનો કરવો પડી શકે છે.