Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં શિયાળો જામી ગયો છે. ધીમે ધીમે ઠંડીનો પારો ગગડી રહ્યો છે. ગુજરાત સહિત ઉત્તર ભારતમાં પણ શિયાળાનો આકરો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીની સાથે ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે IMD એ આગાહી કરી છે કે ઉત્તરપશ્ચિમ ભારતના કેટલાક ભાગો અને પૂર્વીય ભારતના મેદાનો પર આગામી ત્રણ દિવસ સુધી ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ ચાલુ રહેશે અને તે પછી ધીમે ધીમે ઘટશે.ગુજરાતમાં નવા વર્ષના દિવસે ઠંડીનો પારો ગગડ્યો હતો. નલિયામાં ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચું ગયું હતું. ગુજરાતમાં નવા વર્ષના દિવસે 8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાનથી લઇને 20.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ઠંડી નોંધાઈ હતી.
નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાન ઘટના 8.8 ડિગ્રીએ પહોંચ્યું
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે નવા વર્ષે ગુજરાતમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાન ઘટીને 8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જે થર્ટીફસ્ટના દિવસે 11.4 ડિગ્રી નોંધાયું હતું. આમ નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ઓખામાં લઘુત્તમ તાપમાન 20.5 ડિગ્રી રહ્યું હતું. સાથે સાથે અમદાવાદમાં 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
સોમવારના દિવસે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 28.0 | 16.2 |
| ડીસા | 27.6 | 14.4 |
| ગાંધીનગર | 27.9 | 17.0 |
| વલ્લભ વિદ્યાનગર | 29.4 | 18.5 |
| વડોદરા | 29.4 | 17.2 |
| સુરત | 30.2 | 19.2 |
| વલસાડ | 33.8 | 20.0 |
| દમણ | 29.4 | 19.8 |
| ભુજ | 28.2 | 12.5 |
| નલિયા | 24.2 | 08.8 |
| કંડલા પોર્ટ | 30.6 | 15.4 |
| કંડલા એરપોર્ટ | 27.2 | 13.7 |
| ભાવનગર | 29.0 | 17.0 |
| દ્વારકા | 28.5 | 16.0 |
| ઓખા | 26.6 | 20.5 |
| પોરબંદર | 30.0 | 13.7 |
| રાજકોટ | 29.5 | 12.6 |
| વેરાવળ | 31.0 | 18.7 |
| દીવ | 29.4 | 18.5 |
| સુરેન્દ્રનગર | 28.3 | 14.2 |
| મહુવા | 31.4 | 14.6 |
દિલ્હીમાં નવા વર્ષનો પહેલો દિવસ કેવો રહ્યો?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, યુપી અને ઉત્તર રાજસ્થાનના ભાગોમાં ઠંડા દિવસથી લઈને તીવ્ર ઠંડા દિવસની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે. આ પછી આ સ્થિતિ ઓછી થઈ શકે છે. સોમવારે દિલ્હીમાં નવા વર્ષની સવાર અન્ય દિવસો કરતાં વધુ ગરમ હતી અને લઘુત્તમ તાપમાન 10.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતાં ત્રણ ડિગ્રી વધુ છે. IMD અનુસાર, સોમવારે દિલ્હીના મુખ્ય વેધર સ્ટેશન સફદરજંગ ખાતે 700 મીટર અને પાલમ ખાતે 1,200 મીટર પર વિઝિબિલિટી નોંધવામાં આવી હતી.
પંજાબ અને હરિયાણામાં ઠંડીનો પ્રકોપ યથાવત છે
પંજાબ અને હરિયાણાના ઘણા ભાગોમાં સોમવારે ઠંડીનું વાતાવરણ ચાલુ રહ્યું હતું અને ગુરદાસપુરમાં લઘુત્તમ તાપમાન છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. IMD અનુસાર, સોમવારે પંજાબ અને હરિયાણાના ઘણા ભાગોમાં લોકોએ ભારે ઠંડીનો સામનો કર્યો હતો અને ગુરદાસપુરમાં લઘુત્તમ તાપમાન છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
રાજસ્થાનમાં તીવ્ર શિયાળો ચાલુ છે
રાજસ્થાનમાં આકરો શિયાળો ચાલુ છે. અહીં છેલ્લા 24 કલાકમાં, ફલોદી અને સીકર અનુક્રમે 5.6 અને 6.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડા રહ્યા. IMD અનુસાર, આ સમયગાળા દરમિયાન જેસલમેરમાં લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી, બિકાનેરમાં 6.4 ડિગ્રી, જયપુરમાં 7.6 ડિગ્રી, સિરોહી અને સાંગારિયામાં 7.7 ડિગ્રી, અલવર અને ગંગાનગરમાં 8.2 ડિગ્રી, પિલાનીમાં 8.5 ડિગ્રી, ફતેહપુરમાં 8.7 ડિગ્રી હતું. કરૌલી અને અજમેરમાં 8.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.