ગુજરાતમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે ત્યારે ગરમીમાંથી લોકોને રાહત મળી છે. ત્યારે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એમ સતત વરસાદ વરસી રહ્યો છે. અને આ બંને ઝોનમાં રસાઓ ઉપર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. વરસાદના આંકડાની વાત કરીએ તો આજે શનિવારે સાવરે 6 વાગ્યાથી લઇને બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 128 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વલસાડના ધરમપુરમાં પડ્યો હતો.
ધરમપુર અને ભેંસાણમાં છ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે વલસાડના ધરમપુરમાં શનવારે સવારથી લઇને બપોર સુધીમાં છ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ જૂનાગઠના ભેંસાણમાં પણ છ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જૂનાગઢના વિસાવદર અને અમરેલીના ધારીમાં પાંચ ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો હતો. વલસાડના ખેરગામમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
વલસાડમાં ધોધમાર વરસાદ
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદના કારણે અનેક સ્થલોમાં પાણી ભરાયા છે. જ્યારે વલસાડ શહેરના મિશન કોલોનીમાં રુબી એપાર્ટમેન્ટના ઘરોમાં પાણી ભરાયા છે. ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમા મુકાયા હતા. ઘરોની અંદર પાણી ભરાતા ઘર વખરીનો સામાન તણાયો છે.
વલસાડનું જેસીયા ગામ સંપર્ક વિહોણું
મળતી માહિતી પ્રમાણે વલસાડમાં ભારે વરસાદના કારણે વલસાડની જેસીયા ગામ સંપર્ક વિહોણું થયું હતું. નેશનલ હાઇવેથી ગામ જવાના રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો. જેના પગલે પોલીસ તૈનાત કરવામાં આવી હતી. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. જેના પગલે ગ્રામજનોને હાલાકી થઈ રહી છે.