અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. બે દિવસની આગાહીના પગલે ગુજરાતમાં શુક્રવારે રાત્રે મેઘો મન મુકીને વરસ્યો હતો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લામાં 189 તાલુકામાં વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેર સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના વિસાવદર તાલુકામાં 15 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જામનગર તાલુકામાં 11 ઈંચ અને કચછના અંજાર તાલુકામાં 10 ઈંચ વરસાદ પડ્યો હતો.
ભુપેન્દ્ર પટેલે શુક્રવારે રાત્રે જ બેઠક યોજી
શુક્રવાર રાત્રે પડેલા ભારે વરસાદના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે મોડી રાત્રે જ બેઠક યોજી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ રાજકુમાર, રાહત કમિશનર આલોક પાંડે પણ હાજર રહ્યા હતા.
જુનાગઢના વિસાવદર તાલુકામાં 14. 92 ઇંચ વરસાદ નોંધાયો
હવામાન વિભાગ પાસેથી મળેલા આંકડા પ્રમાણે છેલ્લા 22 કલાક એટલે શુક્રવારની સવારે 6 વાગ્યાથી આજે શનિવારે સવારે 4 વાગ્યા સુધીમાં 189 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જુનાગઢના વિસાવદર તાલુકામાં 14. 92 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગર તાલુકામાં 10.76 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે કચ્છના અંજાર અને વલસાડના કપરાડાના તાલુકામાં9 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
રાજ્યમાં આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ, દ્વારકા, જામનગર અને જૂનાગઢમાં 8-8 ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબકી શકે છે. જ્યારે 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. જ્યાં 4થી લઈને 8 ઈંચથી સંભાવના છે. પોરબંદર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં 8 ઈંચ સુધી વરસાદ ખાબકી શકે છે.
આ પણ વાંચોઃ- દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ : તાપીમાં 57 રસ્તા બંધ, નવસારી, જામનગર, રાજકોટ, કચ્છ પાણી-પાણી..
કચ્છ અને સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ
હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને જૂનાગઢમાં વરસાદના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અને જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે.
આ પણ વાંચોઃ- અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા, ભારે ટ્રાફિક જામ
જુનાગઢના ભેસાણ અને અમરેલીના બગસરામાં 7 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. આ સાથે વલસાડના ધરમપુર, વઘઇ અને ડાંગ-આહવામાં 6 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. તાપીના વ્યારા, જુનાગઢના શહેરમાં, વલસાડ, વંથલી, રાજુલા, બરવાળા, જામકંડોરળા, વાસંદા, ચીખલીમાં 4 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.