Today Gujarat Latest News, 01-07-2024 : ગુજરાતના આજના લેટેસ્ટ સમચારની વાત કરીએ તો, રાજ્યમાં અવિરત મેઘવર્ષાને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે, તો કેટલાક ચેકડેમ ઓવરફ્લો થયા છે. ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ બાજુ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવર ડેમ 51 ટકા ભરાયો છે, તો ધારી પંથકમાં એક જ કુવામાં સિંહ અને ગાય ખાબક્યા હતા, વન વિભાગે રેસક્યુ કર્યું. તો રાજ્ય સરકારે પ્રાકૃતિક શાકભાજી ખેતીને પ્રોત્સાહન આપતી એક યોજના અમલમાં મુકી છે.
ગુજરાતના 11 જળાશયો 50થી 70 ટકા ભરાયા, ‘સરદાર સરોવર’ ડેમ 51 ટકાથી વધુ ભરાયો
ગુજરાતમાં અવિરત વરસાદ અને ઉપરવાસમાં વરસાદ થતા રાજ્યના જળાશયોમાં નવા નીર આવ્યા છે. આ સાથે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 51 ટકાથી વધુ ભરાઈ ગયો છે. સરદાર સરોવર ડેમ-જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકિતના 51.58 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100 ટકા છલકાતાં હાઈએલર્ટ તેમજ ધોળી ધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમ,જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. તો આજે સવારે પ્રાપ્ત થતા 8.00 કલાકના અહેવાલ મુજબ રાજ્યના કુલ ૨૦૬માંથી એક જળાશય સંપૂર્ણ છાલકાયુ છે. જયારે ચાર જળાશયો 70 થી 100 ટકા, 11 જળાશયો 50 થી 70 ટકા તેમજ 33 જળાશયો 25 થી 50 ટકા સુધી ભરાયા છે એટલે કે રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના ૨૯.૬૦ ટકા પાણી સંગ્રહ થયું છે.
ગુજરાત સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મૂકી
ગુજરાત સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી યોજના અમલમાં મુકી છે. આ મામલે માહિતી આપતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે કહ્યું છે કે, પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂ. 20,000 પ્રતિ હેકટર સહાય ચૂકવાશે, અને આ યોજના માટે અંદાજપત્રમાં રૂ. 1,000 લાખની જોગવાઇ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, આજના સમયમાં રસાયણમુક્ત અને પ્રાકૃતિક ઉપજની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી શાકભાજીની માંગ પણ વધી છે. વધી રહેલી માંગને પહોંચી વળવા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી પકવે તે ખૂબ જ જરૂરી છે.
અમરેલી : શિકારી અને શિકાર એક જ કૂવામાં ખાબક્યા, વન વિભાગે સિંહણનું રસક્યુ કર્યું
અમરેલીના ગીર પૂર્વના જસાધાર રેન્જ હેઠળના ગાંગડા ગામે કુવામાં સિંહણ અને એક ગાય એક જ કુવામાં ખાબક્યા હતા. તો જસાધાર વન વિભાગ દ્વારા કુવામાં પડેલ સિંહણ અને ગાયનું રેસક્યું હાથ ધર્યું હતુ. આ ઘટનામાં સિંહણ દ્વારા ગાયનો શિકાર કરવામાં આવતા ગાયનું મોત નીપજ્યું છે, તો વન વિભાગ દ્વારા યુધ્ધ ના ધોરણે સિંહણને રેસ્કયું કરી કૂવામાંથી બહાર કાઢી બચાવી લીધી હતી. વન વિભાગ દ્વારા મૃત ગાયના મૃતદેહને પણ રેસક્યુ કરી બહાર કઢાયો. વન વિભાગ અનુસાર, સિંહણ શિકાર પાછળ દોડતા ગાય અને સિંહણ કૂવામાં પડ્યા હતા
ગુજરાત સરકાર: ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને ફરી એકવાર ISO પ્રમાણપત્ર મળ્યું
મુખ્યમંત્રી કાર્યાલયની ઉચ્ચકક્ષાની ગુણવત્તાયુક્ત, સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારૂ કામગીરીને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત કરતાં આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે રાજ્યની વહીવટી કાર્યસંસ્કૃતિમાં ગુણાત્મક પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા સાથે ગુણવત્તા અને કાર્યસિદ્ધિના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી કાર્યાલયને ૨૦૦૯માં ISO બેન્ચમાર્કની ક્વોલિટી ઉપર મૂક્યું હતું. રાજ્ય શાસનના સર્વોચ્ચ કેન્દ્ર એવા મુખ્યમંત્રી કાર્યાલયને જાહેર સેવાઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અને સાતત્યપૂર્ણ સુધારાઓ સાથેના સમયબદ્ધ કાર્ય આયોજન માટે આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન પ્રથમવાર ૨૦૦૯માં એનાયત થયું હતું.
ગુજરાત વરસાદ તકેદારી : એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ. ટીમો સ્ટેન્ડબાય
ગુજરાતમાં અવિરત વરસાદને પગલે પુર જેવી આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા તથા રેસક્યુ માટે તકેદારીના ભાગરૂપે ઓલપાડ ખાતે એન.ડી.આર.એફ. અને માંડવી ખાતે એસ.ડી.આર.એફ.ની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, એન.ડી.આર.એફ. ટીમ પાસે પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોના બચાવ અને આ જગ્યાઓ સુધી સરળતાથી પહોંચવા માટે ફ્લડ વોટર રેસ્ક્યુના વિવિધ સાધનો હોય છે, જેમાં ઈનફલેટેબલ રબર બોટ્સ (આઇ.આર.બી.), તેના પર બેસાડીને ચલાવવા માટે ઓ.બી.એમ.મોટર, લાઇફ જેકેટ, લાઇફ ગાર્ડ અને મજબૂત દોરડાનો સમાવેશ થાય છે. વાયરલેસ સેટ, ગુડ ડિપ્લોયમેન્ટ એન્ટેના, સેટેલાઇટ ફોન વગેરે કોમ્યુનિકેશનના અદ્યતન સાધનો પણ ધરાવે છે.
રાજ્યમાં ચોમાસાની ધબધબાટી : રાજ્યના 148 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં મેઘરાજાએ પધરામણી કરી લીધી છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકા અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ એટલે કે ૮ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલ માહિતી મુજબ આજે તા.૧ જુલાઈ ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૧૭૧ મિ.મી એટલે કે ૬.૮ ઇંચ, ઓલપાડ તાલુકા ૧૪૪ મિવમી એટલે કે ૫.૭૬ ઇંચ, કામરેજ તાલુકામાં ૧૪૩ મિ.મી એટલે કે ૫.૭૨, સુરત સિટીમાં ૧૩૮ મિ.મી એટલે કે ૫.૫૨ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે ૧૫૦ મિ.મી એટલે કે ૬ ઇંચ વરસાદ નોંધાયો હતો.વલસાડના વાપી તાલુકામાં ૧૨૯ મિ.મી એટલે કે ૫.૧૬ ઇંચ, કપરાડા તાલુકામાં ૧૧૩ મિ.મી એટલે કે ૪.૫૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.
અમદાવાદ : કાંકરિયા યાર્ડમાં નૉન ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ પર અમદાવાદ-ગેરતપુર સેક્શનના કાંકરિયામાં ન્યુ કોમ્પલેક્સ યાર્ડને ત્રીજી લાઈનથી કનેક્ટિવિટીના સંબંધમાં નૉન ઇન્ટરલોકિંગ કામ માટે 3 જુલાઈ 2024 ના રોજ પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પૂર્ણ રૂપે, કેટલીક આંશિક રદ્દ તથા કેટલીક રેગ્યુલેટ થશે.
પૂર્ણ રૂપે રદ્દ ટ્રેનો
- 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.
 - 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂ રદ્દ રહેશે.
 - 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 09312 અમદાવાદ વડોદરા મેમૂ રદ્દ રહેશે.
 - 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 09495/09496 વડોદરા-અમદાવાદ-વડોદરા મેમૂ રદ્દ રહેશે
 
આંશિક રૂપે રદ્દ ટ્રેનો
- 3 જુલાઈ 2024 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલનારી ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રદ્દ રહેશે.
 - 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રદ્દ રહેશે
 
માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો
- 2 જુલાઈ 2024 ના રોજ સિકંદરાબાદથી ચાલનારી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.
 - 1 જુલાઈ 2024 ના રોજ ગુવાહાટીથી ચાલનારી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.
 - 3 જુલાઈ 2024 ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નંબર 16533 જોધપુર-કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ 45 મિનિટ રેગ્યુલેટ થશે.
 - 3 જુલાઈ 2024 ના રોજ જામનગરથી ચાલનારી ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 45 મિનિટ રેગ્યુલેટ થશે.