કમાલ સૈયદ : સુરતના પોલીસ કર્મચારીઓની એક ટીમ જ્યારે ગેંગના અન્ય સભ્યો સાથે મળીને 100થી વધુ મોબાઈલ ફોનની ચોરીના આરોપમાં વોન્ટેડ ફરાર ચોરને પકડી પાડવા ઉત્તર પ્રદેશના જૌપુર પહોંચી ત્યારે પોલીસને અણધારી અડચણનો સામનો કરવો પડ્યો હતો. આરોપી એક યુવતી સાથે લગ્ન કરવા તૈયાર થઈ બેઠો હતો. 16 મેના રોજ તેના ઘરે પોલીસનું આગમન આરોપીના લગ્નના દિવસે થયું. તે હાથ પર મહેંદી લગાવી વરઘોડો કાઢવાની તૈયારી કરી રહ્યો હતો.
ચોરના માતા-પિતાએ સરેન્ડરની આપી ખાતરી
તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ તે થોડા દિવસોમાં આત્મસમર્પણ કરશે, તેવી તેના માતા-પિતા તરફથી ખાતરી મળતાં પોલીસ ટીમ પરત ફરી હતી. આ શખ્સે રવિવારે સુરત પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
સુરત લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને શોધ્યો
આ બાબતે જાણકાર લોકોએ જણાવ્યું હતું કે, સુરતના ઝોન-4ના ડેપ્યુટી કમિશનર સાગર બાગમાર હેઠળ કામ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ જૂના કેસોમાં ફરાર ગુનેગારોની યાદી બનાવવાનું કામ કરતી હતી. સચિન પલસાણા રોડ ખાતેના ગોડાઉનમાંથી 110 મોબાઈલ ફોનની ચોરીના આવા જ એક કેસમાં ટીમે બ્રિજેશ કુમાર ઉર્ફે ચંદન અનિલ કુમાર વિશ્વકર્મા (28) તરીકે ફરાર આરોપીને શોધી કાઢ્યો હતો.
પોલીસે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુર પશ્ચિમ વિસ્તારમાં તેના ઠેકાણા પર તપાસ કરી. પોલીસને આરોપી યુપીના જૌનપુર જિલ્લાના ભુલાઈપુર ગામનો રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું હતું.
પોલીસ આરોપીના ઘરે પહોંચી તો લગ્નનો માહોલ
લગભગ બે અઠવાડિયા પહેલા એક ટીમ ભુલાઈપુર ગામમાં તેના ઘરે પહોંચી હતી. ઘર લગ્નની તૈયારીઓથી ગુંજી રહ્યું હતું કારણ કે, વરરાજા તેના પરિવારના સભ્યો અને મિત્રો દ્વારા ઘેરાયેલો હતો, વરઘોડામાં જવા તૈયાર થઈ ગયો હતો.
પોલીસ ઉચ્ચ અધિકારીઓની સંમત્તિ મળતા થયા લગ્ન
ચંદનના પિતા અનિલ કુમાર અને પરિવારના અન્ય સભ્યોએ પોલીસને થોડા દિવસનો સમય આપવા વિનંતી કરી હતી. સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓની સંમતિ મળ્યા બાદ, ટીમે તેમને ધાર્મિક વિધિઓ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી અને પોલીસ સુરત પરત ફરી હતી. ચંદને રવિવારે સાંજે આત્મસમર્પણ કર્યું હતું. મોડી રાત્રે ચોરીના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે તેને પોલીસ રિમાન્ડ માટે સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે બુધવાર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
2017માં થઈ હતી ચોરી
સૂત્રોએ જણાવ્યું હતું કે, ચોરી 1 માર્ચ, 2017 ના રોજ થઈ હતી, જ્યારે પાંચ સભ્યોની ટોળકી એક ગોડાઉનમાં ઘૂસી ગઈ હતી, જ્યાં ઇલેક્ટ્રોનિક સામાન અને મોબાઇલ ફોન રાખવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું, આરોપીઓએ 117 મોબાઈલ ફોન, એક લેપટોપ અને એક કેમેરા – તમામની કિંમત રૂ. 14.98 લાખની ચોરી કરી હતી. આ અંગે વેરહાઉસના મેનેજર પાર્થ બિપીન પટેલે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
શું કહ્યું પોલીસ ડેપ્યુટી કમિશનર સાગર બાગમારેએ?
બાગમારે કહ્યું, “ચોરીની ફરિયાદમાં પાંચ આરોપીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અમારી ટીમ ચંદનના ઘરે પહોંચી. માનવતાના આધારે, અમે અમારી ટીમોને તેમના પરિવારના સભ્યોની ખાતરી લીધા બાદ લગ્નની વિધિઓ પૂર્ણ કરવાની મંજૂરી આપી હતી. અમે બધે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, તે અન્ય કોઈ ગુનાહિત કાર્યોમાં સંડોવાયેલો પણ નથી. આરોપી પોતાની વાત પર અડગ રહ્યો, અને આત્મસમર્પણ કર્યું. ચોરીના કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા તેની પાસેથી વધુ માહિતી મેળવીશું.
આ પણ વાંચો – ગુજરાતમાં કમોસમી વરસાદ: વીજળી અને વરસાદથી 9 લોકોના મોત, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
“ઓટો ડ્રાઈવર ધીરેન્દ્રએ ગોડાઉનમાં ચોરી કરવાની યોજના બનાવી હતી. તે યુપીના જૌનપુર જિલ્લાનો રહેવાસી છે અને તેણે ચોરીને અંજામ આપવા માટે તેના વતનમાંથી ચાર યુવકોને ભેગા કર્યા હતા. તેણે આ યુવકોને સુરત બોલાવ્યા હતા અને થોડા દિવસ રોક્યા હતા અને બાદમાં મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓની ચોરી કરી હતી. અમે પણ તપાસ કરી અને જાણવા મળ્યું કે, ચંદન તેના માતા-પિતા સાથે થાણે જિલ્લાના બદલાપુર વિસ્તારમાં રહે છે અને તેમની સાથે ફર્નિચર વર્કશોપમાં કામ કરે છે. અમે ચોરાયેલા મોબાઈલ ફોન, કેમેરા અને લેપટોપ ક્યાં વેંચ્યા તે પણ શોધીશું.
ડિસક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો