scorecardresearch
Premium

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત દેશભરમાં પ્રથમ સ્થાને, 131 શહેરોને પાછળ રાખીને મેળવી સિદ્ધિ

Surat first ranks in Clean Air Survey 2024 : સુરત શહેરે આ વર્ષે મોટી છલાંગ લગાવી 131 શહેરોને પાછળ છોડી કુલ 200 માર્ક્સમાંથી 194 માર્ક્સ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મેળવ્યો

Surat first ranks in Clean Air Survey 2024, Surat , Clean Air Survey 2024
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત દેશભરમાં પ્રથમ સ્થાને આવ્યું છે (તસવીર – સોશિયલ મીડિયા)

Surat first ranks in Clean Air Survey 2024 : દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનાર સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે. સુરતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024’માં દેશભરના 131 શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કરી શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

2023-24 માં PM10 ના રજકણોમાં 12.71 % નો નોંધપાત્ર ઘટાડો

સુરત શહેર સૌથી ઝડપી વિકસિત થતા શહેર હોવા ઉપરાંત વર્ષ 2023-24 માં PM10 ના રજકણોમાં 12.71 % નો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે. ગત વર્ષ 2023માં યોજાયેલા ‘સ્વચ્છ વાયુ સુર્વેક્ષણ’માં સુરત શહેરને 13મો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે હતું. 2023માં સુરત મહાનગરપાલિકાએ ખૂટતી સુવિધાઓ, પગલાઓ અને ત્રુટિઓના નિવારણ જેવી સઘન કામગીરી હાથ ધરીને આ વર્ષે મોટી છલાંગ લગાવી નિયત કુલ 200માંથી 194 ગુણ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

1.5 કરોડની ઈનામી રાશિ મળશે

સુરતની આ સિદ્ધિ બદલ આગામી 7 સપ્ટેમ્બરના રોજ જયપુર ખાતે નેશનલ મિશન ફોર કલીન એર કાર્યક્રમ અંતર્ગત યોજાનાર સભારંભમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘નેશનલ ક્લીન એર સિટી’ના બહુમાન સાથે 1.5 કરોડની ઈનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મેયર અને મ્યુ. કમિશનરને અર્પણ કરાશે.

શું છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ?

ભારતના શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે નોન–એટેન્મેન્ટ શહેરોના પ્રયાસોને મૂલ્યાંકન કરવા અને હવાના રજકણોમાં 30% ઘટાડાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા વર્ષ 2019 માં ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ’ની નવી પહેલ શરૂ કરવામાં આવી હતી. શહેરોનું મુલ્યાંકન મુખ્યત્વે 8 પરિબળોને આધારે થાય છે. જેમાં ઘનકચરાનું વ્યવસ્થાપન, રોડ ડસ્ટ, બાંધકામ અને ડિમોલીશન કચરામાંથી ઉત્પન્ન થતી ધૂળ, વાહનોનું ઉત્સર્જન, ઔદ્યોગિક ઉત્સર્જન, જનજાગૃતિના કાર્યક્રમો અને હવાની ગુણવત્તામાં સુધારો જેવા પરિમાણો સામેલ હોય છે.

આ પણ વાંચો – રાજ્યમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

કાર્બન ડાયોકસાઈડના ઉત્સર્જનમાં આશરે 7000 મેટ્રિક ટનનો વાર્ષિક ઘટાડો કર્યો

સુરત મહાનગરપાલિકા દ્વારા ગત 4 થી 5 વર્ષના સમયગાળા દરમિયાન હવાની ગુણવત્તા સુધારવાના ભાગરૂપે લગભગ 5000 કરોડ જેટલી માતબર રકમના વિવિધ પ્રોજેકટસ અમલી બનાવ્યા છે. જેમાં મિકેનીકલ સ્વીપર મારફતે રસ્તા પરની આશરે વાર્ષિક ધોરણે 4200 મેટ્રિક ટન ધૂળને દૂર કરવાની કામગીરી, 100% ઘરોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે પરંપરાગત વાહનોને બદલે 35 % જેટલા ઈ–વ્હીકલનો ઉપયોગ કરી કાર્બન ડાયોકસાઈડના ઉત્સર્જનમાં આશરે 7000 મેટ્રિક ટનનો વાર્ષિક ઘટાડો થયો છે.

  • શહેરીજનોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ટેક્ષના દરમાં લાભો આપી કુલ 50 ઈલેકટ્રીકલ ચાર્જીંગ,ઓટોમેટિક ટેસ્ટીંગ સ્ટેશન અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતની સુવિધાઓ ઉભી કરી છે.
  • વર્લ્ડ રિર્સોસીસ ઈન્સ્ટીટયુટના સહયોગથી કુલ 280 કાર્યરત પ્રોજેકટોમાં સ્વચ્છ બાંધકામ માર્ગદર્શિકાનું પાલન કરી કુદરતી સંસાધનોનો ઉપયોગ ઘટાડવા સાથે કન્સ્ટ્રકશન અને ડિમોલિશન વેસ્ટની વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરાઈ છે.
  • સુરતમાં જાહેર પરિવહન માટે કુલ 600 ઈ–બસોના લક્ષ્યાંક સામે પરંપરાગત બસોને બદલે 580 ઈ–બસો કાર્યરત કરી 114 કિ.મી.ના BRTS નેટવર્કમાંથી આશરે વાર્ષિક 66 મેટ્રિક ટન જેટલા કાર્બન ડાયોકસાઈડના ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.
  • કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે ગત 16 અને 17 ઓગસ્ટના રોજ કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-CPCB, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-GPCB અને રાષ્ટ્રીય પર્યાવરણ એન્જીનીયરીંગ સંશોધન સંસ્થા (NEERI)ના અધિકારીઓએ શહેરના વિવિધ પ્લાન્ટસ/પ્રોજેકટોની મુલાકાત લીધી હતી.

Web Title: Surat first ranks in clean air survey 2024 ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×