Surat Building Collapsed Updates | સુરત બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટના અપડેટ્સ : શહેરના સચિન વિસ્તારના પાલીગામ માં પાંચ માળની બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી સાત થયો છે, રેસક્યુ ટીમ અને તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી, મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
સમાચાર એજન્સી પીટીઆઈએ પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે, સુરતમાં છ માળની ઈમારત ધરાશાયી થયાના એક દિવસ બાદ રવિવારે સવાર સુધીમાં મૃત્યુઆંક વધીને સાત થઈ ગયો હતો.
સુરતના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન 6) રાજેશ પરમારે જણાવ્યું હતું કે, “એક મહિલાને બચાવી લેવામાં આવી છે. તો કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, સાત મૃતદેહો મળી આવ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.” તેમણે કહ્યું કે હજુ પણ કેટલા લોકો ફસાયેલા છે તે હજુ સ્પષ્ટ નથી.
પોલીસના જણાવ્યા અનુસાર, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો દ્વારા બચાવ કામગીરી આખી રાત ચાલુ રહી.
સુરતમાં ઈમારત ક્યારે પડી?
સચિનમાં ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની જર્જરિત ઇમારત, જ્યાં ઘણા ટેક્સટાઇલ કામદારો અને તેમના પરિવારો રહેતા હતા, જે શનિવારે બપોરે અચાનક ધરાશાયી થઈ હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટના પાલીગામની ડીએન નગર સોસાયટીમાં બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી.
ઘટનાસ્થળેથી મળી આવેલો પહેલો મૃતદેહ 25 વર્ષીય યુવકનો હતો. તો બચાવી લેવામાં આવેલી મહિલા કશિશ શર્મા (23) ને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત હવે સ્થિર છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
બિલ્ડિંગમાં કોણ રહેતું હતું?
સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના કુલ 30 મકાનોમાંથી પાંચમાં લોકો રહેતા હતા. તેમાંથી મોટાભાગના સચિન જીઆઈડીસીમાં કારખાનામાં કામ કરતા મજૂરો હોવાનું કહેવાય છે, જેઓ ત્યાં ભાડે રહેતા હતા.” અમે અત્યાર સુધી જે માહિતી મેળવી છે તે વિસ્તારના અન્ય રહેવાસીઓ પાસેથી મળી છે. કારણ કે તે એક ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની ઇમારત હતી, તે સેન્ડવિચની જેમ તૂટી પડી હતી.”
આ પણ વાંચો – Surat Building Collapsed : ગુજરાતના સુરતમાં 6 માળની ઇમારત ધરાશાયી, એકનું મોત, અન્ય કેટલાક ફસાયાની આશંકા
ગેહલોતે રવિવારે સવારે એનડીઆરએફ અને સ્થાનિક ફાયર વિભાગ સહિત બચાવ કામગીરી અંગે જણાવ્યું હતું કે, “કર્મચારીઓ કાટમાળ હજુ હટાવી રહ્યા છે.”
ધારાસભ્ય સંદીપ દેસાઈએ શનિવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, કામદારો ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસી હતા. સૂત્રોએ જણાવ્યું કે, આ બિલ્ડિંગ સચિનના રહેવાસી જય દેસાઈની છે, જેઓ હાલ અમેરિકાના પ્રવાસે છે.