દેશના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે CAG ફરીથી હેડલાઇન્સમાં છે. CAG એ મોદી સરકારની ફ્લેગશિપ સ્કીમ આયુષ્માન ભારત થી દ્વારકા એક્સપ્રેસ વેના નિર્માણમાં ગેરરીતિઓનો ખુલાસો કર્યો છે. કેગના રિપોર્ટ બાદ વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે. 13 વર્ષ પહેલા જ્યારે કેગે 2જી સ્પેક્ટ્રમની ફાળવણીમાં કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો, ત્યારે રાજકીય હોબાળો થયો હતો. કોંગ્રેસ સરકારને ખરાબ રીતે ઘેરવામાં આવી હતી
2014ની લોકસભા ચૂંટણીમાં 2-G એક મોટો મુદ્દો બની ગયો અને ડૉ.મનમોહન સિંહની ખુરશી સુધી ગયો. ત્યારે વિનોદ રાય દેશના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ હતા. હવે ગિરીશ ચંદ્ર મુર્મુ CAG ના અધ્યક્ષ છે. જાણો CAG ગિરીશ ચંદ્ર મુર્મુની કહાની…
પીએમ મોદી સાથે જૂની ઓળખાણ, 2014માં દિલ્હી આવ્યા હતા
માત્ર 26 વર્ષની વયે IAS બનેલા ગિરીશ ચંદ્ર મુર્મુની ગણતરી દેશના ફાસ્ટ અમલદારોમાં થાય છે. મુર્મુની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જૂની ઓળખાણ છે. જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે મુર્મુ તેમના ઓએસડી હતા અને બાદમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય સચિવ બન્યા હતા. 2014 માં જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી અને નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા, ત્યારે મુર્મુ પણ દિલ્હી આવ્યા હતા. અહીં તેમણે ખર્ચ વિભાગમાં સચિવથી માંડીને નાણાકીય સેવા વિભાગ અને મહેસૂલ વિભાગમાં વિશેષ અને અધિક સચિવ સુધીના મહત્વના પદો પર કામ કર્યું.
જમ્મુ અને કાશ્મીરના પ્રથમ ઉપ-રાજ્યપાલ બન્યા
વર્ષ 2019 માં, જ્યારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો, ત્યારે મુર્મુને ત્યાંના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. લગભગ એક વર્ષ સુધી લેફ્ટનન્ટ ગવર્નરની ખુરશી સંભાળ્યા બાદ તેઓ દિલ્હી પાછા આવ્યા. 8 ઓગસ્ટ 2020 ના રોજ, તેમની નિમણૂક ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ તરીકે કરવામાં આવી હતી.
સૂફી સંગીતના શોખીન, જિમ ક્યારેય મિસ નથી કરતા
ગિરીશ ચંદ્ર મુર્મુની પત્ની સ્મિતા મુર્મુ ડોક્ટર છે. તેમને બે બાળકો છે, પુત્રી રૂચિકા મુર્મુ અને પુત્ર રૂહાન મુર્મુ. પોતાના ફાજલ સમયમાં શાસ્ત્રીય સંગીત અને સૂફી સંગીત સાંભળવાના શોખીન મુર્મુને વહીવટી અને આર્થિક બાબતોમાં નિષ્ણાત માનવામાં આવે છે.
CAG ની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, મુર્મુ પોતાના ફાજલ સમયમાં ફોટોગ્રાફી અને સ્કેચિંગ પણ કરે છે. તે ફિટનેસના પણ શોખીન છે અને જિમ ક્યારેય ચૂકતા નથી. ગિરીશ ચંદ્ર મુર્મુ, 1985 બેચના IAS અધિકારી, ઓરિસ્સા કેડરના છે અને મૂળ ઓડિશાના છે. 21 નવેમ્બર 1959 ના રોજ મયુરભંજ જિલ્લામાં જન્મેલા મુર્મુનો પ્રારંભિક અભ્યાસ અહીં થયેલો હતો. ઉત્કલ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક થયા બાદ, તેઓ ઈંગ્લેન્ડ ગયા. ત્યાં તેમણે બર્મિંગહામ યુનિવર્સિટીમાંથી MBA કર્યું.
હવે વાત CAGના તાજેતરના રિપોર્ટની…
1- દ્વારકા એક્સપ્રેસવે: CAG એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે, દ્વારકા એક્સપ્રેસ વે માટે કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેર્સ (CCEA) દ્વારા પ્રતિ કિલોમીટર 18.20 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ NHAI એ તેનું કુલ બજેટ વધારીને રૂ. 7287.29 કરોડ કર્યું હતું. જેના કારણે પ્રતિ કિમી રૂ. 250.77 કરોડનો ખર્ચ થયો.
2- આયુષ્માન ભારત: CAG એ આયુષ્માન ભારત યોજનામાં ઘણી ગેરરીતિઓનો ખુલાસો કર્યો છે. CAG અનુસાર, આ યોજના હેઠળ 3,446 એવા દર્દીઓની સારવાર પાછળ કુલ રૂ. 6.97 કરોડ ચૂકવવામાં આવ્યા છે, જેમનું મૃત્યું થઈ ગયેલું છે. ડેટાબેઝમાં આ દર્દીઓને મૃત દર્શાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો – Himachal Disaster : કાલકા-શિમલા રોડ પર ભૂસ્ખલન, રેલવે ટ્રેકને નુકસાન : હાઈવે નિર્માણ સામે સવાલો, અને જવાબદાર કારણો
આજ જ રીતે ત્રણ જ મોબાઈલ નંબર પર જ અનુક્રમે 7.5 લાખ, 140000 અને 96000 લોકો નોંધાયેલા છે. જેમાં એવા 43 હજારથી વધુ એવા પરિવારો છે, જેમાં સભ્યોની સંખ્યા 11 થી 200 સુધીની છે. 6 રાજ્યોમાં એક લાખથી વધુ પેન્શનરો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
3- અયોધ્યા વિકાસ પ્રોજેક્ટ : કેગે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘સ્વદેશ દર્શન યોજના’ હેઠળ અયોધ્યા વિકાસ પ્રોજેક્ટના અમલીકરણમાં કોન્ટ્રાક્ટરોને અનુચિત લાભ સહિત અનેક ગેરરીતિઓ મળી છે. CAG અનુસાર, 6 પ્રોજેક્ટ્સમાં કોન્ટ્રાક્ટરોને 19.73 કરોડ રૂપિયાનો અયોગ્ય લાભ કરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટરોએ નિયત કરેલી કામગીરીની ગેરંટી ફી પણ સંપૂર્ણ જમા કરાવી ન હતી.