scorecardresearch
Premium

રથયાત્રાની તડામાર તૈયારી, અમદાવાદમાં સૌ પ્રથમવાર 3 ડી મેપિંગ ટેકનોલોજીથી વોચ રખાશે

Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ, રથયાત્રામાં સાથે રહેનારા 25 વાહનો ઉપર CCTV અને GPS સિસ્ટમ કાર્યરત કરીને યાત્રાની પળેપળની વિગતો મેળવવામાં આવશે

Rathyatra 2023, Ahmedabad Rathyatra
અમદાવાદમાં રથયાત્રાને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ (તસવીર – સીએમ ભૂપેન્દ્ર પટેલ ટ્વિટર)

Ahmedabad Jagannath Rath Yatra: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી અષાઢી બીજને મંગળવારે 20મી જૂને અમદાવાદમાં યોજાનારી 146મી જગન્નાથ રથયાત્રા શાંતિ, સલામતી સાથે અને કોઈ જ અનિચ્છનીય ઘટના વિના સફળતાથી પાર પાડવા માટે પોલીસતંત્રની સજ્જતાની તલસ્પર્શી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી.

અમદાવાદ પોલીસ કમિશનર પ્રેમવીર સિંઘે રથયાત્રા સંદર્ભમાં શહેર પોલીસની આગોતરી તૈયારીઓનું પ્રેઝન્ટેશન આ સમીક્ષા બેઠકમાં કર્યું હતું. આ વર્ષે ગુજરાતમાં રથયાત્રામાં પ્રથમવાર સમગ્ર યાત્રા રૂટ, નિજમંદિર, સ્ટ્રેટેજીક પોઇન્ટ સહિતની બાબતો પર 3 ડી મેપિંગથી નજર રાખવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 3 ડી મેપિંગથી નિગરાની રાખવાનો પ્રયોગ આગામી યાત્રાઓમાં પણ કરવા માટે પોલીસ દળને પ્રેરક સૂચન કર્યું હતું.

તેમણે સોશિયલ મીડિયા કે ફોન-વ્હોટસએપ દ્વારા રથયાત્રાને સ્પર્શતી કોઈ ખોટી અફવાઓ ન ફેલાય તે માટે સાયબર ક્રાઈમ ટીમ અને ક્રાઇમ બ્રાન્ચને સતર્ક રહેવાની ખાસ તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે ઓળખના આધાર – પુરાવા વિના પ્રિપેઇડ સીમકાર્ડ વેચનારા લોકો સામે કડકાઇથી કામ લેવાય તે આવશ્યક છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકની વિગતો આપતા કહ્યું કે અમદાવાદની આ 146મી રથયાત્રા રંગે ઉમંગે પાર પડે તે માટે રાજ્ય સરકારે સુદૃઢ વ્યવસ્થા ગોઠવી છે. તેમણે જણાવ્યું કે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ મળીને 198 જેટલી રથયાત્રાઓ તેમજ અમદાવાદ શહેરમાં મુખ્ય રથયાત્રા સાથે અન્ય 6 નાની રથયાત્રાઓ પણ અલગ અલગ વિસ્તારો માથી નીકળે છે. આ બધી જ નાની મોટી રથ યાત્રાઓમાં કોમી સંવાદિતા જળવાઈ રહે તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચો – અમદાવાદમાં મંગળવારે રણછોડરાય નીકળશે નગરચર્ચાએ, AMTS અને BRTS બસોના રૂટમાં થયા ફેરફાર

મુખ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં આપવામાં આવેલી વિગતોમાં જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદની રથયાત્રા માટે પેરા મિલીટરી ફોર્સ સહિત કુલ 26091 પોલીસ અધિકારી-કર્મચારીઓ ફરજ પર રહેવાના છે. એટલું જ નહીં 45 જેટલા સેન્સિટીવ લોકેશન પરથી 94 સીસીટીવી કેમેરા દ્વારા વોચ રાખવામાં આવશે.

આ ઉપરાંત 2322 બોડીવોર્ન કેમેરા સાથેના જવાનો, યાત્રામાં સાથે રહેનારા 25 વાહનો ઉપર CCTV અને GPS સિસ્ટમ કાર્યરત કરીને યાત્રાની પળેપળની વિગતો મેળવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર પોલીસે બે મહિના પહેલાંથી જ રથયાત્રાની જે તૈયારીઓ કરી છે તેનાથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

ગૃહ રાજ્યમંત્રીએ આ તૈયારીઓનું વિવરણ આપતા કહ્યું કે, રથયાત્રા રૂટથી પોલીસ અધિકારીઓને પરિચિત કરાવવા એરિયા ફેમિલરાઇઝેશન અન્વયે પેટ્રોલિંગ કરવામાં આવેલું છે. એરિયા ડોમિનેશન અન્વયે ફૂટ પેટ્રોલિંગ કરીને જે તે વિસ્તારમાં પોલીસની પ્રેઝન્સ અનુભવાય તેવી કાર્યવાહી 3,732 ફૂટ પેટ્રોલિંગ થી કરાઈ છે. આ ઉપરાંત 32 ઉડાન દ્વારા ડ્રોન સર્વેલન્સ કરીને સંવેદનશીલ વિસ્તારો પર નિરીક્ષણ કર્યું છે. 250 ધાબા પોઇન્ટ અને 25 વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે.

તેમણે આ રથયાત્રા દરમિયાન કોઈ અનઅધિકૃત ડ્રોન ઉપયોગમાં ન લઈ શકાય તે માટે એન્ટી ડ્રોન ટેકનોલોજી નો પણ આ વખતે પ્રથમવાર ઉપયોગ કરવામાં આવશે તેની વિગતો પણ આપી હતી. રથયાત્રા સૌહાર્દભર્યા વાતાવરણમાં પરંપરાગત શ્રદ્ધા- આસ્થાથી ઉજવાય તે માટે સર્વધર્મ બ્લડ ડોનેશન કેમ્પ, ક્રિકેટ ટૂર્નામેન્ટ, શાંતિ સમિતિની બેઠકો, મહોલ્લા સમિતિની બેઠકો પણ પોલીસતંત્ર દ્વારા યોજવામાં આવી છે તેની વિગતો ગૃહ રાજ્યમંત્રીએ આપી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં રથયાત્રાઓ યોજાય છે ત્યાં કોમી સંવાદિતા, સૌહાર્દ અને સલામતીના વાતાવરણમાં પાર પાડવા રાજ્ય પોલીસ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીને આ બેઠકમાં આપ્યો હતો.

Web Title: Rath yatra 2023 3d mapping technology for the first time in ahmedabad

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×